હાર્દીકની નિયુક્તિ ગુજરાત કોંગ્રેસને ટોનિક: અહેમદ પટેલ ‘યુગ’નો અંત

13 July 2020 12:50 PM
Ahmedabad Gujarat Politics Rajkot
  • હાર્દીકની નિયુક્તિ ગુજરાત કોંગ્રેસને ટોનિક: અહેમદ પટેલ ‘યુગ’નો અંત
  • હાર્દીકની નિયુક્તિ ગુજરાત કોંગ્રેસને ટોનિક: અહેમદ પટેલ ‘યુગ’નો અંત
  • હાર્દીકની નિયુક્તિ ગુજરાત કોંગ્રેસને ટોનિક: અહેમદ પટેલ ‘યુગ’નો અંત
  • હાર્દીકની નિયુક્તિ ગુજરાત કોંગ્રેસને ટોનિક: અહેમદ પટેલ ‘યુગ’નો અંત

કોંગ્રેસ મોવડીમંડળે 10 દિવસ પુર્વે જ હાર્દીકની નિયુક્તિનો નિર્ણય લઈ લીધો હતો: ગુજરાતના નિર્ણયમાં પ્રથમ વખત અહેમદ પટેલની બાદબાકી: યુવા પાટીદાર નેતા પેટાચૂંટણીમાં પક્ષના સૌથી સક્રીય પ્રચારક બનશે: લેઉવા-કડવા ઉપરાંત અન્ય વર્ગના યુવાઓ માટે હાર્દીક આકર્ષણ બની શકે: પક્ષના નેતાઓને દોડવું પડશે: જો પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ફીફટી ફીફટી પર રહે તો ગુજરાત રાજકારણમાં હાર્દીક ફેકટર મહત્વનું બની જશે

રાજકોટ: ગુજરાતમાં શનિવારે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે ‘પાસ’ના પુર્વ કન્વીનરઅને યુવા નેતા હાર્દીક પટેલની નિયુક્તિથી કોંગ્રેસ મોવડીમંડળ હવે ગુજરાતમાં જે રીતે કોંગ્રેસની સ્થિતિ છે તે બદલવા જઈ રહી હોવાના સંકેત છે તો પક્ષ આગામી દિવસોમાં સતત ‘સુસ્ત’ બની રહેલા પ્રદેશ નેતાઓ માટે પણ વૈકલ્પિક નેતૃત્વ તૈયાર છે તેવા સંકેત આપવા જઈ રહ્યું છે. 135 વર્ષ જૂના આ રાજકીય પક્ષમાં હાર્દિક પટેલએ સંભવત અત્યાર સુધીના સૌથી યુવા કાર્યકારી પ્રમુખ છે તેવું માનવામાં હજું 15 માસ પુર્વે જ હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા અને તેણે આ પદ મેળવ્યું તે પણ એક સિદ્ધિ છે.

વાસ્તવમાં ગુજરાત કોંગ્રેસમાં જે રીતે જૂથવાદ અને નેતાઓની વ્યક્તિગત વફાદારીઓથી પક્ષ ઘેરાયો છે તે સંદર્ભમાં હાર્દીકની નિયુક્તિ મહત્વની છે. તે કોંગ્રેસના પુર્વ પ્રમુખ રાહુલ ગાંધીની પસંદગીના હોય તેમ માનવામાં આવે છે. પક્ષના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ હાર્દીક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવવાનો નિર્ણય 10 દિવસ પુર્વે જ લેવાયો હતો. ગુજરાતત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે જ આ નામ પક્ષના મોવડીમંડળને મોકલ્યું હતું અને એક સંકેત મુજબ ગુજરાતમાં કોંગ્રેસના નિર્ણયમાં મહત્વની ભૂમિકા ભજવતા રાષ્ટ્રીય ખજાનચી અહેમદ પટેલને પણ વિશ્વાસમાં લેવાયા ન હતા.

