વેન્ટિલેશનની સુવિધા ન હોય તેવી હોસ્પિટલોમાં ફેલાઇ શકે છે કોરોના

11 July 2020 05:44 PM
India
  • વેન્ટિલેશનની સુવિધા ન હોય તેવી હોસ્પિટલોમાં ફેલાઇ શકે છે કોરોના

હવાની અવર જવર વગરની જગ્યાઓ પર વાઇરસ કલાકો સુધી રહી શકે છે

નવી દિલ્હી તા.11: 32 દેશોના 239 વૈજ્ઞાનિકો દ્વારા કોરોના વાઇરસ હવા દ્વારા પણ ફેલાઇ શકે છે એવો ખુલાસો થયા બાદ વૈશ્વીક આરોગ્ય સંગઠન દ્વારા તેનો સ્વીકાર કરવાની સાથે તકેદારીને લગતા દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. તેમનાં દિશા-નિર્દેશો અનુસાર, સારવાર દરમિયાન જે હોસ્પિટલમાં વેન્ટિલેશન એટલે કે હવાની અવર જવરની વ્યવસ્થા ન હોય તેવી હોસ્પિટલોમાં વાયરસના સંક્રમણની શકયતા વધુ રહેલી છે. સારવાર દરમિયાન નાના-નાના ડ્રોપલેટસ એરોસેલ્સ રૂપે હવામાં હાજર રહી શકે છે. ખાસ કરીને હોસ્પિટલનાં પરિસરમાં કે જયાં હવાની અવર જવર માટેની વ્યવસ્થા ન હોય ત્યાં વાયરસ કલાકો સુધી હાજર રહી શકે છે. જેને પરિણામે ત્યાંથી પસાર થતાં લોકો વાયરસની ચપેટમાં આવી શકે છે.

સંક્રમણથી બચવા માટે હોસ્પિટલનાં પરીસરમાં જતા લોકોની સાથે સ્વાસ્થય કર્મીઓએ પણ વિશેષ ધ્યાન રાખવુ પડશે. માસ્ક પહેરીને રાખવું અને હાથોને સમય-સમય પર ધોતા રહેવુ. એકબીજાથી ઓછામાં ઓછું 3 ફુટનું અંતર રાખવુ. ભીડભાડવાળા અને જાહેર સ્થળો પર જવાનું ટાળવું ઘરમાં વેન્ટિલેશનનું ધ્યાન રાખવુ. કયાંય બહાર જાઓ તો હાથોને સમય-સમય પર સેનેટાઇઝ કરતાં રહેવુ અને ચહેરાને સ્પર્શ કરવાનું ટાળવું.

વૈશ્વીક આરોગ્ય સંગઠનનાં જણાવ્યા અનુસાર વ્યકિતમાં લક્ષણ આવે તેના એકથી ત્રણ દિવસની અંદર વાયરસનાં આરએનએની ઓળખ શકય છે. આરટી-પીસીઆર તપાસથી સંક્રમણ વિશે જાણી શકાય છે. ગંભીર રીતે સંક્રમિત દર્દીમાં વાયરસ બે સપ્તાહથી વધારે સમય સુધી રહી શકે છે. કોઇ વ્યકિતમાં વાયરલ આરએનએ મળવાનો અર્થ એ નથી કે તે સંક્રમિત છે અથવા અન્યને પણ સંક્રમિત કરી શકે છે.

કોરોનાના પ્રસારની રીત જાણવાનો મુખ્ય ઉદેશ્ય તેની ચેઇનને તોડવાનો છે. અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત વ્યકિતના સંપર્કમાં આવવાથી તે ફેલાઇ શકે છે. લક્ષણ વગરનાં વ્યકિત પણ અન્યને સંક્રમિત કરી શકે છે પરંતુ તેના સ્પષ્ટ સ્તરની જાણકારી મળી નથી.

સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા તમામ લોકોની ઓળખ જરૂરી છે. જેથી તેમને કવોરન્ટાઇન કરી શકાય અને વાયરસના ફેલાવાને રોકી શકાય. વાયરસની ચપેટમાં આવ્યા બાદ તેનાં લક્ષણ પ થી 6 દિવસમાં ફેલાઇ શકે છે. અથવા 14 દિવસે પણ દેખાય શકે છે. એવામાં કોરોના સંક્રમિત અને તેના સંપર્કમાં આવેલાં લોકોને 14 દિવસ કવોરન્ટાઇન કરવા પડે. કોઇ સંસ્થામાં કવોરન્ટાઇન કરવા શકય ન હોય તો ઘરે પણ કવોરન્ટાઇન કરી શકાય.


Related News

Loading...
Advertisement