અમરેલી : કોરોનાનું સંક્રમણ રોકવા આવતીકાલથી સુરત, અમદાવાદ, મુંબઈથી આવતા લોકોનું સ્ક્રીનીંગ થશે, ચેક પોસ્ટ શરૂ

15 July 2020 12:48 AM
Amreli Saurashtra
  • અમરેલી : કોરોનાનું સંક્રમણ રોકવા આવતીકાલથી સુરત, અમદાવાદ, મુંબઈથી આવતા લોકોનું સ્ક્રીનીંગ થશે, ચેક પોસ્ટ શરૂ

લોકડાઉન બાદ બંધ થયેલી અમરેલીની ચાવંડ ચેક-પોસ્ટ ફરી શરૂ થશે : આવતીકાલથી જિલ્લામાં સુરત, અમદાવાદ અને મુંબઈથી આવતા લોકોનું મેડિકલ સ્ક્રીનીંગ થશે, સ્થળ પર જ રેપીડ ટેસ્ટની વ્યવસ્થા રખાઈ છે : જિલ્લા કલેકટર આયુષ ઓક

અમરેલી:
અમરેલીમાં કોરોનાની વકરતી સ્થિતિની અસર દેખાઈ છે. વધતા કેસને લઇને લોકડાઉન બાદ બંધ થયેલી અમરેલીની ચાવંડ ચેક-પોસ્ટ ફરી શરૂ કરવા કલેકટરે નિર્ણય કર્યો છે. આવતીકાલથી જિલ્લામાં પ્રવેશતા અમદાવાદ, સુરત અને મુંબઈથી તમામ લોકોનું મેડિકલ સ્ક્રીનીંગ થશે અને સ્થળ પર જ રેપીડ ટેસ્ટ પણ થઈ શકે તેવી વ્યવસ્થા રખાઈ છે.

એક સમયે રાજ્યના અન્ય જિલ્લામાં કોરોના હાહાકાર મચાવતો હતો ત્યારે અમરેલી કોરોના મુક્ત જિલ્લો હતો. જોકે લોકડાઉન બાદ અનલોક થતા જ અહીં તેજ ગતિથી કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે. જેમાં અન્ય જિલ્લામાંથી આવતા લોકોના કેસ મોટા પ્રમાણમાં છે. લોકડાઉનમાં અમરેલી કોરોનામુક્ત રહ્યું તેની પાછળનું મૂળ કારણ તંત્રની સજાગતા હતી. પોલીસનો એટલો ચુસ્ત બંદોબસ્ત હતો કે, મંજૂરી વગર અન્ય જિલ્લામાંથી અમરેલીમાં કોઈ પ્રવેશ કરી શકે નહીં. ચોતરફ પહેરો રખાયો હતો. પરંતુ અનલોક બાદ ચેકપોસ્ટ પર ચેકીંગ-સ્ક્રીનીંગ બંધ કરાયુ હતું. હવે કોરોના અનેક કેસ આવતા સંક્રમણને કન્ટ્રોલમાં રાખવા લાઠીના ચાવંડ ખાતેની બંધ ચેક-પોસ્ટ ફરી શરૂ થશે.

અમરેલી જિલ્લા કલેકટર આયુષ ઓકે જણાવ્યાં અનુસાર છેલ્લા અઠવાડિયામાં જે કેસો આવ્યા છે તે અમદાવાદ, સુરત અને મુંબઈથી પ્રવાસ કરીને આવેલા છે. એટલા માટે તેનું સંક્રમણ લોકલ લેવલેનો ફેલાય તે માટે લોકડાઉન બાદ ફરી એક વાર ચાવંડ ચેકપોસ્ટ શરૂ કરવામાં આવશે. જેને કારણે બહારથી આવતા લોકોનું આરોગ્યની ટિમો દ્વારા ત્યાંજ મેડિકલ સ્ક્રીનીંગ કરવામાં આવશે અને વધુ જણાશે તો ત્યાં જ રેપીડ ટેસ્ટ કરવામાં આવશે. જેથી બે ફાયદા થશે, બહારથી આવતા લોકોને ખબરનો હોય કે તે સંક્રમિત છે તેવા લોકોને આપણે વહેલી તકે સારવાર આપી શકાય અને તેનું સંક્રમણ લોકલ પબ્લીકમાં ફેલાતું અટકાવી શકાય.

કલેકટર ઓકે વધુમાં જણાવ્યું હતું કે, 65 વર્ષથી વધુ ઊંમરના લોકો પર વધુ ધ્યાન આપવામાં આવશે. કારણકે 65 વર્ષથી વધુ ઊંમરના વ્યક્તિને કોરોના વાઇરસ ખુબ જ અસર કરી શકે છે. એટલા માટે મેડિકલ સ્ક્રીનીંગ કરવામાં આવશે અને વધુ જણાશે તો ત્યાં જ રેપીડ ટેસ્ટ કરવામાં આવશે. ત્યાર બાદમાં તેને જિલ્લામાં એન્ટ્રી આપવામાં આવશે અથવા સારવાર અર્થે ખસેડવામાં આવશે.
હાલ અમરેલી જિલ્લામાં કુલ કેસની સંખ્યા ૧૮૩ છે અને ૧૪ લોકોના કોરોના થી દુઃખદ અવસાન થયેલ છે.


Related News

Loading...
Advertisement