કોરોના વાયરસ સામેના લોકડાઉન, પીએમ કેર્સની સંસદીય સમીતી દ્વારા તપાસ રોકતો ભાજપ

11 July 2020 05:10 PM
India
  • કોરોના વાયરસ સામેના લોકડાઉન, પીએમ કેર્સની સંસદીય સમીતી દ્વારા તપાસ રોકતો ભાજપ

પીએમ કેર્સનું ફંડીંગ સંસદ દ્વારા સ્વીકૃત ન હોવાની દલીલ

નવી દિલ્હી તા.11
સંસદની જાહેર હિસાબ સમીતી (પીએસી) કોરોના વાયરસ સામે સરકારે લીધેલા પગલાં અને આ સંકટને ભરી પીવા રચવામાં આવેલા નવા પીએમ કેર્સ ફંડની તપાસ નહીં કરે. સમીતીની બેઠકમાં આ મામલે તમામ સભ્યોમાં સર્વસંમતી બની નહોતી.

જાહેર હિસાબ સમીતી સંસદીય સમીતીઓ પૈકી એક છે, જે ઓડીટર જનરલના રિપોર્ટસની પણ તપાસ કરે છે. પીએસી ભૂતકાળમાં 2જી સ્પેકટ્રમ જેવા મહત્વના મામલે તપાસ કરી ચૂકી છે. જાહેર હિસાબ સમીતીના અધ્યક્ષ અને કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ સમીતીના સભ્યોને પોતાના અંતરાત્મા મુજબ કામ કરવા અને આ મહત્વપૂર્ણ વિષય પર સર્વસંમતી બનાવવા અપીલ કરી હતી.

ચૌધરી લોકસભામાં કોંગ્રેસના નેતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ પીએસીની બેઠકમાં સામેલ ભાજપ સભ્ય સ્પષ્ટપણે કોરોના સંકટના સરકારી પ્રબંધનની તપાસના ચૌધરીના પ્રસ્તાવને રોકયો હતો. બેઠકમાં સામેલ એક સાંસદે જણાવ્યું હતું કે બીજુ જનતાદળના નેતા ભતૃહરી મહતાની તરફથી ભાજપને મજબૂત સમર્થન મળ્યું હતું. પ્રસ્તાવના સમર્થનમાં વિપક્ષીદળો હતા. ડીએમકે નેતા ટી.આર.બાબુ અને અન્ય કેટલાક સભ્યોએ સમર્થન કર્યું હતું.

કેટલાક વિપક્ષી નેતાઓના દાવા મુજબ ભાજપ કોરોના મહામારી અને તેનો સામનો કરવા લેવાયેલા પગલાની સમીક્ષાથી એટલા માટે બચવા માંગતો હતો કે એ દ્વારા પીએમ કેર્સ ફંડ પર પણ સમીતી નજર રાખી શકતી હતી. પીએમ કેર્સ ફંડ કેગને આપી નથી. સંસદીય સમીતીમાં ભાજપના વરિષ્ઠ નેતા ભુપેન્દ્ર યાદવે પીએમ કેર્સ ફંડની તપાસની દરખાસ્તનો વિરોધ કરતા જણાવ્યું હતું કે પીએમ કેર્સનું ફંડીંગ સંસદ દ્વારા સ્વીકૃત નથી અને એ કારણે જાહેર હિસાબ સમીતી એની તપાસ કરી શકે નહીં.

આ નિર્ણય બાદ જાહેર હિસાબ સમીતી વિશ્વના સૌથી મોટા લોકડાઉન અને કોરોના વાયરસનો સામનો કરવા સરકારે લીધેલા પગલાની તપાસ અને વિશ્લેષણ કરી શકશે નહીં.


Related News

Loading...
Advertisement