અમદાવાદમાં કોર્પોરેશન પકડે તો 500 રૂપિયા દંડ; પોલીસની ઝપટે ચડો તો 200 રૂપિયા

15 July 2020 10:57 AM
Ahmedabad Gujarat
  • અમદાવાદમાં કોર્પોરેશન પકડે તો 500 રૂપિયા દંડ; પોલીસની ઝપટે ચડો તો 200 રૂપિયા

અમદાવાદમાં માસ્ક ન પહેરવા બદલ દંડની રકમના બેવડા ધોરણ: ગૃહ વિભાગ તરફથી નવું જાહેરનામુ ન મળતાં પોલીસ દ્વારા જૂના દંડની રકમ યથાવત

અમદાવાદ તા.15
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સોમવારે જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ દંડની રકમ 200 રૂપિયાથી 500 રૂપિયા કરી નાંખી છે. જેમાં મંગળવારે સિવિક બોડીએ માસ્ક ન પહેરનાર પાસેથી નવા નિયમ મુજબ 500 રૂપિયાનો દંડ ફટકારવાનું શરૂ કર્યુ હતું. જયારે પોલીસ દ્વારા 200 રૂપિયાનો જ દંડ ઉઘરાવવાનું ચાલુ રહ્યું હતું. પોલીસ અધિકારીઓને નવા નિયમનાં અમલને લઈને કોઈ લેખિત સૂચના મળી ન હોવાથી તેમના દ્વારા હજુ જૂના નિયમ મુજબ જ દંડની રકમ વસુલવામાં આવી રહી હતી.

નવા દંડના પ્રથમ દિવસે એટલે કે મંગળવારે એએમસીએ 323 લોકોને માસ્ક ન પહેરવા બદલ કુલ 1,61,500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જયારે ડીસીપી ક્નટ્રોલના વિજય પટેલના જણાવ્યા મુજબ, ‘પોલીસ વિભાગ હજુ પર માસ્ક ન પહેરવા બદલ 200 રૂપિયાનો દંડ વસુલી રહ્યા છે. 500 રૂપિયાના દંડનો નવો નિયમ એએમસી દ્વારા લાગુ કરવામાં આવેલ છે તો 200 રૂપિયાનો દંડ કરવાનું જાહેરનામુ પોલીસ વિભાગને ગૃહ વિભાગ દ્વાર આપવામાં આવ્યું છે.

માસ્કની સાથે એએમસીએ જાહેરમાં છુંકવા બદલ દંડની રકમ 200 રૂપિયાથી વધારીને 500 રૂપિયા કરવામાં આવી છે તો પાનની દુકાનનાં ગ્રાહકો જાહેરમાં થુંકતા નજરે ચડે તો તે પાનના માલિક પાસેથી 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવાની જાહેરાત કરવામાં આવી છે.

મંગળવારે સિવિક બોડીએ પાનની દુકાનના માલિક પાસેથી 94,900 રૂપિયાનો દંડ વસુલ્યો છે જયારે 131 પાનની દુકાનો સીલ કરી હતી. જેમાંથી 38 દુકાનો પુર્વ ઝોનમાં, દક્ષિણ ઝોનમાં 22, સેન્ટ્રલ ઝોનમાં 20 ઉતર ઝોનમાં 15, ઉતર-પશ્ચિમ ઝોનમાં 14, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 11 અને પશ્ચિમ ઝોનમાં 10 દુકાનો સીલ કરવામાં આવી હતી.


Related News

Loading...
Advertisement