અમરેલી જિલ્લામાં કિસાન સંઘનું કલેકટરને આવેદન

31 July 2020 11:52 AM
Amreli
  • અમરેલી જિલ્લામાં કિસાન સંઘનું કલેકટરને આવેદન

યુરીયા ખાતરની ફાળવણી સાથે ચણા ખરીદીની રકમ ચુકવવા માંગ

(મિલાપ રૂપારેલ) અમરેલી, તા. 31
અમરેલીના ભારતીય કિસાન સંઘે આજે કલેકટરને પત્ર પાઠવીને યુરિયા ખાતરની ફાળવણી કરવા અને ચણાની ખરીદીની રકમ તાકીદે ચૂકવવા માંગ કરેલ છે.
પત્રમાં જણાવેલ છે કે, હાલ અમરેલી જિલ્લામાં વરસાદ સારો થતાં ખેડૂતોને પોતાના વાવેલ પાકમાં યુરિયા ખાતરની તાતી જરૂર હોય ઘણા જ સમયથી અમરેલી જિલ્લામાં ખાતરની અછત ઉભી થયેલ હોય અન્ય જિલ્લામાં ખાતર છૂટથી મળતુ હોય તો અમરેલી જિલ્લામાં યુરિયા ખાતરની કૃત્રિમ અછત ઉભી થયેલી છે.

યુરિયા ખાતર વરસાદ પડે તુરત જ ખેડૂતોએ વાવેલ પાકને આપવું પડતું હોય છે. જો ખાતર વરસાદ પડે તુરત જ ન આપવામાં આવે તો વાવેલ પાકમાં નુકસાન થતું હોય છે. ખેડૂતો અત્યારે ખેતીનું કામકાજ છોડીને કલાકો સુધી દરેક તાલુકા મથકે લાઈનમાં ઉભા રહે છે. બીજા જિલ્લામાં ખાતર છૂટથી મળતું હોય તો અમરેલી જિલ્લામાં કેમ અછત છે તે સમજાતું નથી.

વધુમાં જણાવેલ છે કે, સરકારે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ચણાની ખરીદી કરેલ હોય જેમાં અમરેલી તાલુકા તેમજ ધારી, બગસરા,કુંકાવાવ, વડીયા, બાબરા વિગેરે તાલુકામાં ખેડૂતો પાસેથી નાફેડ દ્વારા ચણા ટેકાના ભાવે ખરીદેલ હોય જેના આધારે બે મહિના થયા છતાં હજુ આશરે 30% ખેડૂતોના ખાતામાં પેમેન્ટ આવેલ ન હોય હાલ ખેડૂતોને જંતુનાશક દવા, ખાતર વિગેરેની ખરીદી કરવા પૈસાની જરૂર હોય તો ખેડૂતોની અવારનવાર ખરીદનાર જે તે મંડળીના પ્રતિનિધિને રજૂઆત કરવા છતાં ઉપરના પ્રશ્ને કંઈ જ થયેલ ના હોય તો ટેકાના ભાવે ખરીદેલ ચણાનું પેમેન્ટ તાત્કાલિક ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે અને અવાર-નવાર ટેકાની થતી ખરીદી જેવી કે શીંગ, ચણા, તુવેર, કપાસ વિગેરેમાં પેમેન્ટ લેઈટ નાખવામાં આવતું હોવાથી ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડતી હોય તો હવે આવતા સમયમાં જો આવું જ થશે તો ખેડૂતોને ટેકાના ભાવે થતી ખરીદી ઉપરથી વિશ્વાસ રહેશે નહીં. ટેકાના ભાવમાં ખેડૂતો પોતાનો માલ વેચવામાં પણ સંકોચ અનુભવે છે. તેમ અંતમાં જણાવેલ છે.


Loading...
Advertisement