રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામે છેલ્લા દસ વર્ષથી પ્રેકટીસ કરતો બોગસ તબીબ ઝડપાયો

28 July 2020 12:52 PM
Porbandar
  • રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામે છેલ્લા દસ વર્ષથી પ્રેકટીસ કરતો બોગસ તબીબ ઝડપાયો

રાણાવાવ તા.28
રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામે ડિગ્રી વગરનો અને ધો.10 સુધી અભ્યાસ કરનાર બોગસ તબીબને એસઓજીએ ઝડપી લીધો હતો. આ બોગસ તબીબ છેલ્લા 10 વર્ષથી પ્રેકટીસ કરતો હતો.
પોરબંદર એસઓજીના પીઆઇ કે.આઇ.જાડેજા તથા પીએસઆઇ એચ.સી.ગોહિલને રાણાવાવ નજીક ઠોયાણા ગામે ડિગ્રી વગર બોગસ ડોકટર મેડીકલ પ્રેકટીસ કરતો હોવાની ચોક્કસ બાતમીના આધારે રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામે દરોડો પાડયો હતો.

જેમાં રાણાકંડોરણાનો વિપુલ બટુકભાઇ સત્યદેવ નામના દવાખાને જઇને તેની પુછપરછ કરતા આ શખ્સ ધો.10 સુધી અભ્યાસ કરેલ હોય અને પોતાની પાસે કોઇપણ જાતના ડોકટરોની માન્ય યુનિવર્સિટીની લાયકાત કે ડિગ્રી ન હોવા છતાં બોગસ ડોકટર તરીકે ઇન્જેકશન વિગેરે દવા આપી મેડીકલ પ્રેકટીસ કરતો હોવાનું જણાવ્યું હતું.

આથી પોલીસે તેને ઝડપી લીધો હતો અને તેના દવાખાનેથી કેપ્સ્યુલ, ટેબ્લેટ તથા ઇન્જેકશનો અને મેડીકલ તપાસણીના સાધનો મળી કુલ રૂા.67,603 તથા રોકડ રૂા.8300 તથા મોબાઇલ રૂા.500 મળી કુલ રૂા.76,463નો મુદામાલ કબ્જે કર્યો હતો અને આ શખ્સ અનઅધિકૃત રીતે અન્ય વ્યકિતની શારીરીક સલામતી જોખમમાં મૂકાય એવી રીતે બેદરકારીથી મેડીકલ પ્રેકટીસ કરતા મળી આવેલ હોવાથી તેના સામે આઇપીસી કલમ 336 તથા ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટ 1963ની કલમ-30 મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે.

આ શખ્સ છેલ્લા 10 વર્ષથી ડોકટર તરીકેની પ્રેકટીસ કરતો હોવાની કબુલાત આપી છે. ડોકટરની જેમ વાતચીત કરવાની છટા ના કારણે અનેક ગ્રામજનો પણ તેને સાચો તબીબ માની ઇલાજ કરાવતા રહ્યા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.


Loading...
Advertisement