હવે ગુજરાતમાં ખર્ચ કાપ: અનેક યોજના- નવી ભરતી પડતી મુકાશે

14 July 2020 05:09 PM
Ahmedabad Gujarat Rajkot
  • હવે ગુજરાતમાં ખર્ચ કાપ: અનેક યોજના- નવી ભરતી પડતી મુકાશે

કોરોના સામેનો જંગ લડતા લડતા રાજયની તિજોરી ખાલી થઈ ગઈ: બિનતાકીદની યોજનાઓ હાલ સ્થગીત કરાશે: બજેટમાં જાહેર થયેલી નવી આશ્રમ શાળા સહિતના આયોજનો પર બ્રેક: સરકારની ભરતી પ્રક્રિયામાં પણ ગણી-ગણીને ‘માથા’ લેવાશે

ગાંધીનગર તા.14
રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા યોજનાકીય ખર્ચમાં 25 ટકા સુધીનો કાપ મૂકવાની ગંભીર વિચારણા હાથ ધરવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ રાજ્ય સરકારના નાણા વિભાગે આ માટે તમામ વિભાગો પાસેથી કઈ કઈ યોજના હાલ પડતી મૂકી શકાય તેમ છે ? તે અંગેનો નિર્ણય કરી નાણાં વિભાગને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે. જોકે વિભાગે આ અંગે પરિપત્ર ન કરતા માત્ર મૌખિક સૂચના આપીને આ વિગતો માંગી હોવા જાણવા મળ્યું છે.

નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા યોજનાકીય ખર્ચમાં 25 ટકા સુધીનો કાપ મૂકવાના નિર્ણયના કારણે હવે જુદાજુદા વિભાગો દ્વારા કવાયત હાથ ધરાઇ છે.જેમાં અંદાજે 1000 કરોડથી વધુનો ખર્ચ ધરાવતી વિવિધ યોજનાઓ હાલ પૂરતી પડતી મૂકવાની દિશામાં સરકાર દ્વારા ગંભીર વિચારણા હાથ ધરી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે .તો બીજી તરફ આવતી કાલે મળી રહેલી કેબિનેટ બેઠકમાં પણ આ અંગેની ચર્ચા કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ પણ સેવાઇ રહી છે.

રાજ્ય સરકાર દ્વારા જે યોજનાઓ પડતી મૂકવામાં આવી શકે છે તેમાં ખાસ કરીને ગુજરાતની વિવિધ નદીઓને જોડતી વોટર ગ્રીડ યોજનાઓ , ઉપરાંત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા વિવિધ વિસ્તારો માટે આંતરમાળખાકીય કામો હાથ ધરવાના છે.તેવી યોજના ઉપર સરકાર કાપ મૂકી શકે તેમ છે. સાથે સાથે નવી શાળાઓની મંજૂરી નહીં આપવામાં આવે તેમજ નવી આશ્રમ શાળાઓની મંજૂરી પણ નહીં આપી ને સરકાર હાલ પૂરતું ખર્ચ ઉપર નો કાપ મુકવાની દિશામાં સરકાર વિચારાધીન છે.

ઉપરાંત આવાસ યોજનાના કામો પણ ધીમા કરવાનો આડકતરો સંકેત આપવામાં આવ્યો હોવાનું મનાય રહ્યું છે.સાથે સાથે બિન યોજનાકીય ખર્ચમાં પણ કાપ મૂકવા માટે સરકાર દ્વારા વિચારણા હાથ ધરાઈ રહી છે. અને એટલે જ રાજ્યના નાણા વિભાગ દ્વારા આ અંગેનો વિગતવાર અહેવાલ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે અઢિયા સમિતિએ પણ અગાઉ તેમના રિપોર્ટમાં સરકારને ખર્ચ કાપ અંગેની ભલામણો કરી હતી. જેમાં નવી જગ્યાઓ હાલ નહી ભરવા ઉપરાંત અલગ અલગ કેડરોને રી સિડ્યુલ કરી કર્મચારીઓના કાર્યબોજ ની સમીક્ષા કરવા સૂચન કર્યું હતું. સાથે સાથે સરકારમાં બને તેટલી જગ્યા ઉપર કાપ મૂકવાનું પણ સૂચન કર્યું હતું. ઉપરાંત હાલ રાજ્ય સરકારમાં 20 ટકા જેટલો કાપ ભરતીપ્રક્રિયામાં લાગુ કરાયોછે. ત્યારે તેમાં વધારો થવાની શક્યતાઓ પણ જણાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોવિડ 19ના કારણે રાજ્ય સરકારની આવકમાં ઘટાડો થતાં વિજયભાઈ રૂપાણીએ ખર્ચ ઉપર કાપ મૂકવાનો મહત્વનો નિર્ણય કર્યો હતો. એટલું જ નહીં સમગ્ર વિશ્વમાં કોરોના કહેર ચાલી રહ્યો છે જેના કારણે આવેલા તબક્કાવાર લોકડાઉનથી ગુજરાત સરકારને પણ નોંધપાત્ર આવકોમાં ઘટાડો થયો હતો .જેમાં વિવિધ કરવેરા અને મહેસૂલી આવકમાં બમ્પર ઘટાડો નોંધાયો છે .

ત્યારે રાજ્ય સરકારે તમામ સરકારી વિભાગો અને કચેરીઓમાં વીજબિલ થી માંડીને અન્ય વધારાના ખર્ચ નહીં કરવા તેમ જ કરકસર કરવા માટે પરિપત્ર કરી સુચનાઓ પણ આપવામાં આવી હતી. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ વિભાગોની મોટી ખર્ચાળ યોજનાઓ ઉપર કાપ મૂકવાની દિશામાં વિચારણા ચાલી રહી છે. ત્યારે આગામી સમયમાં રાજ્ય સરકાર મહત્વાકાંક્ષી એવી કઈ-કઈ યોજનાઓ પર કાપ મુકશે તે જોવું રહ્યું.


Related News

Loading...
Advertisement