2015માં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનથી જાહેર ચહેરો બનેલા હાર્દીક પટેલ એ ગુજરાતના રાજકારણમાં યુ-ટર્ન આપ્યો હતો. અમદાવાદની જીએમડીસી ગ્રાઉન્ડની રેલી અને પોલીસના પાટીદારો પરના અત્યાચાર બાદ યોજાયેલી જીલ્લા પંચાયત અને અન્ય ગ્રામીણ ચૂંટણીમાં પાટીદાર ફેકટરથી ભાજપને એક સિવાયની તમામ જીલ્લા પંચાયતો ગુમાવવી પડી હતી અને 2017માં પણ કોંગ્રેસ પક્ષે પાટીદાર સહિતના ફેકટરથી ભાજપ માટે છેક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હાલના ગૃહમંત્રી અમીત શાહના પ્રચાર છતાં ડબલ ડીજીટમાં ધારાસભા ચૂંટણીથી સંતોષ માનવો પડયો હતો તથા સૌરાષ્ટ્ર સહિત 30 પાટીદાર બેઠકો ભાજપે ગુમાવવી પડી હતી.

હાર્દીક સામે પ્રથમ પડકાર આઠ બેઠકોની પેટાચૂંટણી છે અને કોંગ્રેસ પક્ષે તેથી જ હાર્દીકને તાત્કાલીક કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરીને ચૂંટણી પ્રચારમાં પક્ષના જે નેતાઓ કાચબા ગતિએ ચાલે છે તેને દોડવા માટે અને કોંગ્રેસના ઉમેદવાર માટે પણ એક લડાયક નેતા તરીકે હાર્દિક પટેલ આપી દીધો છે. અગાઉ ધારાસભ્ય ચૂંટણી સમયે હાર્દીકે કેટલાક પસંદગીના મુકયા હતા તેમાં મોરબીમાં બ્રિજેશ મેરજા હતા જે હવે ભાજપમાં છે અને ચૂંટણી લડી રહ્યા છે.

હાલ ખાસ કરીને જે બેઠકોની પેટાચૂંટણી છે તેમા ગ્રામીણ ક્ષેત્ર વધુ છે અને હાર્દીક ત્યાં લોકપ્રિય છે. કોંગ્રેસના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા મુજબ મોવડીમંડળે પ્રથમ વખત ગુજરાત માટેના કોઈ નિર્ણયમાં અહેમદ પટેલને વિશ્વાસમાં લીધા નથી. આથી ગુજરાતમાં પટેલના સમર્થકો માટે પણ સંકેત છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં પ્રભાવશાળી કડવા-લેઉવા પેલ સમાજ બન્નેના યુવાઓમાં લોકપ્રિય છે અને જે રીતે હાલ જે ડીજીટલ આંદોલન ચાલી રહ્યા છે તેમાં પાટીદાર યુવા વર્ગનું મોટુ પ્રદાન છે અને તેથી તેઓને એક ‘અવાજ’ મળી રહેશે તે નિશ્ચિત છે અને ખાસ કરીને બેરોજગારી તથા ખેડૂતોના પ્રશ્ને હાર્દિક પટેલ સરકારને ભીડવી શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ હાર્દિક પટેલ જો ધારાસભા પેટાચૂંટણીમાં જો કોંગ્રેસને 50% બેઠકો પર જીતાડી શકે તો આગામી દિવસના ગુજરાતના રાજકારણ ખાસ કરીને પંચાયત ચૂંટણીમાં તે મહત્વનું ફેકટર બની જશે.

હવે દળી દળીને ઢાંકણીમાં... અમરેલી ભાજપના નેતાનું રસપ્રદ ટવીટ
નિશાન કલેકટર કે ભાજપ સરકાર! વધુ એક ટવીટથી કહ્યું હવે મોદીજી પણ મને ફોલો કરે છે
ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી ધારાસભા પેટાચૂંટણી અને પક્ષમાં કોંગ્રેસના આયાતીઓને ચૂંટાવી દેવાની કપરી કામગીરી વચ્ચે પક્ષમાં અસંતોષ દેખાવા લાગ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ મોરબીમાં ભાજપના એક જૂથે પેટાચૂંટણીમાં રાધનપુરવાળી કરવાની તૈયારી કરી છે અને કોંગ્રેસ પક્ષને ‘યોગ્ય’ ઉમેદવાર મુકવાની સલાહ આપી છે જેથી તેવા માટે લોકોને સમજાવી શકાય તો ધારીમાં પક્ષના સળવળાટ છે.

