ગ્લેમરસ પડળો વચ્ચે ખોવાયેલી ‘શકુંતલા દેવી’!

01 August 2020 12:05 PM
Entertainment
  • ગ્લેમરસ પડળો વચ્ચે ખોવાયેલી ‘શકુંતલા દેવી’!
  • ગ્લેમરસ પડળો વચ્ચે ખોવાયેલી ‘શકુંતલા દેવી’!

આપણે ત્યાં રામાનુજન, આર્યભટ્ટ સહિતના ગણિતજ્ઞોથી ભારતીયો બરાબર વાકેફ છે, પરંતુ મારા સહિતના મોટાભાગના યુવાનમિત્રોને શકુંતલા દેવી વિશે ઝાઝી ખબર નથી. ’હ્યુમન કમ્પ્યુટર’ નામે જાણીતી એ વિશ્ર્વ વિખ્યાત સ્ત્રી સમગ્ર વિશ્ર્વને પોતાના આંકડા-જ્ઞાનના જોરે હચમચાવીને 2013ની સાલમાં અવસાન પામી. પોતાના જીવનકાળ દરમિયાન એમણે ફક્ત મેથેમેટિશ્યન તરીકે જ નહીં પરંતુ લેખિકા, જ્યોતિષજ્ઞ, વક્તા તરીકે પણ પુષ્કળ કામ કર્યું. કદાચ આપણા બાપ-દાદાઓને શકુંતલા દેવી યાદ હશે, કારણકે 80-90ના દાયકામાં વિશ્ર્વભરમાં એમના નામની બોલબાલા થઈ ચૂકી હતી. જોકે, દીકરી અનુપમા અને પતિ પરિતોષ સાથેના એમના સંબંધો સદાય પરીક્ષાની એરણ પર રહ્યા.

એમેઝોન પ્રાઇમ પર રીલીઝ થયેલી ’શકુંતલા દેવી’ તેના મૂળ પાત્રના જીવનચરિત્ર પર ઓછું, ને એના અંગત સંબંધો પર વધુ ફોકસ કરે છે. લાંબાલચક આંકડાને ઘોળીને પી જઈને સિંહની ત્રાડ અને હાથીની ખાલ જેવા અઘરા પ્રશ્નોનો ગણતરીની સેકન્ડોમાં જવાબ આપીને એમણે પોતાની તેજતોખાર બુદ્ધિક્ષમતાનો પરિચય તો નાનપણથી જ આપવાનો શરૂ કરી દીધો હતો. કિશોરી બનતા સુધીમાં દોમદોમ સાહ્યબીનો અનુભવ ને પછી આગળ જતાં પરિતોષ બેનર્જી (જિસ્સુ સેનગુપ્તા) સાથેના લગ્ન! દીકરી અનુપમા (સાનિયા મલ્હોત્રા) સાથેનો ખટરાગ પણ ફિલ્મમાં આબાદ ઝીલાયો છે.

કમનસીબી એ છે કે, ફિલ્મ પોતાના કથાનક અને પાત્રોને વિકસવાનો અવસર જ નથી આપતી. અસુરેખ સ્ક્રીનપ્લેને કારણે ફિલ્મ અલગ-અલગ વર્ષોમાં (વર્તમાન અને ભૂતકાળમાં) ઝોલા ખાય છે. સામાન્ય સંજોગોમાં નોન-લિનીયર સ્ક્રીનપ્લે દર્શકની જીજ્ઞાસા જગાવે છે, પરંતુ અહીંયા કેટલીક વખત ખટકા પડ્યાનો અનુભવ કરાવે છે. નાના-નાના ગાભાને સિલાઈની મદદથી જોડીને એક મોટું થીગડું બનાવવામાં આવ્યું છે, જે અધૂરપનો અહેસાસ કરાવે છે.

