પીજીવીસીએલને 5.78 લાખનો ચુનો ચોપડનાર 7 કર્મચારી-ગ્રાહક સામે ગુનો નોંધાયો

11 July 2020 05:25 PM
Rajkot Saurashtra
  • પીજીવીસીએલને 5.78 લાખનો ચુનો ચોપડનાર 7 કર્મચારી-ગ્રાહક સામે ગુનો નોંધાયો

કર્મીઓએ વીજ બીલની રસીદ આપ્યા બાદ રેકોર્ડ પરથી કેન્સલ કરી ગ્રાહકના ખાતામાં રૂપિયા જમા આપી ઉચાપત કરી હતી

રાજકોટ તા. 11: પીજીવીસીએલના 7 અધિકારી-કર્મચારી અને એક ગ્રાહકે મળી વીજ કંપનીને 5.78 લાખનો ચુનો ચોપડી દીધા અંગે રાજકોટના એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની વિસ્તૃત વિગત મુજબ આજી જીઆઇડીસીમાં આવેલ ભવાની ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડીયા એલએલપીને વીજ બીલની રસિદ આપ્યા બાદ રૂપિયા જમા લેવાયા હતા. જોકે કર્મચારીઓએ ફરી પાછા ગ્રાહક ભવાની ઇન્ડસ્ટ્રીઝના ખાતામાં એ રૂપિયા જમા આપી રસિદ કેન્સલ કરી હતી અને વીજ કંપની સાથે રૂ.5.78 લાખની છેતરપીંડી કરી છે.

કનક રોડ પર આવેલા જૂના પાવર હાઉસમાં પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા કૌશિક ભગવતી શાહે ફરિયાદમાં જણાવ્યું હતું કે વર્ષ એપ્રિલ 2017 થી માર્ચ 2018નું અમારી કચેરીનું ઓડિટ સુરેન્દ્રનગર પીજીવીસીએલ દ્વારા કરાયું હતુ. જેમાં જાણવા મળેલ કે ભવાની ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડીયા પ્રા.લી. ના ખાતામાં રૂપિયા 578250 પીજીવીસીએલ તરફથી જમા થયા હતા. જે નિયમ મુજબ જમા કરવાના નહોતા. જેથી અમે જમા રૂપિયા પરત કરવા ઇન્ડસ્ટ્રીઝને પત્ર લખ્યો હતો. તેનો સામો જવાબ આવેલો કે અમે રૂપિયા ભરી દીધા છે અને તેની રસીદ પણ અમારી પાસે છે.

જેથી અમે રૂબરૂ તપાસ માટે ગયા હતા. ત્યાંથી અમે સ્ટેમ્પ અને સહિ સાથેની રસીદની કલર ઝેરોક્ષ મેળવી લીધી હતી. આ રસીદ 15/2/2016 ની હતી. કચેરીના રેકોર્ડમાં આ રસીદ લાલ સહી સાથે કેન્સલ લખેલી હતી. કોમ્પ્યુટર સિસ્ટમમાં પણ રસીદ કેન્સલ કરેલી હતી. ગ્રાહક ભવાની ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જણાવાયું હતું કે ઓફિસમાંથી ફોન આવેલો કે એડવાન્સ રૂપિયા ભરી જાવ જેથી અમે રૂપિયા ભરતા રસીદ આપી હતી.

જોકે કચેરીના રેકોર્ડમાં એડવાન્સ ભરવાનું કોઇ પાર્ટીને લેખિત અપાયું નથી. આ અંગે વડી કચેરીને જાણ કરી હતી તેમજ કીશોરસિંહ મનુભા વાળા નામના વ્યકિતએ આ બીલ કૌંભાંડ અંગે ચીફ વીજીલન્સને અરજી કરી હતી. જેથી અમારા એડીશનલ એન.ડી. ધામેલીયા, એકાઉન્ટ રેવન્યુ ડીપાર્ટમેન્ટના કંટ્રોલર બી.એમ. ભીમજીયાણી અને સર્કલ ઓફિસ મોરબીના એકાઉન્ટ ઓફિસર કે.બી. પરમાર દ્વારા ઇન્કવાયરી હાથ ધરાઇ હતી.

જેમાં જાણવા મળેલ કે બીલની રકમ 5.78 લાખ લઇ ગ્રાહકને અસલ રસીદ આપી અને તે જ દિવસે બોગસ રસીદમાં રકમ કેન્સલ કરી કંપનીના ઇ-ઉર્જા સિસ્ટમમાં ગ્રાહકના ખાતામાં જમા એન્ટ્રી રદ થતા રૂ. 578250 ની ઉચાપત કરાઇ હતી. સ જેમાં જવાબદાર અધિકારી કર્મચારી સિનિયર આસિસ્ટન્ટ એમ.ટી. ઉનડકટ, નાયબ અધિક્ષક રેવન્યુ કે. કે. પ્રજાપતિ, જુનિયર આસિસ્ટન્ટ એસ.વી. વાછાણી, હિસાબી અધિક્ષક વી.કે. મહેતા, રેવન્યુ હિસાબ અધિક્ષક એમ.એલ. દેસાણી, તત્કાલીન કાર્યપાલક ઇજનેર અને હાલ નિવૃત થયેલા એન.ડી. પનારા, તત્કાલીન ટેકનીકલ નાયબ ઇજનેર બી. એન. મારવાનીયા જેઓ હાલ નિવૃત છે તેમની સામે મીલીભગતથી રકમ ઉચાપત કરી કંપનીને નુકસાન પહોંચાડવા અંગે ફરિયાદ નોંધાઇ છે.

છેતરપીંડીના આ કિસ્સામાં ગ્રાહક ભવાની ઇન્ડસ્ટ્રીઝને પણ આરોપી તરીકે દર્શાવાયા છે. એ ડીવીઝન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી પી.આઇ. સી.જી. જોષીએ વધુ તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement