રાજકોટ : આજે સવારે માંડવી ચોક દેરાસરમાં થયેલ ચોરીનો ભેદ ઉકલાયો, ૮ વર્ષથી કામ કરતો પૂજારી જ ચોર નીકળ્યો

26 July 2020 05:46 PM
Rajkot Dharmik Saurashtra
  • રાજકોટ : આજે સવારે માંડવી ચોક દેરાસરમાં થયેલ ચોરીનો ભેદ ઉકલાયો, ૮ વર્ષથી કામ કરતો પૂજારી જ ચોર નીકળ્યો

પૈસાની જરૂર હોવાથી શ્રી માણીભદ્ર દાદાના ભંડાર માંથી રૂ.૪૬,૦૦૦ ની ચોરી કરી હતી : PPE કીટ નહિ, જેકેટ પહેરી ચોરી કરી હોવાનું કબૂલ્યું : જાણો સમગ્ર ઘટનાક્રમ અને કેવી રીતે પોલીસે પૂજારીને ઝડપ્યો ?

રાજકોટ : આજ સવારે રાજકોટના ૧૯૪ વર્ષ પ્રાચીન તીર્થ માંડવી ચોક દેરાસરમાં ચોરી થયા હોવાના સમાચાર મળ્યા. આ સાથે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને અમીનેશ રૂપાણી, જીતુભાઈ દેસાઈ સહિત જૈન સમાજના આગેવાનોએ જાણ કરતા તરત જ ક્રાઇમ બ્રાન્ચ PI વી.કે.ગઢવી, PSI એસ.વી. સાખરા સહિત પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
CCTV ફૂટેજ ની તપાસ થતા ગઈરાત્રિના ૧૧ વાગ્યાના આસપાસ થયેલ હોવાનું સામે આવ્યું. પ્રાથમિક તપાસમાં ચોરે પદમાવતી માતાજીની પ્રતિમા પાસે આવેલ નાની બારીમાં થી અંદર આવી શ્રી માણીભદ્ર દાદાના ભંડાર માંથી ચોરી કરી હતી.
ત્યારબાદ પોલીસે દેરાસરના તમામ CCTV ની તપાસ કરી, જ્યાં ચોરી થઈ તે જગ્યાના અંદર અને બહાર જવાના રસ્તાઓ ના કેમેરા ચકાસ્યા. છેલ્લા ત્રણ દિવસના કેમેરા ફૂટેજ જોયા, જેથી કોઈ અજાણ્યો કે શંકાસ્પદ શખ્સ રેકી કરવા દેરાસરમાં અગાઉ આવ્યું છે કે નહીં, તે ખબર પડે.
ત્યારબાદ દેરાસરના પરિસરમાં રહેતા પૂજારીઓ સહિત તમામ સ્ટાફ ની પુછપરછ કરી.
પુછપરછ દરમ્યાન મૂળ છોટા ઉદેપુર નો અને હાલ છેલ્લા ૮ વર્ષથી દેરાસરમાં કામ કરતો જયેશ પૂજારીએ ચોરી કરી હોવાનું કબૂલ્યું અને તમામ મત્તા પરત જ્યાં છુપાવ્યા હતા તે અગાશી પર પોલીસને લઈ ગયો. જયેશ પૂજારી પુછપરછ દરમ્યાન જ થોડો ભાંગી ગયો હતો અને કબૂલ્યું કે પૈસાની જરૂર હોવાથી ચોરી કરી. અને તેને થયું કે નાની ચોરી કરવાથી આ મામલો બહાર નહિ આવે.
જે બાજુથી ચોર અંદર આવ્યો ત્યાં અંદર આવવું મુશ્કેલ છે અને તેની બાજુમાં પણ અન્ય પૂજારી પરિવાર રહે છે. જયેશ પૂજારીએ ચાલાકી પૂર્વક અગાશીમાં થી કપડાં બદલી નીચે ઉતરી, ચોરી કરી, ફરી અગાશી ઉપર જઈ જૂના કપડા પેહરી લીધા.
હાલ, આરોપીને પોલીસ સ્ટેશન લઈ જવાયો છે અને ફરિયાદ દાખલ કરી છે.
માંડવી ચોક જિનાલય ના ટ્રસ્ટી જીતુભાઈ દેસાઈ સતત સવારથી દેરાસરે હાજર હતા.
ભેદ ઉકેલાતા તમામ ટ્રસ્ટીઓ સહિત જૈન સમાજના આગેવાનોએ રાહત ના શ્વાસ અનુભવ્યા અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, PI વી.કે.ગઢવી, PSI એસ.વી. સાખરા સહિતની ટીમનો આભાર વ્યક્ત કર્યો.


Related News

Loading...
Advertisement