રાજસ્થાનની રાજકીય કટોકટી: ગેહલોતનું ભાવિ પાઈલટના હાથમાં

13 July 2020 11:06 AM
India Politics
  • રાજસ્થાનની રાજકીય કટોકટી: ગેહલોતનું ભાવિ પાઈલટના હાથમાં

કોંગ્રેસ મોવડીમંડળે નાયબ મુખ્યપ્રધાનને મુલાકાત ન આપી: 30 ધારાસભ્યોના ટેકાનો પાઈલટનો દાવો: ભાજપમાં જોડાઈ રહ્યાની અટકળોને રદિયો આપતાં બાગી નેતાના ભાવિ વલણ વિષે સસ્પેન્સ વધ્યું: વિધાનસભા પક્ષની બેઠકમાં પાઈલટ, સમર્થકો વ્હીપનો ભંગ કરી હાજર નહીં રહે: બરતરફ કરવા મોવડીમંડળ મકકમ

નવી દિલ્હી તા.13
રાજસ્થાનમાં અશોક ગેહલોતથી કોંગ્રેસ સરકારનું ભાવિ સ્પષ્ટપણે નારાજ નાયબ મુખ્યપ્રધાન અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલટના નિર્ણય પર અવલંબે છે. આજે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને વિધાનસભા પક્ષની બેઠકમાં કેટલા ધારાસભ્યો ઉપસ્થિત રહે છે તેના પરથી ગેહલોત અને પાઈલટ વચ્ચે બળાબળના પારખા થઈ ગયા પછી સ્તિતિ સ્પષ્ટ બનશે.

કોંગ્રેસ હાઈકમાંડે પાઈલટ સામે કડક વલણ અખત્યાર કર્યું છે અને જો આજે પક્ષની બેઠકમાં હાજર રહેવાનો દરેક ધારાસભ્યોને રાખવામાં આવેલો વ્હીપ પાઈલટ અને તેમના સમર્થકો પરથી હાજર નહીં રહે તો તેમને બરતરફ કરવા સુધીની પક્ષની તૈયારી છે.

ઉલ્લેખનીય છે કે ગત મહીને રાજયસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો ખરીદવા પ્રયાસ કરી રહ્યાનો આક્ષેપ કરી ગેહલોતે પક્ષના ધારાસભ્યોને રિસોર્ટમાં એકત્ર કર્યા હતા રાજયસભાની ચૂંટણીમાં પક્ષના ધારાસભ્યો અને સમર્થક અપક્ષો અકબંધ રહેલાં પક્ષ 3માંથી2 બેઠક જીતવામાં સફળ રહ્યો હતો.

પરંતુ એ પછી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા અને તપાસમાં બે અપક્ષ ધારાસભ્યો કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને ફોડવા પૈસા લઈને ગયાનો પર્દાફાશ થતાં મામલો કોંગ્રેસની યાદવાસ્થળીનું કારણ બન્યો હતા. રાજસ્થાન પોલીસે આ કેસમાં નિવેદન આપવા મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન પાઈલટને સમન્સ પાઠવતા તેમને અપમાન મહેસૂસ થયું હતું.

શનિવારે રાતે સમર્થક ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચેલા સચીન પાઈલટ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળ્યા હોવાના અહેવાલો નથી, પણ એક અહેવાલ મુજબ કોંગ્રેસ મોવડીમંડળે તેમને પક્ષના રાજસ્થાનના નિરીક્ષકોને મળવા જણાવાયું હતું. સચિન પાઈલોટની કચેરીએ એક નિવેદનમાં 30 ધારાસભ્યોનો ટેકો હોવાનું અને ગેહલોત સરકાર લઘુમતીમાં આવી ગયાનું જણાવ્યું હતું.

