નવા માર્જીનથી શેરબજારમાં અંધાધુંધીનો ભય: BTST- ડે ટ્રેડીંગનો મૃત્યુઘંટ વાગશે

29 July 2020 01:04 PM
Business India
  • નવા માર્જીનથી શેરબજારમાં અંધાધુંધીનો ભય: BTST- ડે ટ્રેડીંગનો મૃત્યુઘંટ વાગશે

1લી ઓગષ્ટથી લાગુ પડતા નવા માર્જીન નિયમો મામલે સેબી-બ્રોકરો આમને-સામને થવાનો ભય: બ્રોકરો-ટ્રેડરો-ઈન્વેસ્ટરોમાં ગભરાટ-આશંકા: માર્જીન વિના ખરીદી નહીં શકય બને: વેચેલા શેરના નાણાં પણ સમાન દિવસે ઉપયોગમાં નહીં લઈ શકાય

મુંબઈ તા.29
એક શેર વેચીને તેના નાણામાંથી તુર્ત બીજા શેર ખરીદવા, બીટીએસટી (બાય ટુડે, સેલ ટુમોરો) ઈન્ટ્રા-ડે ટ્રેડીંગ સહિતના શેરબજારના પરંપરાગત વ્યવહારોનો મૃત્યુઘંટ વાગવાના ભણકારા સર્જાયા છે અને તેનું સૌથી મોટુ નુકશાન બ્રોકરો તથા રીટેઈલ ઈન્વેસ્ટરોને થશે.

શેરબજાર માટે 1લી ઓગષ્ટથી લાગુ થનારા સેબીના નવા માર્જીન નિયમો, મામલે શેરબ્રોકરો-ઈન્વેસ્ટરોમાં ભય-ગભરાટ તથા આશંકાનો માહોલ ઉભો થયો છે. સેબી તથા બ્રોકરો આમને-સામને આવી જાય તેમ છે. આ લાગુ કરવા માટે સોફટવેર અપડેટ કરવા પડે તેમ હોવાની દલીલ-રજુઆત બ્રોકરોએ કરી છે. આ બાબતને ગૌણ ગણવામાં આવે તો પણ ટુંકા-લાંબાગાળે વોલ્યુમને મોટો ફટકો લાગી શકે તેમ છે.

સેબીના નવા કાયદા હેઠળ કેશ માર્કેટમાં પણ શેરની ખરીદી કરતા પુર્વે ટ્રેડર કે ઈન્વેસ્ટરે માર્જીન ચૂકવવી પડશે એટલું જ નહીં તેના વેચાણ વખતે પણ માર્જીન જાળવવુ પડશે. પ્રવર્તમાન સીસ્ટમમાં ખરીદી અગાઉ કોઈ માર્જીનની આવશ્યકતા રહેતી નથી. પેઈન પુર્વે નાણાં આપી દેવાનું ફરજીયાત હતું. કદાચ કલાયન્ટ સમયસર નાણાં ન ચુકવી શકે તો બ્રોકર મદદે આવીને તેના નાણાં ચુકવી દેતા હતા. એસોસીએશન ઓફ નેશનલ સ્ટોક એકસચેંજ મેમ્બર્સે સેબીમાં આવી રજુઆત કરી છે કે પ્રવર્તમાન સિસ્યમમાં છેલ્લા 25 વર્ષમાં અત્યાર સુધીમાં કયારેય કોઈ ડિફોલ્ટની ઘટના બની નથી.

નવી સીસ્ટમ હેઠળ કોઈપણ ટ્રેડર કે ઈન્વેસ્ટર ખરીદી કરવા માંગે તો પ્રથમ 20-25 ટકા માર્જીન જમા કરાવવું પડશે અને ત્યારપછી જ સોદો કરી શકશે. માર્જીન વસુલી વિના સોદો થયાનું માલુમ પડે તો બ્રોકરને જવાબદાર ગણીને પેનલ્ટી ફટકારાશે. કદાચ બ્રોકર માર્જીનની જવાબદારી લેવા તૈયાર થાય તો પણ તેની છુટ્ટ નથી. આ સંજોગોમાં માર્જીનના પર્યાપ્ત નાણાં નહીં ધરાવતા ટ્રેડરો કે ઈન્વેસ્ટરો વેપાર નહીં કરી શકે. કેશ માર્કેટમાં સરેરાશ દૈનિક 30000 કરોડનું ટર્નઓવર થતું હોય છે તેમાં મોટો હિસ્સો ડે-ટ્રેડીંગનો હોય છે. અર્થાત ટ્રેડરો ખરીદી કરીને તેજ દિવસે વેચી નાખતા હોય છે. હવે ડે-ટ્રેડીંગ મુશ્કેલ બનશે. કારણ કે માર્જીનને કારણે ખરીદીમાં મર્યાદા આવશે. ઉપરાંત ખરીદ કરેલા શેર વેચે તો તે જ દિવસે તેના નાણાનો બીજી ખરીદીમાં ઉપયોગ નહીં કરી શકે.

સેબી દ્વારા ડીસેમ્બરથી માર્જીન નિયમ વધુ કડક બનાવવામાં આવનાર છે. ડીસેમ્બર પછી તો વધુ મોટા માર્જીનની જોગવાઈ રાખવી પડશે. સેબીના આ નિયમો સામે શેરબ્રોકરો મેદાને આવ્યા છે. માર્જીન કલેકશન માટે પાવર ઓફ એટર્નીને માન્ય ગણવા માંગ કરી છે. સૂચિત સિસ્યમમાં કલાયન્ટને પોતાના ખાતામાંથી જ માર્જીનના નાણાં ટ્રાન્સફર કરવાનું ફરજીયાત છે. આ સિવાય માર્જીન ઓછુ પડે તો પેનલ્ટીનો નિયમ પણ મંદ કરવાની માંગ કરી છે. કલાયન્ટના ખાતામાં પડેલા શેરને પણ માર્જીન માટે ભાજપ ગણવાની માંગ કરી છે. જો કે, સેબીએ બ્રોકરોની કોઈ માંગ સ્વીકારી નથી.

1લી ઓગષ્ટથી નવા માર્જીન નિયમો અમલી બનશે કે કેમ તે વિશે અટકળો છે છતાં અત્યારે તો તે લાગુ પડવાનું માનીને બ્રોકરો વ્યવસ્થા ગોઠવી રહ્યા છે. ડીસેમ્બરથી માર્જીન માત્રા વધવાની છે. આ સંજોગોમાં લીકવીડીટી સમસ્યા ઉભી થઈ શકે છે. માર્જીનમાં જ નાણાં અટવાયેલા રહેવાના સંજોગોમાં વોલ્યુમ પણ ઘટી જશે. આ પ્રકારના માર્જીન નિયમો લાદવા પાછળ સેબીનો બેવડો ઉદેશ છે. શેરબજારમાં અત્યારે ચાલતી સટ્ટાખોરી નિયંત્રીત કરવાનો ઈરાદો છે. બીજો વ્યુહ મોટી વધઘટ-અફડાતફડી રોકવાનો છે.

શેરબ્રોકરોનો મત એવો છે કે સેબીનું કદમ અમુક અંશે વાસ્તવિક છે. પરંતુ તેનાથી વોલ્યુમ, બ્રોકરોની આવકને મોટો ફટકો પડશે. ટ્રેડરો અત્યારની જેમ મોટા વેપાર નહીં કરી શકે. ઈન્વેસ્ટરોએ પણ વધારાના નાણાં રાખવા પડશે એટલે એકંદરે લીકવીડીટી ગાયબ થઈ જશે.


Related News

Loading...
Advertisement