આ વચ્ચે અમરેલી ભાજપના પુર્વ પ્રમુખ અને એક સમયે પક્ષના મોવડીમંડળની નજીક રહેલા ડો. ભરત કાનાબારે કાલે ટવીટ કરીને અમરેલીમાં કોરોના વિસ્ફોટ અંગે સરકારની નીતિઓ સામે પ્રશ્ન ઉઠાવતા દળી-દળીને ઢાંકણીમાં એવા વાકયનો પ્રયોગ કરીને સરકારની નીતિ સામે પ્રસશ્ન ઉઠાવ્યા છે. કાનાબારે ટવીટ કરીને કહ્યું કે ગુજરાતમાં 9000 કેસ હતા તો ગુજરાતમાં એક પણ કેસ ન હતો. હવે એક દિવસમાં 17 કેસ, જયારે એક પણ કેસ ન હતો તો બોર્ડર ચેક થતી હતી. હવે કેસ વધી રહ્યા છે.

દળી-દળીને ઢાંકણીમાં...રસપ્રદ બાબત એ છે કે એ બાદ ડો. કાનાબારે વધુ એક ટવીટથી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને ફોલો કરે છે તેવું ટવીટ પણ કર્યુ હતું તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી અને સંગઠન મંત્રી ભીખુભાઈ દલખાણીયા અને કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલાને ‘ટેગ’ કર્યા હતા.

આઠ બેઠકોની ધારાસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીતનો લક્ષ્યાંક; હાર્દીક પટેલનો પડકાર
ખોડલધામ અને સિદસરના ઉમીયાધામમાં દર્શન કરતા કોંગ્રેસ નેતા
કુળદેવીના દર્શન કરી કાર્યકારી પ્રમુખપદની કામગીરીનો પ્રારંભ: ખોડલધામના ચેરમેન નરેશ પટેલના પુત્ર દ્વારા સ્વાગત
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત થયેલા હાર્દીક પટેલે ગઈકાલે ખોડલધામની મુલાકાત લઈને આશિર્વાદ મેળવ્યા હતા અને બાદની એક પત્રકાર પરિષદમાં આગામી દિવસોમાં આવી રહેલી વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસને વિજય મેળવવાનો લક્ષ્યાંક તેણે રાખ્યો હતો. હાર્દિકે આ હોદો તેની કામગીરીની ‘ફલશ્રુતિ’ નહી પણ પડકાર હોવાનો દાવો કર્યો હતો.

હાર્દીક પત્રકારો સાથેની વાતચીતમાં જીલ્લા તાલુકા પંચાયતથી લઈને 2022ની ધારાસભા ચૂંટણીમાં પણ તેનું લક્ષ્ય હોવાનું જણાવીને કોંગ્રેસ લાંબી લડત આપવા તૈયાર છે તેવો સંકેત આપી દીધો હતો. ગઈકાલે હાર્દીક પટેલે ખોડલધામમાં દર્શન કર્યા તે સમયે તેની સાથે સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્ય લલીત કગથરા, લલિત વસોયા, વિક્રમ માડમ, વિરજી ઠુમર, રાજકોટ કોંગ્રેસના પ્રમુખ અશોક ડાંગર જીલ્લા પ્રમુખ હિતેશ વોરા પણ હાજર હતા.

હાર્દીકનું સ્વાગત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓએ કર્યુ હતું. હાર્દીકે બાદમાં સિદસરમાં ઉમીયાધામની મુલાકાત લઈને કડવા પાટીદારના કુળદેવી મા. ઉમિયાના આશિર્વાદ મેળવ્યા હતા. હાર્દીકે પત્રકારો સાથેની વાતચીતમાં ગુજરાતના 16000 ગામડાઓમાં કોંગ્રેસ પક્ષને ફરી પહોચાડવા માટેની તૈયારી દર્શાવી હતી.