દિવસ દરમ્યાન, પાઈલોટ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા જયોતીરાદીત્ય સિંહાને મળ્યા હોવાનું અને તેમના દ્વારા ભાજપના સંપર્કમાં હોવાના અહેવાલો હતા. તે આજે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાની હાજરીમાં કેસરીયો ખેસ પહેરશે તેવો પણ દાવો કરાયો હતો. મોડી રાતે એક ટીવી ચેનલને પાઈલટે પોતે ભાજપમાં જોડાવા નિર્ણય નહીં કર્યાનું જણાવતાં તેમના ભાવિ વિષે રહસ્ય ઘેરું બન્યું હતું. મધ્યપ્રદેશ પછી રાજસ્થાન પણ પોતાના કબ્જામાં આવી રહ્યાની સંભાવના વધતા ભાજપ પણ હવે અપક્ષોને લાવવા પ્રયાસ કરી રહ્યો છે.

આમ છતાં તે પાઈલટ પોતાના પતા ખોલે તેની વાટ જોઈ રહ્યો છે. પક્ષને લાગે છે કે ગેહલોત સરકાર હવે કોઈપણ રીતે બચી શકે તેમ નથી. સચીન પાઈલોટના આજની વિધાનસભા પક્ષની બેઠકમાં હાજરી નહીં આપવાના નિર્ણયને તેમના સમર્થકો પણ સાથે છે તેવો સંકેત આપતાં પર્યટન પ્રધાન વિશ્વેન્દ્રસિંહે પણ જાહેર કર્યુ છે કે તે આજની બેઠકમાં સામેલ નહીં રહે.

બીજી બાજુ, કોંગ્રેસના રાજસ્થાન પ્રભારી અશ્વીન પાંડેએ જણાવ્યું હતું કે પક્ષના મોવડીમંડળે પાઈલટને મેસેજ મોકલ્યો હતો, પણ તેમનો કોઈ જવાબ નથી. અમે તેમને સાંભળવા માંગીએ છીએ, પણ ગેરશિસ્ત સાંખી લેવામાં નહીં આવે.

ધારાસભા પક્ષની આજની બેઠક બાદ પાઈલટના સ્થાને રઘુવીર ઝીણાને પ્રદેશ પ્રમુખ બનાવવા પણ વિચાર થઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાઈલટની જયોતીરાદીત્ય સિંધીયા સાથેની મુલાકાતના અહેવાલ બાદ સોનીયા અને રાહુલ ગાંધીએ તેમને મળવા સમય આપ્યો નહોતો. ઉલ્લેખનીય છે કે સિંધીયાએ ગઈકાલે પાઈલટના સમર્થનમાં ટિવટ કરી પ્રતિભાશાળી લોકોને કોંગ્રેસમાં અવગણના થતી હોવાનું જણાવ્યું હતું.

ગેહલોતના નજીકના બે જવેલરી વેપારીઓને ત્યાં આઈટી દરોડા
રાજસ્થાનમાં હાલ કોંગ્રેસની ગેહલોત સરકાર સચીન પાયલોટની બગાવતના કારણે કટોકટીમાં આવી ગઈ છે ત્યારે આ હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે મુખ્યમંત્રી ગેહલોતના નજીકના બે વ્યક્તિઓ આવકવેરાની ઝપટમાં આવતા તેમને ત્યાં દરોડા પડયા છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત રાજસ્થાનમાં હાલમાં ચાલી રહેલા રાજકીય ડ્રામા વચ્ચે મુખ્યમંત્રી ગેહલોતના નજીકના મનાતા ધર્મેન્દ્ર રાઠોડ અને રાજીવ અરોરાને ત્યાં આવકવેરા વિભાગે દરોડા પાડયા છે. હાલ આ દરોડાની કાર્યવાહી ચાલુ છે, દરોડામાં શું ઝડપાયું તે હાલ બહાર નથી આવ્યું. ગેહલોતના નજીકના મનાતા આ બે શખ્સે જવેલરીના વેપારી છે.


Related News

Loading...
Advertisement