‘ટીકટોક’ને અમેરિકી જાયન્ટ માઈક્રોસોફટ ખરીદી લેશે ?

01 August 2020 03:15 PM
India World
  • ‘ટીકટોક’ને અમેરિકી જાયન્ટ માઈક્રોસોફટ ખરીદી લેશે ?

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચાઈનીઝ કંપની બાઈટડાન્સને ટીકટોક અમેરિકી કંપનીને વેચવા જણાવ્યું: ભારત બાદ હવે અમેરિકામાં ચીનના એપ સામે વિવાદ : રાષ્ટ્રીય સલામતીનો પ્રશ્ન ઉભો કરાયો : માઈક્રોસોફટ હવે ગુગલ અને ફેસબૂક સામે સ્પર્ધા કરવા લોકપ્રિય ડાન્સ એપ ખરીદી લેવાની તૈયારીમાં

વોશિંગ્ટન,તા. 1
ભારત સહિત વિશ્વભરમાં અત્યંત લોકપ્રિય થયેલી મોબાઈલ એપ્લીકેશન ટીકટોક ટૂંક સમયમાં અમેરિકી માલિકીની કંપની બની જાય તેવા સંકેત છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચાઈનાની બાઈટડાન્સ લીમીટેડને તેનું આ એપ્લીકેશન અમેરિકાને વેચી દેવા માટે આદેશ આપવાની જાહેરાત કરી છે. ભારતમાં ટીકટોક પર હાલમાં જ પ્રતિબંધ મૂકાયો છે.

આ ચાઈનીઝ કંપની ટીકટોકના યુઝર્સના ડેટા ચાઈના સરકારને આપતી હોવાના આરોપ બાદ ભારતમાં ચાઈનાના અંદાજે 107 એપ્લીકેશન પર પ્રતિબંધ મૂકાયો છે. જો કે, ભારતે લદાખ સીમાએ ચીને જે રીતે ઘૂસણખોરી કરી અને ભારતને 20 સૈનિકોની શહીદી વ્હોરવી પડી તે બાદ દેશમાં ચાઈના સામેના આક્રોશને વાચા આપીને મોદી સરકારે ટીકટોક સહિતના એપને ભારતમાંથી બહાર કરી ચીનને આર્થિક ફટકો મારવાનો વ્યૂહ અપનાવ્યો છે.

જો કે ટીકટોક એ ચાઈનીઝ કંપની છે પરંતુ અમેરિકામાં તે અત્યંત લોકપ્રિય બની રહી છે અને તેની માલિકીની બાઈટડાન્સ દ્વારા 2017માં મ્યુઝીકલ.લે-ઇન્કોર્પને ખરીદીને ટીકટોક મોડેલ રજૂ કરાયું હતું. જે કંપની ખરીદી તે અમેરિકાની હતી. ભારતની જેમ હવે અમેરિકા અને ચાઈના વચ્ચે હવે રાજકીય શસ્ત્ર બની ગયું છે અને અમેરિકામાં પણ આ એપ દ્વારા રાષ્ટ્રીય સલામતી માટે પ્રશ્ન ઉભા કરાતા હોવાની ફરિયાદ થઇ છે.

જો કે ટીકટોકે પોતે કોઇ ડેટા કે માહિતી ચાઈનીઝ સરકારને આપતું નથી તેવું અનેક વખત જણાવ્યું છે. પરંતુ માનવામાં આવે છે કે, માઈક્રોસોફટ કંપની ટીકટોક ખરીદી લેશે. જો કે હાલ તેનું અમેરિકન બિઝનેસ જ ખરીદવાની તૈયારી છે પરંતુ માનવામાં આવે છે ભારત સહિતના દેશોમાં ટીકટોકની જે લોકપ્રિયતા છે તે જોતા ફેસબૂક તથા ગુગલની સામે માઈક્રોસોફટ પાસે કોઇ લોકપ્રિય પ્લેટફોર્મ નહીં હોવાથી ટીકટોક ખરીદીને હરિફોને પડકાર આપવા માગે છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટીકટોકની માલિકી વેચવા માટે આદેશ આપ્યો છે તે ચીન અમેરિકા વચ્ચેનો નવો વિવાદ બની શકે છે.


Related News

Loading...
Advertisement