વેરાવળ સિવિલ કોવિડ સેન્ટરમાં યુવતીના મોત મામલે તબીબ પર સગા-સંબંધીઓનો હુમલો

01 August 2020 03:21 PM
Veraval
  • વેરાવળ સિવિલ કોવિડ સેન્ટરમાં યુવતીના મોત મામલે તબીબ પર સગા-સંબંધીઓનો હુમલો

તબીબને ઝાપટ મારવા સાથે તોડફોડ : પોલીસ ફરીયાદ બાદ તબીબો સેવાથી અલિપ્ત : હુમલાના ઘેરા પ્રત્યાઘાતો

વેરાવળ તા.1
વેરાવળમાં કોરોના (સીવીલ) હોસ્પીટલમાં ખાસ ફરજ પર રહેલા તબીબ પર ગઇ કાલે એક યુવતિનું મૃત્યુ થતા તેના આઠ થી દસ સગા-સંબંધીઓએ તબીબ ઉપર હુમલો કરી જાપટ મારી હોસ્પીટલમાં તોડફોડ કરતા સનસનાટી મચેલ છે. આ બનાવ અંગે પોલીસે ફરીયાદ નોંધેલ છે જયારે આઇ.એમ.ઇ. દ્વારા ચોવીસ કલાકમાં આરોપીઓ પકડાય નહીં ત્યાં સુધી ખાનગી ડોક્ટરો કોવિડ હોસ્પિટલમાં સેવા આપશે નહિ તેવો નિર્ણય કરેલ હોવાનું જાણવા મળેલ છે.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ વેરાવળ કોરોના (સીવીલ) હોસ્પીટલમાં ગઇ કાલે બપોરના સમયે એક યુવતી સારવાર અર્થે આવેલ અને તેનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજતા મૃતક યુવતિના સગા-સંબંધીઓ રોષે ભરાયેલ હતા અને કોવીડ હોસ્પીટલમાં ફરજ બજાવતા તબીબ સાથે બોલાચાલી કરી હુમલો કરતા ખળભળાટ મચી જવા પામેલ તેમજ મૃતકના સગા-સંબંધીઓએ હોસ્પીટલમાં પણ તોડફોડ કરેલ હતી. આ બનાવની જાણ પોલીસને થતા તાત્કાલીક પોલીસ કાફલો હોસ્પીટલે પહોંચી પરીસ્થિતીને કાબુમાં લીધેલ હતી.

આ બનાવ અંગે વેરાવળના તબીબ ડો.આકાશ અજયકુમાર શાહ ઉ.વ.30 જીલ્લા મેજી. ના હુકમના આધારે કોરોના (સીવીલ) હોસ્પીટલમાં ફરજ પર રહેલ તે દરમ્યાન ગઇ કાલે બપોરના સમયે શીરાજીમ નમીરાબેન ઉ.વ.20 રહે.વેરાવળ વાળી યુવતી શહેરની ખાનગી હોસ્પીટલમાંથી વધુ સારવાર માટે રીફર થઇ સીવીલમાં આવેલ અને આ દર્દી સારવાર દરમ્યાન ગઇ કાલે સાંજે મૃત્યુ નીપજેલ તેથી ડો.આકાશ શાહ દ્વારા મૃતક ના સંબંધીને ફોન કરતા લાગેલ નહીં તેથી ડો.અબ્દુલ કાદીર ને જાણ કરી

મૃતકના સંબંધીઓને જાણ કરેલ ત્યારબાદ રાત્રીના પોણા નવ વાગ્યા આસપાસ ડો.આકાશ શાહ હોસ્પીટલની બહાર આવેલ તે સમયે પાર્કીગ પાસે મૃત્યુ પામેલ યુવતિના સગા આઠ થી દસ જણાએ અમારા પેશન્ટ મરણ પામેલ છે તેમ કહી બે જણાએ બોલાચાલી કરી બીભત્સ શબ્દો બોલી તબીબનો કાઠલો પકડી જાપટ મારતા તબીબ હોસ્પીટલના ગેટ પાસે રહેલી કેબીનમાં પહોંચી જતા બન્ને અજાણ્યા શખ્સોએ કેબીનનું પાર્ટીશન તોડી નુકશાન કરેલ અને આ સમયે હોસ્પીટલનો સ્ટાફ આવી પહોંચેલ હોવાનું પોલીસ ફરીયાદમાં નોંધાવેલ છે.

ઉપરોકત બનાવ અંગે પોલીસે આઇ.પી.સી. કલમ 143, 147, 332, 186, 504, 427, 188 તથા ધી એપેડેમીક ડીસીઝ એકટ તથા એમેડમેન્ટ ઓડીનન્સ 2020 ની કલમ 3 તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ 51(એ) (બી) અને સરકારી મિલ્કતને નુકશાન કરી કેન્દ્ર તથા રાજય સરકારના નોટીફીકેશન અને જીલ્લા મેજી. ના જાહેરનામાનો ભંગ સહીતની કલમો હેઠળ દસેક અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ પી.આઇ. ડી.ડી.પરમારે હાથ ધરેલ છે.

હુમલાના ઘેરા પ્રત્યાઘાત
વેરાવળ કોરોના (સીવીલ) હોસ્પીટલમાં તબીબી ઉપર હુમલો થતા વેરાવળ આઇ.એમ.એ ના ડોક્ટરોનું પ્રતિનિધિ મંડળ સરકારી હોસ્પિટલ ખાતે આવી પહોંચેલ અને હુમલાનો ભોગ બનનાર તબીબ ખાનગી પ્રેક્ટિશનર હોય અને તે કલેક્ટરના આદેશથી વેરાવળ કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવવા હોય ત્યારે તેની ઉપર હુમલો થયેલ હોય અને આ બનાવના આરોપીઓ ચોવીસ કલાકમાં પકડાય નહીં ત્યાં સુધી ખાનગી ડોક્ટરો કોવિડ હોસ્પિટલમાં સેવા આપશે નહિ તેવો નિર્ણય કરેલ આઇ.એમ.એ કરેલ હોવાનું જાણવા મળેલ છે.


Loading...
Advertisement