મોરબી તાલુકા પંચાયત પ્રમુખ સામે પડનારા કોંગી સભ્યોને ખેડવવા ‘ખરીદ-વેચાણ’ સંઘ ખુલ્યો!

01 August 2020 11:47 AM
Morbi Politics Rajkot
  • મોરબી તાલુકા પંચાયત પ્રમુખ સામે પડનારા કોંગી સભ્યોને ખેડવવા ‘ખરીદ-વેચાણ’ સંઘ ખુલ્યો!

19 સભ્યોએ મૂકેલી અવિશ્વાસ દરખાસ્ત પર હજુ કોઇ પ્રક્રિયા નહી : ભાજપમાં જોડાવા લાલ જાજમ પથરાઇ : મેરજાના ટેકેદાર પ્રમુખ પર નજર : બંને પક્ષે ખેંચાખેંચી

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા. 1
મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આગામી સમયમાં યોજાનારી છે ત્યારે મોરબી અને માળિયા તાલુકામાં તડજોડનું રાજકારણ શરૂ થઈ ગયું છે જેના ભાગરૂપે છેલ્લા એક પખવાડિયાથી સમયાંતરે ભાજપ દ્વારા મીટીંગો યોજીને કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારોને ખેડવવામાં આવી રહ્યા છે જેમાં મોરબી તાલુકા પંચાયતના પ્રમુખનો પણ સમાવેશ થાય છે.

પ્રમુખે કોંગ્રેસને છોડીને કેસરિયા કરી લીધા હોવાથી તેની સામે મોરબી તાલુકા પંચાયતના કોંગ્રેસના 19 જેટલા સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી છે જોકે તે મુદ્દે હજુ કોઈ પણ જાતની આગળની કાર્યવાહી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ નથી તેવામાં બીન આઘારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસના વધુ સભ્યોને તોડવા માટે ભાજપ દ્વારા ખરીદ વેચાણ સંઘ ખુલ્લો મુકવામાં આવ્યો છે તેવી ચર્ચાએ હાલમાં જોર પકડ્યું છે.

થોડા સમય પહેલા મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના કોંગ્રેસના કેટલાક આગેવાનો કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા ત્યાર બાદ કોંગ્રેસે ભાજપમાં ગયેલા મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત માટેનો તખ્તો તૈયાર કર્યો હતો અને તાલુકા પંચાયતના 26માંથી કોંગ્રેસના 19 સભ્યોને સાથે રાખીને અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવેલ છે.

જો કે, આગામી દિવસોમાં યોજાનાર પેટા ચૂંટણીમાં મોરબી-માળિયા વિધાનસભા બેઠક ઉપર કમળ ખીલે તેના માટે ભાજપ દ્વારા છેલ્લા દિવસોથી કવાયત શરુ કરી દેવામાં આવી છે અને વિવિધ બેઠકો કરવામાં આવી રહી છે સાથોસાથ કોંગ્રેસના આગેવાનોને પણ તોડવામાં આવી રહ્યા છે જેથી કોંગ્રેસના ગઢમાં ગાબડું પડે છે તે હક્કિત છે પરંતુ મોરબી તાલુકા પંચાયતના પ્રમુખના બચાવમાં ભાજપ આવ્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

મોરબી-માળિયા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશભાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાયા છે ત્યાર તેની નજીકના કોંગ્રેસના આગેવાન અને મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ હંસરાજભાઈ પાંચોટીયાએ પણ પંજાનો હાથ છોડીને કેસરિયા કરી લીધા છે. ત્યારે આગામી ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક જટકો આપવા માટે તખ્તો ગોઠવાઈ રહ્યો છે અને જે રીતે રાજ્ય સભાની ચુંટણી પહેલા ખરીદ વેચાણ સંઘને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આવી જ રીતે હાલમાં મોરબી માળીયામાં પણ ખરીદી વેચાણ ખુલ્લો મુકવામાં આવ્યો હોવાનું બિન આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ હંસરાજભાઈ પાંચોટિયા સામે મોરબી તાલુકા પંચાયતના કોંગ્રેસના 19 સભ્યોએ અકબંધ રહીને એક પખવાડિયા પહેલા અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે જો કે ત્યાર બાદ બોર્ડ બોલાવવા માટેની કોઈ કાર્યવાહી આજ દિન સુધીમાં કરવામાં આવી નથી જેથી અધિકારી ઉપર પણ રાજકીય પ્રેસર હોય તેવી શક્યતા સેવાઈ રહી છે તેવામાં મોરબી તાલુકા પંચાયતમાં કોંગ્રેસના બાકી રહેલા સભ્યો એટલે કે 19 સભ્યોમાંથી કેટલા સભ્યોને આર્થિક લાભ આપીને ખેડવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને કોંગ્રેસના ચારેક સભ્યો હાલમાં ભાજપના સંપર્કમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

તાલુકા પંચાયતના પ્રમુખ હંસરાજભાઈ પાંચોટિયા સામે અવિશ્વાસની દરખાસ્તનો તાત્કાલિક નિકાલ ન થાય તે પ્રકારનો તખ્તો ગોઠવવામાં આવ્યો છે બિન આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે જે 19 જેટલા સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મુકેલ છે તેમાંથી કેટલાક સભ્યોને પંજાની પકડમાંથી બહાર કાઢવા માટે અને તેઓને ભાજપમાં સમાવવા માટેના કેટલાક સભ્યોને લાગતા-વળગતાઓ દ્વારા રૂપિયાની ઓફર કરવામાં આવી રહી છે અને એક સભ્યની કિંમત પાંચ આંકડામાં બોલાઇ રહી છે.

તો બીજી બાજુ એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, જો સભ્યને લાખો રૂપિયા દેવામાં આવતા હોય તો તાલુકા પંચાયતના પ્રમુખ કેવી ગોઠવણ કરીને ગયા હશે તે પણ પ્રશ્ન છે વધુમાં એવી પણ માહિતી આવી રહી છે કે, કેટલાક સભ્યો ભાજપ અને કોંગ્રેસની સાથે હરરાજીની જેમ ભાવતાલ કરી રહતા છે


Related News

Loading...
Advertisement