કોરોના મહામારીને ધ્યાને લઇ સુરેન્દ્રનગર સબ જેલમાં રક્ષાબંધનના તહેવારે રૂબરૂ રાખડી બાંધવાનો કાર્યક્રમ મોકુફ

01 August 2020 02:42 PM
Surendaranagar
  • કોરોના મહામારીને ધ્યાને લઇ સુરેન્દ્રનગર સબ જેલમાં રક્ષાબંધનના તહેવારે રૂબરૂ રાખડી બાંધવાનો કાર્યક્રમ મોકુફ

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 1
સુરેન્દ્રનગર સબ જેલ ઈન્ચાર્જ અધિકક્ષશ્રી એચ.આર.રાઠોડની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર સબ જેલમાં દર વર્ષે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે જેલમાં રહેલા બંદીવાન ભાઈઓને તેઓની બહેનો તેમજ સામાજીક સંસ્થાની બહેનો દ્વારા રાખડી બાંધી રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવતી હતી.

પરંતુ હાલ કોરોના વાયરસ કોવિડ-19ના સંક્રમણના કારણોસર બંદીવાનોની સુરક્ષા હેતુ જેલ ખાતાના અધિક પોલીસ મહાનિર્દેશક ડો.એલ.એન.રાવની સુચનાથી રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બંદીવાનોની બહેનો જેલમાં રહેલા તેમના ભાઈઓને રૂબરૂ રાખડી બાંધવાનો કાર્યક્રમ મોકુફ રાખવામાં આવેલ છે.

વધુમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારના મહત્વને ધ્યાને લઈ રક્ષાબંધનના દિવસે બંદીવાનોની બહેનો જેલમાં રહેલા તેમના ભાઈને કવર ઉપર નામ લખી સબ જેલ ઉપર ટપાલથી રાખડી મોકલાવી આપશે તો ફકત રાખડી સ્વીકારવામાં આવશે. નોંધનીય છે કે, રાખડી સિવાય મીઠાઈ કે અન્ય કોઈ પણ વસ્તુ લેવામાં આવશે નહી તેમ જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર સબ જેલમાં પ્રવિત્ર શ્રાવણ માસ દરમિયાન 24 બંદીવાન ભાઈ- બહેનોને દરરોજ તેમજ દર સોમવારે આશરે 70 જેટલા બંદીવાનોને વિશ્વ હિન્દુ પરીષદ તરફથી ફરાળ પણ આપવામાં આવે છે, તેમજ તા.29 જુલાઈ,2020ના રોજ દશામાના વ્રતની ઉજવણી નિમિત્તે તમામ બંદીવાન ભાઈ-બહેનોને લાડુનો પ્રસાદ પણ આપવામાં આવેલ છે.


Loading...
Advertisement