ગુજરાતમાં ખાનગી કૃષિ યુનિ.ને મંજુરી આપવા સામે વિદ્યાર્થી નેતાનો વિરોધ

01 August 2020 03:11 PM
Junagadh
  • ગુજરાતમાં ખાનગી કૃષિ યુનિ.ને મંજુરી આપવા સામે વિદ્યાર્થી નેતાનો વિરોધ

જુનાગઢના વિદ્યાર્થી નેતા રવિ રૈયાણીનો કૃષિ મંત્રને પત્ર

જુનાગઢ, તા. 1
જુનાગઢ ગુજરાતમાં ખાનગી કૃષિ યુનિવર્સિટીઓને મંજૂરી આપવાની તજવીજ સામે આવતા જૂનાગઢના વિદ્યાર્થી નેતા અને ખેડૂત પુત્ર રવિ રૈયાણી દ્વારા કેન્દ્રીય કૃષિમંત્રી ને લેખિત રજૂઆત કરી કૃષિક્ષેત્રમાં ખાનગીયુનિવર્સિટીઓ ને મંજૂરી આપવી આગામી સમયમાં કૃષિક્ષેત્રના વિદ્યાર્થીઓના હિતમાં ના હોવાનું જણાવી આ બાબતને અટકાવવા માંગણી કરવામાં આવી હતી સાથે સાથે જો આ બાબતે સરકાર કોઈ ચોક્કસ નિર્ણય નહીં કરે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનના મંડાણ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

જૂનાગઢના વિદ્યાર્થી નેતા અને ખેડૂતપુત્ર રવિ રૈયાણી દ્વારા કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરને તાજેતરમાં ગુજરાતમાં ખાનગી કૃષિ યુનિવર્સિટીને આપેલી મંજૂરી સત્વરે રદ કરવા લેખિત રજૂઆત કરી ઉગ્ર માંગણી કરવામાં આવી છે તેમણે તેમના પત્રમાં જણાવ્યું હતું કે ખેડૂત કલ્યાણ વિભાગના પત્ર મારફતે ગત તા. 24 જુલાઈ ના રોજ જાહેર કરવામાં આવેલ છે.જે અંતર્ગત જાણીને દરેક વિદ્યાર્થીઓ હાલ ખુબજ દુ:ખની લાગણી અનુભવી રહ્યા છે.

રાજ્યમાં સરકાર દ્વારા સંચાલિત કુલ 4 કૃષિ યુનિવર્સિટીઓ અંતર્ગત 11 કોલેજો કૃષિ સ્નાતકનું શિક્ષણ આપી રહેલ છે. જેમાંથી દર વર્ષે 900-1000 કૃષિ સ્નાતકો, 300-400 અનુસ્નાતકો, 200-250 કૃષિ ડિપ્લોમાં અને કૃષિ સંલગ્ન અભ્યાસક્રમના બીજા અન્ય 1000 થી વધુ સ્નાતકો દર વર્ષે અભ્યાસ પૂર્ણ કરે છે. આ સંખ્યા રાજ્યની કૃષિ તજજ્ઞોની જરૂરિયાતને પહોંચી વળવા માટે પુરતિજ નહિ પરંતુ જરૂરિયાતથી પણ વધારે માત્રામાં છે.

જો આ પરિસ્થિતિમાં રાજ્યમાં ખાનગી યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવશે તો રાજ્યમાં કૃષિ શિક્ષણની ગુણવત્તા જળવાશે નહિ અને બેરોજગારીનું પ્રમાણ વધશે.આથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ આ ખેડૂતપુત્રોના હિત વિરોધી નિર્ણયને પાછો ખેંચી ખાનગી કૃષિ યુનિવર્સિટીઓની મંજૂરી રદ કરવા તેમના દ્વારા માગણી કરાઇ હતી.અંતમાં જો આ બાબતે સત્વરે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો ગામડે ગામડે ખેડૂત પુત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર આંદોલનના મંડાણ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.


Loading...
Advertisement