આજે ભાજપની સમીક્ષા બેઠક: હાર્દીક ફેકટર- હવે ધ્યાનમાં લેવું પડશે
મોરબી-ધારી-અબડાસા-લીંબડી બેઠક માટે મુશ્કેલી વધી શકે: પક્ષમાં પણ અસંતોષ ડોકીયા કરે છે
ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત થયેલા હાર્દીક પટેલ હવે ગુજરાતમાં પેટાચૂંટણીમાં કોંગ્રેસના સ્વર પ્રચારક બની રહેશે. આજે જ ગાંધીનગરમાં ભાજપના આઠ પેટાચૂંટણીના નિરીક્ષકોએ બે સપ્તાહમાં તેમને સુપ્રત કરાયેલા મતક્ષેત્રમાં બીજી વખત જઈને જે રીપોર્ટ તૈયાર કર્યા છે તે કમલમમાં મોવડીમંડળ સાથેની બેઠકમાં રજુ કરશે અને સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપની આ બેઠકમાં હવે હાર્દીક ફેકટરની પણ ચર્ચા થશે અને તે રીતે પ્રચાર વ્યુહ ગોઠવવો પડશે. પેટાચૂંટણીમાં લગભગ સ્થાનિક નેતાઓ પ્રચારમાં હોય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સંભવત જે રીતે આઠ બેઠકોની પેટાચૂંટણી છે અને આ ચૂંટણી બાદ પંચાયતોની ચૂંટણી આવી રહી છે તે જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પ્રચારમાં ઉતરી શકે છે. હાર્દીકના આગમનથી હવે ગુજરાતમાં ભાજપના પાટીદાર નેતાઓના ‘ભાવ’ ઉંચકાશે તે નિશ્ચિત છે અને ભાજપે જે રીતે પાંચ બેઠકોમાં કોંગ્રેસમાંથી આવેલા પુર્વ ધારાસભ્યોને ટિકીટ આપવા નિર્ણય લીધો છે તેનાથી સ્થાનિક સ્તરે અસંતોષ છે. મોરબીમાં બ્રિજેશ મેરજાને અને ધારીમાં કે.વી.કાકડીયાને લડવું પડશે. અબડાસામાં 30000 પાટીદાર મતો છે તો લીંબડીમાં ભાજપના કોળી આગેવાનો પણ ઉંચાનીચા થઈ રહ્યા છે અને આજની બેઠકમાં આ ચર્ચા થશે તે નિશ્ચિત છે.

હાર્દીક એક તૃતીયાંશ બહુમતીનું ટવીટ કરતા ભાજપના નિશાન પર આવ્યો
ખોડલધામ પત્રકાર પરિષદમાં પણ ભુલ કરી
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદે વરાયેલા યુવા નેતા હાર્દિક પટેલે ગઈકાલે જ પ્રથમ પત્રકાર પરિષદમાં કોંગ્રેસને વિધાનસભા ચૂંટણીમાં બે તૃતીયાંશ બહુમતીના બદલે એક તૃતીયાંશ બહુમતીથી વિજેતા બનાવવાનું વિધાન કરીને ભાજપને પ્રહારની તક આપી દીધી હતી અને હાર્દીકના આગમન અંગે કોઈ રાજકીય નહી પણ આ ટવીટ પર પ્રતિભાવ આપવા ભાજપના પ્રવકતા માટેની દોટ હતી.

વિધાનસભામાં એક તૃતીયાંશ બહુમતી એટલે સતા માયેની બહુમતી નથી પણ હાર્દીક પટેલે એક તૃતીયાંશ જે હાલ પણ કોંગ્રેસ પાસે છે તેમાં બોલવામાં ગોથું ખાઈ ગયા એટલું જ નહી તેણે આ મતલબનું ટવીટ પણ કરી દીધું પણ તેના પર સોશ્યલ મીડીયામાં પસ્તાળ પડતા તુર્ત જ ટવીટ સુધારી લીધું હતું. જો કે ભાજપે તુર્ત જ હાર્દીકને નવું ઉપનામ પણ આપી દીધું હતું.


Related News

Loading...
Advertisement