બેશક, વિદ્યા બાલનનો શકુંતલા અવતાર ફિલ્મની મજા બે ગણી કરી દે છે, પરંતુ સાથોસાથ અડધી પાકેલી ખીચડી જેવા પાત્રો અને એમની ઘટનાઓ પ્રેક્ષકને સતત ઓછપ અને અસંતોષ આપે છે. સંગીત સચિન-જીગરનું હોવા છતાં ખાસ કોઈ કમાલ નથી જોવા મળ્યો. આંકડાની સૃષ્ટિને વધુ સહેલાઈથી ઑડિયન્સના ગળે ઉતારવા માટે વિઝ્યુયલ ઈફેક્ટ્સનો આશરો લેવામાં આવ્યો છે.

ગણિત વિષયમાં જેને રસ પડે છે, તેને તો આ ફિલ્મ ગમશે જ... પરંતુ જેઑ તે બાબતે સાવ નીરસ છે એમને પણ ગણિત સહેલું લાગવા માંડશે. કેટલાક સંવાદોને બાદ કરતાં બાકીનામાં કંઈ ઉકાળી લેવા જેવુ નથી. સાનિયા મલ્હોત્રા, અમિત સાધ, જિસ્સુ સેનગુપ્તા પોતપોતાના સ્તર પર નીખર્યા છે, પરંતુ ડિરેકટર અનુ મેનન એમના વાસ્તવિક કૌશલ્યનો પૂર્ણપણે ઉપયોગ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે.

અલબત્ત, એની પાછળ નિયાનિકા મહતાની અને અનુ મેનનનો સ્ક્રીનપ્લે પણ જવાબદાર ગણી શકાય, જેણે પોતાના પાત્રોને મોટા થવાની તક જ ન આપી. શકુંતલા દેવીની જિંદગીને બે કલાકમાં સમાવવા માટે લેખકોએ આખી વાર્તાને બુલેટ ટ્રેનની ગતિએ ભગાવી છે. આથી ભારતીય પ્રેક્ષકો નિરાંતે, એકદમ મોજથી હસવાનો-રડવાનો-દુ:ખી થવાનો અનુભવ ગુમાવશે એની ખાતરી છે.

શરૂઆતી દ્રશ્યમાં બંધાયેલી આશા ક્લાયમેક્સ પર પહોંચતા સુધીમાં ટાયરમાથી નીકલી ચૂકેલી હવાની માફક બેસી જાય છે! કાશ, ફિલ્મમાં ગ્લેમર ઓછું છાંટવા જેટલો સંયમ જળવાયો હોત તો ચાર ચાંદ લાગી શકે એમ હતા. આમ છતાં શકુંતલા દેવી વન-ટાઈમ વોચ તો છે જ, એની ના નહીં. સહપરિવાર બેસીને આનંદપૂર્વક જોઈ શકાય એવી ફિલ્મો માણવા માટે આજકાલ ખાસ્સી રાહ જોવી પડે એવો માહોલ છે, એવામાં શકુંતલા દેવીને ચૂકી શકાય નહીં.

ક્લાયમેક્સ
આ અઠવાડિયે હોટસ્ટાર પર ’લૂંટકેસ’, ઝી-ફાઇવ પર ’યારા’, નેટફ્લિક્સ પર ’રાત અકેલી હૈ’ જેવી બિગ-સ્ટારર ફિલ્મો અને સોની લીવ પર ’અવરોધ’ નામની વેબસીરિઝ રીલિઝ થઈ છે. જોવા જેવી વાત એ છે કે, હજુ હમણાં ’એમેઝોન પ્રાઇમ’ પર ’બ્રીધ’ સીરિઝમાં દેખાઈ ચૂકેલા અમિત સાધ ત્રણ-ત્રણ ઑટીટી કૃતિ ’શકુંતલા દેવી’, ’યારા’ અને ’અવરોધ’માં રાજ કરી રહ્યા છે. જમાનો આવ્યો હોં કે બાપલિયા!

સાંજ સ્ટાર : ત્રણ ચોકલેટ
કેમ જોવી? : ભારતની વિસરાઈ ચૂકેલી પ્રતિભાને યાદ કરવા માટે! નવી પેઢીને પ્રેરણા પૂરી પાડવા માટે!
કેમ ન જોવી? : વિદ્યા બાલન અભિનીત બાયોપિક ફિલ્મોથી થાક્યા હો તો!
bhattparakh@yahoo.com


Related News

Loading...
Advertisement