રાજયભરમાંથી સુરત સાથેનો એસ.ટી. બસ વ્યવહાર ફરી બંધ!

27 July 2020 04:35 PM
Surat Gujarat Rajkot
  • રાજયભરમાંથી સુરત સાથેનો એસ.ટી. બસ વ્યવહાર ફરી બંધ!

એસ.ટી.ની સાથોસાથ ખાનગી બસો પણ સુરત નહી દોડાવવાનો નિર્ણય

રાજકોટ તા.27
સુરતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણનાં પગલે ફરી એક વાર રાજયભરમાંથી સુરત જતી એસ.ટી. બસો આજથી દશ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. આ સાથો-સાથ રાજયભરમાંથી સુરત જતી ખાનગી બસો પણ આજથી જ બંધ કરી દેવાનો નિર્ણય કરાયો છે.

આ અંગેની એસ.ટી. નિગમનાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ સુરતમાં છેલ્લા કેટલાંક દિવસોથી કોરોનાનાં કેસો સતત વધવા લાગ્યા છે અને આ સંક્રમણ બેકાબુ બનવા લાગ્યુ છે. આથી સંક્રમણમાં ઘટાડો કરવા માટે એસ.ટી. નિગમનાં સતાવાળાઓએ આજથી 10 દિવસ માટે રાજયભરમાંથી સુરત માટે દોડાવાતી એસ.ટી. બસો બંધ કરી દીધી છે અને સુરતથી પણ સંચાલન સંપૂર્ણ બંધ કરી દેવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, ભુજ, જૂનાગઢ, અમદાવાદ, વડોદરા, નડીયાદ, મહેસાણા, પાલનપુર, ભરૂચ, વલસાડ અને ગોધરા એમ કુલ 15 ડીવીઝનમાંથી 500 જેટલી બસો સુરત માટે 1200 ટ્રીપો કરતી હતી. આ 1200 ટ્રીપો પૈકી 468 એકસપ્રેસ અને 732 લોકલ ટ્રીપો છે. આ તમામ સંચાલન આજથી બંધ કરી દેવાયું છે.

દરમ્યાન રાજકોટ એસ.ટી. વિભાગનાં વિભાગીય નિયામક યોગેશ પટેલનાં જણાવ્યા મુજબ રાજકોટથી સુરત માટે દૈનિક 10 બસો દોડાવાતી હતી. આ તમામ બસો આજથી દશ દિવસ માયે બંધ કરી દેવામાં આવી છે.

એસ.ટી.ની સાથોસાથ રાજયભરમાંથી સુરત માટે દોડાવાતી ખાનગી બસોને પણ હંગામી ધોરણે બંધ કરી દેવાઈ છે. અખીલ ભારતીય પ્રવાસી વાહન સંચાલક મહામંડળ- ગુજરાતનાં પ્રમુખ મેઘજીભાઈનાં જણાવ્યા મુજબ કોરોના સંક્રમણ સતત વધતા રાજયભર જુદા-જુદા શહેરોમાંથી સુરત માટે દોડાવાતી 400 જેટલી ખાનગી બસો પણ આજથી બે મુદતી સમય માટે બંધ કરી દેવાઈ છે.


Related News

Loading...
Advertisement