રાજકોટની જુના યાર્ડ નજીક કારે ઠોકરે લેતા આધેડનું મોત

13 July 2020 12:52 PM
Rajkot Saurashtra
  • રાજકોટની જુના યાર્ડ નજીક કારે ઠોકરે લેતા આધેડનું મોત

રાજકોટમાં સંતકબીર રોડ પર રહેતા આધેડ રાજસમઢીયાળા વાડીએથી પરત ફરતા હતા: અકસ્માત બાદ નાસી જનાર કારચાલક સામે ગુનો: બેડી ચોકડી પાસે કાર હડફેટે બાઈકચાલક યુવાન ઘવાયો

રાજકોટ તા 13
રાજકોટની ભાગોળે જુના યાર્ડ પાસે રાંદરડા તળાવ સામે કારે બાઇકને ઠોકરે લેતા શહેરના સંતકબીર રોડ પર રહેતા કોળી આધેડનું મોત થયું હતું.અકસ્માત બાદ નાસી જનાર બાઈક ચાલક સામે પોલીસે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ રાજકોટમાં સંત કબીર રોડ પર સદગુરુ સોસાયટી શેરી ન. 1 માં રહેતા કોળી આધેડ મોહનભાઈ મેરામભાઈ સરવૈયા (ઉ.વ 50) ગઈકાલ સાંજના બાઈક લઈ રાજકોટ તરફ આવી રહ્યા હતા ત્યારે જુના યાર્ડ પાસે રાંદરડા તળાવ સામે સ્વીફ્ટ કાર ન. જીજે 1 એચ.એમ 1278 ના ચાલકે બાઈકને ઠોકરે લેતા કોળી આધેડને ગંભીર ઇજા પહોંચી હતી.જેથી તેમનું મોત થયું હતું.

બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ કોળી આધેડને સંતાનમાં બે પુત્ર એક પુત્રી છે.પાંચ ભાઈ બે બહેનના પરિવારમાં નાના હતા.કોળી આધેડ રાજસમઢીયાળા ગામે આવેલી પોતાની વાડીએ ખેતીકામ માટે ગયા બાદ પરત ફરતા સમયે આ ઘટના બની હતી.બનાવ અંગે આધેડના પુત્ર અતુલ મોહનભાઇ સરવૈયાની ફરિયાદ પરથી પોલીસે અકસ્માત સર્જી નાસી જનાર કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય એક બનાવમાં માર્કેટિંગ યાર્ડ પાસે સાગરનગર શેરી ન.4 માં રહેતા જીજ્ઞેશ રમેશભાઈ પાટડીયા (ઉ.વ 29) નામનો યુવાન બેડી ચોકડી પાસે બાઈક લઇને જતો હતો ત્યારે અલ્ટો કારે તેને ઠોકરે લેતા પગ ભાંગી ગયો હતો. બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે અકસ્માત સર્જી નાસી જનાર કાર ન. જીજે 3 કે.એમ 7573 ના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement