તા.20 જુલાઈ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ

13 July 2020 03:23 PM
Rajkot Saurashtra
  • તા.20 જુલાઈ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ

ચોમાસુ ધરી ફરી નોર્મલ થવા લાગતા તથા નવા સરકયુલેશનના પ્રભાવ હેઠળ: જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: રાજયના 80 ટકા ભાગોમાં 75 મી.મી સુધી-અમુક વિસ્તારોમાં 100 મીમીથી વધુ વરસાદ: 20 ટકા ભાગોમાં હળવો-મધ્યમ

રાજકોટ તા.13
હિમાલયની તળેટીમાં સરકી ગયેલી ચોમાસુ ધરી પરત આવવાને પગલે તથા અન્ય સિસ્ટમમાં પ્રભાવ હેઠળ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સાર્વત્રીક વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે. તા.13 થી 20 જુલાઈ દરમ્યાન હળવા વરસાદથી માંડીને ચાર ઈંચથી પણ વધુ વરસાદની શકયતા છે.

તેઓએ આજે વાતચીતમાં જણાવ્યુ હતું કે ચોમાસુ ધરીનો પશ્ર્ચિમ છેડે ઉતર ભારત તથા પૂર્વ છેડો હિમાલયન તળીયામાં સરકી ગયો હતો.હવે પશ્ચિમ છેડો અમૃતસર (પંજાબ) તરફ છે અને પૂર્વ છેડો પણ ઉતરપૂર્વીય બંગાળની ખાડી તરફ આવ્યો છે. ચોમાસુ ધરી અમૃતસરથી ચંદીગઢ, બરેલીથી પશ્ચિમ બંગાળ, ઉતર પૂર્વીય બંગાળની ખાડી તરફ લંબાય છે. આવતા દિવસોમાં પૂર્વ છેડો પણ નોર્મલ સ્તરે આવી જવાની શકયતા છે.

આ સિવાય મધ્ય અરબી સમુદ્રથી કચ્છ અને તેને લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્ર સુધી 3.1 કિલોમીટરનાં લેવલે અપરએર સાયકલોનીક સરકયૂલેશન છે તે આવતા બે દિવસમાં પૂર્વ અરબી સમુદ્ર તરફ આવશે. આ ઉપરાંત બીજુ એક અપર એર સાયકલોનિક સરકયુલેશન ઓરીસ્સા-આંધ્રપ્રદેશ તથા તે રીતે લાગુ વિદર્ભમાં સક્રિય થવાની સંભાવના છે.

આ બન્ને સિસ્ટમ 16 મી સુધીમાં બહોળા સરકયુલેશનમાં પરિવર્તીત થવાની શકયતા છે અને પૂર્વ અરબી સમુદ્રથી મહારાષ્ટ્ર, છતીસગઢ તથા મધ્યપ્રદેશ બોર્ડર અને તેને લાગુ વિસ્તારોમાં છવાવાની શકયતા છે આ સીસ્ટમ પણ 3.1 કી.મી.ના સ્તરે હશે.

13 થી 20 જુલાઈની આગાહી કરતાં તેઓએ કહ્યુ હતું કે સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતનાં 80 ટકા વિસ્તારોમાં 35 થી 75 મીમી સુધી વરસાદ થશે.અમુક સેન્ટરોમાં 100 મી.મી.થી વધુ પણ વરસાદ થઈ શકે છે. બાકીના 20 ટકા વિસ્તારોમાં છુટાછવાયા ઝાપટા-હળવાથી માંડીને 35 મીમી સુધીનો વરસાદ થઈ શકે છે.

તા.15 ને બુધવારથી તા.17 ને શુક્રવાર દરમ્યાન વરસાદનું જોર વધુ સારૂ રહેવાની સંભાવના છે.


Related News

Loading...
Advertisement