બે સપ્તાહમાં કોરોના સંક્રમણ કાબુમાં આવી જશે: વિજય રૂપાણી

25 July 2020 11:11 AM
Ahmedabad Gujarat
  • બે સપ્તાહમાં કોરોના સંક્રમણ કાબુમાં આવી જશે: વિજય રૂપાણી

ગુજરાતમાં કોરોના સામેની નવી રણનીતિના સારા પરિણામ: લોકોમાં લક્ષણો ગંભીર બને ત્યારે જ હોસ્પિટલે જતા હોવાથી ધનવંતરી રથથી ફાયદો થયો: કોરોના કેસમાં ગુજરાત અગાઉ મહારાષ્ટ્ર પછી બીજા સ્થાને હતું, હવે છેલ્લા એક માસમાં અન્ય રાજયો કરતા સ્થિતિ ઘણી સારી હોવાનો મુખ્યમંત્રીનો દાવો

ગાંધીનગર તા.25
ગુજરાતમાં કોરોનાના વધતા કહેર વચ્ચે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એવો દાવો કર્યો છે કે આગામી બે સપ્તાહમાં સંક્રમણને નિયંત્રીત કરી લેવામાં આવશે. હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને ઘરમાં જ સારવાર કરવાની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટયો છે દરરોજ 1000થી વધુ કેસ નોંધાય રહ્યા છે. અમદાવાદ પછી સુરત, રાજકોટ, ભાવનગર જેવા શહેર-જલ્લાઓ કોરોના હોટસ્પોટ બની રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે રાજય સરકારે છેલ્લા દોઢ મહિનાથી નવી રણનીતિ અપનાવી છે. કોરોનાના લક્ષણો ગંભીર સ્તરે પહોંચતા સુધી દર્દીઓ-લોકો હોસ્પીટલ સુધી જતા ન હોવાનું માલુમ પડયા બાદ આ નવી રણનીતિ અપનાવવામાં આવી છે જે અંતર્ગત હળવા લક્ષણ ધરાવતા દર્દીને ઘેરબેઠા સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

રાજયમાં કોરોનાનો ચેપ કે લક્ષણ ધરાવતા દર્દીઓને ઓળખવા અથવા રોગપ્રતિકારક શક્તિ વધારતી દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે 1100 ધનવંતરી રથ ફેરવવામાં આવી રહ્યા છે. તબીબ, દવા, ઓકસીમીટર તથા ટેસ્ટીંગ સુવિધા સાથેની આ મોબાઈલ ડીસ્પેન્સરી એવા ધનવંતરી રથથી ઘણો ફાયદો થયો છે.

તેઓએ કહ્યું કે, માત્ર અમદાવાદમાં જ એક લાખ લોકોની ચકાસણી કરવામાં આવી છે. બે કલાકમાં સહાય ઉપલબ્ધ કરાવવાના ટારગેટ સાથે હેલ્પલાઈન પણ ઉભી કરવામાં આવી છે. તેમાં અગાઉ 900 ફોન આવતા તે હવે માંડ 200 આવે છે.

તેઓએ કહ્યું કે, સુરતમાં પણ આવતા 10-15 દિવસમાં પરિસ્થિતિ કાબુમાં આવી જશે. 29 જૂનથી હીરાનગરી એવા સુરતમાં નવા કેસોની સંખ્યામાં મોટો વધારો થયો છે. અમદાવાદ કરતા પણ કેસોની સંખ્યા વધવા લાગી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોના કેસમાં અગાઉ ગુજરાત મહારાષ્ટ્ર પછી બીજા સ્થાને હતું. પરંતુ છેલ્લા એક મહીનામાં અન્ય રાજયોની સરખામણીએ પરિસ્થિતિમાં સુધારો થયો છે. આ હકીકત સ્વીકારવી જ પડે.

આવતા મહીને મુખ્યમંત્રી તરીકે ચાર વર્ષ પુરા કરનાર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના સિવાયના મુદાઓ પર એમ કહ્યું કે નાના ઉદ્યોગોને ધબકતા કરવા માટે 1.75 લાખ એકમોને 9500 કરોડની લોન આપવામાં આવી છે. કોરોના લોકડાઉન વખતે વતનવાપસી કરનારા શ્રમિકો પાછા આવી રહ્યા છે.

ઉદ્યોગો ધબકવા લાગ્યા હોય તેમ ઔદ્યોગીક વિજવપરાશ 7500 મેગાવોટના લોકડાઉન અગાઉના સ્તરે આવી ગયો છે. રાજય સરકારે શ્રમ કાયદામાં પણ સુધારા કર્યા છે. જો કે, લઘુતમ વેતન, દુર્ઘટનાઓમાં વળતર જેવા મુદે કોઈ બાંધછોડ કરવામાં આવી નથી.


Related News

Loading...
Advertisement