કોરોનાના મોત સરકાર જ છુપાવે છે: સૌરાષ્ટ્રમાં 6 દિવસમાં સતાવાર મોત 12, વાસ્તવિક સંખ્યા ઘણી ઉંચી

11 July 2020 05:48 PM
Rajkot Saurashtra
  • કોરોનાના મોત સરકાર જ છુપાવે છે: સૌરાષ્ટ્રમાં 6 દિવસમાં સતાવાર મોત 12, વાસ્તવિક સંખ્યા ઘણી ઉંચી

ભાવનગરનાં 7 મોત ઉપરાંત સુરેન્દ્રનગરનાં 2 તથા જેતપુર-ઉપલેટા, મોરબીનાં દર્દીઓનાં મોતની નોંધ જ નથી થઈ

રાજકોટ તા.11
ગુજરાતમાં કોરોનાના ખતરનાક સ્તરે પહોંચતા સંક્રમણ વચ્ચે પોઝીટીવ કેસોના આંકડા છુપાવવાનાં પ્રયાસોની દ્રઢ શંકા છે જયારે સરકાર તંત્ર દ્વારા મોતના આંકડા ઢાંકવાનાં પણ પ્રપંચ કરવામાં આવતા હોવાનું બહાર આવ્યુ છે. ડાયાબીટીસ જેવી અન્ય બિમારી ધરાવતાં દર્દીનું કોરોનાથી મોત થાય તો પણ તેને કોરોના મોતમાં ગણવામાં આવતુ ન હોવાનું કહેવાય છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.અગાઉ મૃત્યુઆંક દૈનિક 25 થી વધુ નોંધાતો હતો.અમદાવાદ હોટસ્પોટ હતું. અમદાવાદમાં એકાદ-બે સપ્તાહથી નવા કોરોના કેસ તથા મૃત્યુ આંકમાં નોંધપાત્ર ઘટાડો થઈ ગયો છે. ટેસ્ટ ઘટાડાયાને કારણે કેસ ઘટયાની ચર્ચા છે.

બીજી તરફ રાજયના સુરત, ભાવનગર, રાજકોટ સહીતનાં જીલ્લાઓમા કોરોના કેસનો વિસ્ફોટ થઈ રહ્યો છે. સાથોસાથ મોત પણ વધી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા મોત છુપાવાતા હોવાની ચર્ચા છે.

શહેર-જીલ્લા તથા રાજય સ્તરે આરોગ્ય તંત્ર દ્વારા જાહેર કરાતા રીપોર્ટની ચકાસણી કરવામાં આવે તો તા.5 થી 10 જુલાઈના છ દિવસમાં રાજય સરકારનાં રીપોર્ટમાં સમગ્ર સૌરા.માં 12 લોકોનાં જ મોત થયા હોવાનું દર્શાવાયું હતું.6 જુલાઈએ સૌરાષ્ટ્રમાં એકપણ મોત ન હોવાનું દર્શાવાયું હતું.

7મીએ રાજકોટ, મોરબી, જામનગરમાં 1-1, 8મીએ રાજકોટમાં 3 તથા જામનગર-અમરેલી, મોરબી, દ્વારકામાં 1-1 અને 10મી જુલાઈએ જામનગરમાં 1 મોત જાહેર કરાયુ હતું. 9મી જુલાઈએ સૌરાષ્ટ્રમાં એકપણ મોત ન હોવાનું જાહેર થયુ હતું.

વાસ્તવિકતા એ છે કે 5 થી 10 જુલાઈનાં સમયગાળામાં ભાવનગરમાં જ સાત કોરોના દર્દીઓએ દમ તોડયો હતો. મોરબીમાં પાંચ લોકો ભોગ બન્યા હતા. આ સિવાય સુરેન્દ્રનગરનાં બે તથા જેતપુર-ઉપલેટાનાં દર્દી પણ રાજકોટની હોસ્પીટલમાં મોતને ભેટયા હતા. છતાં સરકારનાં સતાવાર રીપોર્ટમાં કોઈ ઉલ્લેખ ન હતો.


Related News

Loading...
Advertisement