નામ મેં ક્યા રખા હૈ ? : શેરબજારમાં ભળતા નામવાળો શેર તરી ગયો

31 July 2020 11:12 AM
Business India
  • નામ મેં ક્યા રખા હૈ ? : શેરબજારમાં ભળતા નામવાળો શેર તરી ગયો

રસી બનાવી રહી છે અનલિસ્ટેડ ભારત બાયોટેક; પણ શેર 440% વધ્યો અજાણી ભારત ઇમ્યુનોલોજિકલ્સનો : બ્રોકરોનો પણ ખેલ હોવાની આશંકા

મુંબઈ,તા.31
પ્રખ્યાત લોકપ્રિય વ્યક્તિનાં હમશકલને પણ ફાયદો મળતો હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હમશકલના પણ ભાવ પૂછાવા લાગ્યાનો દાખલો તાજો છે. અગાઉ, સીને જગતમાં રાજેશ ખન્નાના એક હમશકલને પણ ફિલ્મ મળી હતી, પણ એ ચાલ્યો નહીં એ જુદી વાત છે. શેરબજારમાં પણ કાંઇક આવું બની રહ્યું છે. કોવિડ-19ના જમાનામાં એકસરખા નામવાળી કંપનીઓ પણ ભળતા-લગભગ સરખા નામના કારણે તરવા લાગી છે અથવા બજારના ખેલંદાઓ કમાવા લાગ્યા છે.

ભારત બાયોટેક નામની કંપની મહામારી માટે ભારતની પ્રથમ રસી શોધવા સ્પર્ધામાં છે, પણ બહુ ઓછી જાણીતી કંપની ભારત ઇમ્યુમોલોજીકલ્સ એન્ડ બાયોલોજિકલ્સ કોર્પોરેશનનાં શેરનો ભાવ પણ 1 એપ્રિલથી 440 ટકા વધી ગયો છે.

બ્રોકરોનાં જણાવ્યા મુજબ દલાલ સ્ટ્રીટમાં સ્ટોરી ચાલી રહી છે કે ઇમ્યુમોલોજિકલ્સ રસી બનાવી રહી છે. વોટ્સએપ ગ્રુપ પર ફરતા મેસેજમાં ભારત ઇમ્યુમોલોજિકલ્સના બીએઇ કોડ સાથે ભારત બાયોટેક ક્વોક્વિન નામની રસી બનાવી રહી છે.

વાસ્તવમાં આ બંને કંપનીઓ વચ્ચે કોઇ કડી નથી. હૈદ્રાબાદની ભારત બાયોટેક ખાનગી અનલિસ્ટેડ કંપની છે. 15 ઓગસ્ટ સુધીમાં રસી લાવવા તેણે દાવો કર્યો એ પછી તે મથાળામાં ચમકી રહી છે.

બીજી આ ભારત ઇમ્યુનોલોજિકલ્સ પોલિયો વેક્સિન અને અન્ય ઇમ્યુન બનાવે છે અને ઓરલ રીહાઈડ્રેશન સોલ્ટ, આયર્ન ફોસિક ટેબ્લેટ અને વેનિલા સુગંધની ઝીંક ટેબ્લેટ વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઈડલાઈન મુજબ બનાવે છે.

મુંબઈનો એક વ્યક્તિ દિયન બાલુ ભળતા નામે દોરવાઈ આ સ્ટોર ખરીદવા દોડી ગયો હતો. સચ્ચાઈ સમજાતા તે થોડો ઘણો નફો ગાંઠે બાંધી નીકળી ગયો હતો. એપ્રિલ 2019 અને એપ્રિલ 2020 વચ્ચે રુા. પાંચથી 6ના ભાવ વચ્ચે અથડાતો ભારત ઇમ્યુનોકોલોજિકલ્સનો શેર 1 એપ્રિલે રુા. 5.90ના ભાવેથી કૂદકો મારી ગુરુવારે 32 રુપિયા થયો હતો.

માર્ચમાં 25,000 શેરની સામે 1 એપ્રિલ પછી આ સ્ક્રિપ્ટમાં સરેરાશ 1.5 લાખ શેરના કામકાજ થાય છે. ભારત ઇમ્યુનોલોજીકલ્સએ 2018-19માં 6 કરોડની ખોટ સાથે 84 કરોડની આવક બતાવી હતી. 2019નાં ચારેય ક્વાર્ટરમાં તેમે ખોટ કરી હતી. 2019-20નાં માર્ચ ક્વાર્ટરના પરિણામો હજુ જાહેર થયા નથી.


Related News

Loading...
Advertisement