કોરોનાનો આતંક : રાજકોટ, મોરબી, ધોરાજી, ચુડા, ગોંડલના પાંચ દર્દીના મોત

15 July 2020 11:19 AM
Morbi Rajkot Saurashtra
  • કોરોનાનો આતંક : રાજકોટ, મોરબી, ધોરાજી, ચુડા, ગોંડલના પાંચ દર્દીના મોત

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રોજ વધતો મૃત્યુઆંક : ગોંડલ પંથકના દર્દીનો રિપોર્ટ બાકી...: સૌરાષ્ટ્રમાં દર્દીઓની સતત વધતી સંખ્યા : ભાવનગરમાં સૌથી વધુ 45 કેસ : નવા સાત કેસ સાથે મોરબીમાં પણ ચિંતા : લોકોની ઘોર બેદરકારી

રાજકોટ તા.15
સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાના કહેર વચ્ચે આરોગ્ય અગ્ર સચિવની મુલાકાત, જરૂરી સૂચનાઓ છતા સંક્રમણ વધતું રોકવામાં સરકારી તંત્રો સફળ થયાનું લાગતુ નથી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે વધુ પાંચ દર્દીના મૃત્યુ નિપજયાનું જાહેર થયું છે. જેમાં એક દર્દીનો રિપોર્ટ આવવાનો બાકી છે.

રાજકોટ, શહેરના એક ઉપરાંત મોરબી, ધોરાજી, ચુડાના દર્દીના મૃત્યુ થયા છે. તો ગોંડલ તાલુકાના એક દર્દીનું રિપોર્ટ આવતા પૂર્વે જ મોત થયું છે. ગઇકાલે સૌરાષ્ટ્રમાં વધુ 159 કેસ નોંધાયા હતા. ભાવનગરમાં 45, જૂનાગઢમાં 2પ કેસ અને ત્રણ મોત, રાજકોટમાં 20, મોરબીમાં સાત, ગીર સોમનાથમાં 12, જામનગર જિલ્લામાં 20 દર્દી નોંધાયા હતા.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ગત રાતથી આજે સવાર સુધીમાં કોરોનાના વધુ ચાર દર્દીના મૃત્યુ નિપજયાનું જાહેર થયું છે. રાજકોટના મોરબી રોડ પર આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતા નીતિનભાઇ જયંતીભાઇ સવસાણીનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. આ ઉપરાંત મોરબીના મેમુનાબેન મામદભાઇ મકવાણા (ઉ.વ.63), ધોરાજીના પરસોત્તમભાઇ ભોવાનભાઇ (ઉ.વ.70) અને સુરેન્દ્રનગરના ચુડા ગામના વર્ષાબેન પ્રવિણભાઇ શેઠ (ઉ.વ.69)ના પણ કોરોના વોર્ડમાં મૃત્યુ નિપજયા છે. જયારે ગોંડલ તાલુકાના મેસપર ગામના ભીખુભા પ્રભાતસિંહ જાડેજા (ઉ.વ.80)નું રિપોર્ટ આવે તે પૂર્વે જ મૃત્યુ થયું છે.

મોરબી જિલ્લો
મોરબી શહેર અને જીલ્લામાં આંગળીના ટેરવે ગણી શકાય તેટલા કોરોના પોઝિટિવ કેસ હતા ત્યારે લોકો જેટલી સલામતી અને કાળજી રાખતા હતા તે હાલમાં રાખતા નથી જેના કારણે દિવસેને દિવસે શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે ગઈકાલે મોરબીમાં વધુ નવા સાત કેસ આવ્યા છે જેથી તારીખે શહેર અને તાલુકામાં કુલ મળીને 106 તથા કેસ છે અને જીલ્લામાં અંદર 136 કેસ નોંધાયેલા છે.

