કચ્છમાં મોબ લિન્ચીંગ : ટ્રકોમાંથી ચોરી કરતા શખ્સને ટોળાએ પતાવી દીધો

14 July 2020 11:52 AM
kutch
  • કચ્છમાં મોબ લિન્ચીંગ : ટ્રકોમાંથી ચોરી કરતા શખ્સને ટોળાએ પતાવી દીધો

હાઇ-વે પર પાર્ક કરેલી ટ્રકમાંથી માલ-સામાનની ચોરી કરતા શખ્સને હોટલના કર્મચારીઓએ પકડી ઢોર માર મારતા મોત : ટોળા સામે થઇ ફરિયાદ

ભૂજ તા.14
ભચાઉ તાલુકાના લાકડીયા નજીક હાઈવે હોટેલ પર પાર્ક થયેલી ટ્રકોમાં ચોરી-લૂંટના ઈરાદે આવેલાં સાંતલપુરના 30 વર્ષિય યુવકને હોટેલ કર્મીઓ અને ડ્રાઈવરોએ રસ્સી વડે બાંધી ઢોર માર મારતાં ગંભીર ઈજાઓથી યુવકનું મોત નીપજ્યું છે.

યુવકને માર મારી હોટેલવાળા તેને સ્થાનિક પોલીસ મથકે સુપ્રત કરી ગયાના બે-અઢી કલાક બાદ તેની તબિયત લથડતાં સરકારી હોસ્પિટલે લઈ જવાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું

બનાવ અંગે લાકડીયા પોલીસે હોટેલ સંચાલક- કર્મચારીઓ મળી સાત લોકો સામે નામજોગ અને ટોળા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. સામા પક્ષે હોટેલના રસોઈયાએ મૃતક સામે ચોરી-લૂંટનો પ્રયાસ કરી તેને પકડવા જતાં છરી અને પથ્થરો વડે તેમજ બચકું ભરી ઈજા પહોંચાડવાની ફરિયાદ નોંધાવી છે. આરોપીનું પોલીસ કસ્ટડીમાં મોત નીપજ્યું હોઈ મરનારના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલી આપવ્યો છે.

સામખિયાળી-રાધનપુર ધોરીમાર્ગ પર લાકડીયા નજીક આવેલી હોટેલ હનુમાન રાજસ્થાન ખાતે મધરાત્રે બે-અઢીના અરસામાં આ બનાવ બન્યો હતો. હોટેલમાં રસોઈ બનાવતો 28 વર્ષિય ગોકલારામ તુલસારામ જાટ સૂવાની તૈયારી કરતો હતો ત્યારે હોટેલના ટ્રક પાર્કિંગમાં અંધારામાં એક માણસે તેને જોઈ નાસવાનો પ્રયાસ કર્યો હતો. ગોકલારામે ચોર.. ચોર..ની બુમો પાડી પીછો કરી તેને ગળચીથી ઝડપીને જોરથી દબાવી વાંકો વાળી દીધો હતો. તુલસારામના સકંજામાં રહેલાં યુવકે સકંજામાંથી છૂટવા માટે છરી કાઢી તુલસારામના જમણા પગના પંજા પર વાર કર્યો હતો.

એટલું જ નહીં, તેના ડાબા પડખા પર જોરથી બચકું ભરીને તીક્ષ્ણ વસ્તુ વડે ઉઝરડા પાડ્યાં હતા. હુમલો કરીને અજાણ્યો યુવક તુલસારામની પકડમાંથી નાસી છૂટ્યો હતો. જો કે, ઝપાઝપી અને બુમાબુમના પગલે પાર્ક થયેલી ટ્રકોના ડ્રાઈવર-ક્લિનરો તેમજ બાજુમાં આવેલી હોટેલ રંગોલીનો સ્ટાફ વગેરે મળી વીસેક જણનું ટોળું સ્થળ પર દોડી આવ્યું હતું. ટોળાથી બચવા અજાણ્યા યુવકે ગિલોલ વડે છૂટાં પથરાં મારવાનું શરૂ કરી દીધું હતું.

જો કે, બધાએ એકઠાં થઈ તેને ફરી દબોચી લીધો હતો. પકડાયેલો યુવક ભારે ધમપછાડા કરતો હોઈ ટોળાએ તેના હાથ-પગ રસ્સી વડે બાંધી દઈ તેને ઢોર માર માર્યો હતો. અધમૂવો કર્યા બાદ કરીમભાઈ નામનો સ્થાનિક શખ્સ તેને અને ઘાયલ ગોકલારામને કારમાં બેસાડી લાકડીયા પોલીસ મથકે લઈ ગયો હતો. આરોપીને પોલીસ મથકે સુપ્રત કરી દેવાયા બાદ ઘાયલ ગોકલારામને સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાયો હતો જ્યાં તેને પગમાં છથી સાત ટાંકા આવ્યાં હતા.

પોલીસ મથકે લઈ જવાયેલાં 30 વર્ષની વયના યુવકે પોતાનું નામ જમાલ જુસબ તારમામદ ભટ્ટી હોવાનું અને તે પાટણના સાંતલપુર તાલુકાના રાણીસર ગામનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. બે-અઢી કલાક બાદ જમાલની તબિયત લથડતાં પોલીસ તેને સરકારી હોસ્પિટલે લઈ ગઈ હતી. જો કે, ઢોર મારના લીધે થયેલી ગંભીર ઈજાઓથી જમાલે હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.

જમાલનું મોત નીપજતાં તેના પિતા તારમામદ ભટ્ટીએ લાકડીયા પોલીસ મથકે ગોકલારામ, સોનારામ જાટ, ચોકીદાર કેવલારામ, હનુમાનરામ, કરીમભાઈ લાકડીયાવાલા, હનુભા હેતુભા જાડેજા, ભાગિરથ તેમજ અજાણ્યા માણસોના ટોળા સામે આઈપીસી 302, 143, 147, 149 હેઠળ ફરિયાદ નોંધાવી છે. પૂર્વ કચ્છ પોલીસ વડા પરીક્ષિતા રાઠોડે જણાવ્યું કે, જમાલનું મોત પોલીસ કસ્ટડીમાં નીપજ્યું હોઈ બનાવને ‘કસ્ટોડિયલ ડેથ’ ગણી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ ઈન્ક્વેસ્ટ ભરી તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ જામનગરમાં તબીબોની પેનલ પાસે કરાવાશે. બનાવની તપાસ નાયબ પોલીસ અધિક્ષક કરશે.


Loading...
Advertisement