દક્ષિણ ગુજરાતમાં સચરાચર, અન્યત્ર છુટો છવાયો વરસાદ

15 July 2020 11:22 AM
Rajkot Saurashtra
  • દક્ષિણ ગુજરાતમાં સચરાચર, અન્યત્ર છુટો છવાયો વરસાદ

સૌરાષ્ટ્ર-કચ્છમાં આવતીકાલથી સાર્વત્રિક મેઘ મહેરનો દૌર : ભારેથી અતિભારે વરસાદની આગાહી : જલાલપોર-4.5, સુરત 4.25, નવસારી-3, ચોર્યાસી-3, સૌરાષ્ટ્ર-કચ્છમાં છુટાછવાયા વરસાદનો દૌર યથાવત : ઝાપટાથી 2.5 ઇંચ સુધી હેત વરસ્યું

રાજકોટ તા.15
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં આવતીકાલથી સાર્વત્રિક મેઘમહેરના ભારેથી અતિ ભારે વરસાદના દૌર વચ્ચે આજે વહેલી સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ, મઘ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છુટોછવાયો જયારે દક્ષિણ ગુજરાતમાં સચરાચર સાડા ચાર ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. જો કે બાદમાં આજે વહેલી સવારથી જ મોટા ભાગે વિરામ વચ્ચે ધૂપછાંવનો માહોલ બન્યો હોઇ બપોરબાદ વરસાદની શકયતા જોવા મળે છે.

સવારે 7 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન સુરત-નવસારીમાં સાર્વત્રિક ઝાપટાથી સાડા બાર ઇંચ સુધી મેઘમહેર નોંધાઇ હતી. જયારે દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લામાં છુટાછવાયા ઝાપટાથી બે ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. તો સૌરાષ્ટ્ર-કચ્છમાં બોટાદમાં બે ઇંચને બાદ કરતા 36 તાલુકામાં ઝાપટાથી એક ઇંચ સુધી છુટો છવાયો વરસાદ નોંધાયો હતો.

દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી અઠવાડીયામાં તા.13 થી 23 જુલાઇ દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાઓમાં તથા કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં તથા ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારમાં સામાન્યત: હળવાથી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

રાજકોટ
રાજકોટ શહેર જિલ્લામાં છુટાછવાયાથી વરસાદના દૌરમાં શહેરમાં સતત બીજા દિવસે બપોરબાદ ગઇકાલે ભારે મેઘાવી માહોલ રહ્યા બાદ મેઘરાજાએ હાથ તાળી આપી હતી. પરંતુ જેતપુર, ધોરાજી, જસદણના વિંછીયામાં 0.5 થી એક ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. તો અન્યત્ર કેટલાક સ્થળે ઝાપટા વરસી ગયા હતા. તેમાં જ સવારથી જ ધુપછાંવ વચ્ચે અસહ્ય ગરમી અને બફારો હોવાથી રાત સુધીમાં વધુ વરસાદ થવાની શકયતા જોવા મળે છે.


Related News

Loading...
Advertisement