મોરબી જિલ્લામાં પણ જો સૌથી વધુ ચિંતાની વાત હોય તો આ 136 કેસમાંથી 106 કેસ માત્રને માત્ર મોરબી શહેર અને તાલુકા વિસ્તારના છે જે ખરેખર મોરબીવાસીઓ માટે ચિંતાનો વિષય છે પરંતુ હજી લોકો કોરોનાને ગંભીરતાથી લેતા નથી જેનું આગામી સમયમાં ગંભીર પરિણામ આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

ગઈકાલ સાંજ સુધીમાં મોરબી જિલ્લામાં વધુ સાત કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા જેમાં શહેરના બાયપાસ રોડ પર આવેલ આનંદનગર સોસાયટીમાં 50 વર્ષના પુરુષ, વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેતા 54 વર્ષના આધેડ મહિલા, નવલખી રોડ ઉપર બોખાની વાડીમાં રહેતા 30 વર્ષના પુરુષ, ચંદ્રેશનગરમાં 57 વર્ષના આધેડ, ત્રાજપર ચોકડી પાસે 55 વર્ષના આધેડ, વજેપર વિસ્તારમાં રહેતા 30 વર્ષના યુવાન અને મોરબી તાલુકા પોલીસ લાઈનમાં રહેતા ડ્રાઈવરના 32 વર્ષની ઉમરના પત્નીને કોરોના પોઝિટિવ આવ્યો છે જેથી આરોગ્ય વિભાગ દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે સાથોસાથ જે તે વિસ્તારની અંદર સેનેટાઈઝરનો છટકાવ અને ક્નટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવા માટેની પણ કામગીરી આરોગ્ય વિભાગે હાથ ધરી હતી.

જૂનાગઢ
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન 25 પોઝીટીવ કેસ સાથે 3 દર્દીના મોત નોંધાયા છે. ગઇકાલ સાંજ સુધીમાં જૂનાગઢ શહેરી વિસ્તારના 11 અને તાલુકાઓના 14 પોઝીટીવ કેસ નોંધાયા હતા. સાથે સિવિલ કોવિડ હોસ્પિટલમાં 3 દર્દીના મોત થયા હતા. જિલ્લામાં કુલ આંક 370 પર પહોંચ્યો છે. હાલ 153 દર્દીઓ સારવારમાં છે. કુલ મૃત્યુ આંક 10 થયો છે.

ગોંડલનો આંકડો 43
ગોંડલ શહેર પંથકમાં દિવસેને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે અત્રેના દેવપરા ખાતે રહેતાં અશરફભાઈ ગફારભાઈ સમાજા, તાલુકાના મોટા દડવા ગામે રહેતા ભાવેશભાઈ પરસોત્તમભાઈ જોધાણી તેમજ સબજેલમાં કમલેશ ડાંગર નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા કુલ આંક 43 થયો હતો જેમાં થી એક નું મોત નીપજ્યું છે જ્યારે 25 દર્દીઓની રિકવરી થવા પામી છે અને 17 દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાનું આરોગ્ય વિભાગ ના ઓફિસર ગોયેલ દ્વારા જણાવામાં આવ્યું હતું.

હડીયાણા
જોડીયા તાલુકાના હડિયાણા ગામે એક કોરોના પોઝીટીવ કેસ નોંધાતા હડીયાણામાં ભયનો માહોલ ન સર્જાય તે હેતુથી ગામના વેપારી મંડળ દ્વારા તરત જ નક્કી કરીને આશરે બાર વેપારીઓની આરોગ્ય તપાસ જોડીયા સરકારી હોસ્પિટલમાં કરાવવામાં આવી હતી. સરકારી હોસ્પિટલના મેડીકલ ઓફિસે તમામ વેપારીઓનું હેલ્થ ચેકઅપ કરેલ છે.

માણાવદર
માણાવદર તાલુકામાં હજી બે દિ’ પહેલા ચુડવા ગામે વૃઘ્ધાને કોરોના પોઝીટીવ આવતા તેની સારવાર હેઠળ છે. ત્યારે ગઇકાલે માણાવદર શહેરમાં ચાર દિવસ પહેલા અમદાવાદથી આવેલા અને જલારામ મંદિર પાછળ વિસ્તારમાં રહેતા દેવાંગ રાયકુંડલીયા (ઉ.વ.40) તથા પીપલાણા ગામે સુરતથી આવેલા શાંતીલાલ નાનજીભાઇ ચોટલીયાનો કોરોના રિપોર્ટ જાહેર થતાં જેથી કુલ 9 કેસ થયા છે. માણાવદરના પોઝીટીવ કેસના પરિવાર 8 સભ્યો હોમ કવોરેન્ટાઇન છે. બીજીબાજુ એવી ચર્ચા છે કે બહાર ગામથી આવતા નાગરિકોમાં કોરોના જાહેર થયા છે. જેથી હાઇવે રોડ ઉપર તાકીદે ટેસ્ટ કરીને જ આવવા દે તેવી માંગ છે.


Related News

Loading...
Advertisement