જસદણ-વિંછીયા તાલુકામાં આંગણવાડીની બહેનો કોરોના વોરીયર બની

01 August 2020 12:45 PM
Jasdan
  • જસદણ-વિંછીયા તાલુકામાં આંગણવાડીની બહેનો કોરોના વોરીયર બની

(ધર્મેશ કલ્યાણી)
જસદણ, તા. 1
કોરોનાની મહામારીનો સામનો કરવા રાજ્ય સરકારના સતત માર્ગદર્શન હેઠળ આરોગ્યકર્મીઓ દિવસ રાત કાર્યરત છે. કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકે તે માટે આશા અને આંગણવાડી વર્કર મહિલાઓ દ્વારા કોરોના વાયરસ સંદર્ભે જસદણ-વીંછીયા તાલુકામાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.જસદણ તાલુકા આરોગ્ય અધિકારી ડો.સી.કે.રામના જણાવ્યા અનુસાર જસદણ તાલુકાના 9 જેટલાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી કુલ 3 હજારથી વધુ ઘરનો સર્વે કોરોના વાયરસ અંતર્ગત કરાયો છે.

જેમાં બીપીની તકલીફ હોય તેવા 379 લોકો, ડાયાબીટીસના 326 દર્દીઓ, 8 અસ્થમાના દર્દીઓ અને 8 લોકો હૃદયની તકલીફ ધરાવે છે. વીંછીયા તાલુકાના 6 ગામમાંથી કુલ 3952 જેટલાં ઘરનો સર્વે કરવામાં આવ્યો જે પૈકી 101 લોકોમાં બી.પી. અને 106 લોકોમાં ડાયાબીટીસના લક્ષણો જોવા મળ્યા હતાં. જસદણ તાલુકામાં 173 અને વિછિયા તાલુકામાં160 આશાવર્કર કામ કરી રહી છે. વિરનગરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આશા વર્કર પૂજા સરવૈયા કહે છે કે તેઓ દરરોજ 50 ઘરોના સર્વે કરે છે. જેમાં કોઇને કઇ બિમારી હોય તો આરોગ્ય કેન્દ્રમાં દવા લેવા મોકલવામાં આવે છે.

અમારી સૌ આશા વર્કર બહેનો દ્વારા દરેક ઘરોમાં સમજાવવામાં આવે છે કે તેઓ સ્વચ્છતા જાળવે, વારં વાર હાથ ધોવે, કામ વિના બહાર ન જાય, ગરમ પાણી પીવે. અમારા આરોગ્ય કેન્દ્ર દ્વારા અમને અપાયેલ ઉકાળા, આયુર્વેદિક અને હોમિયોપેથી દવાઓ નિયમિત રીતે આપવામાં આવે તથા બાળકો અને વૃધ્ધોનું ધ્યાન રાખવામાં આવે.


Loading...
Advertisement