અભિષેક બચ્ચન : ધ ‘સ્ટોરી’ કિલર!

11 July 2020 12:55 PM
Entertainment
  • અભિષેક બચ્ચન : ધ ‘સ્ટોરી’ કિલર!
  • અભિષેક બચ્ચન : ધ ‘સ્ટોરી’ કિલર!

12 એપિસોડ, 564 મિનિટ અને ઑલમોસ્ટ 9-10 કલાક સુધી બિન્જ વોચ કર્યા બાદ સિને‘મા’ની આંખોના પોપચાં ખુલ્લા રહેવાનુ નામ નથી લઈ રહ્યા. ‘બ્રીધ’ જોઈ-જોઈને હાંફ ચડ્યો છે હવે! અભિષેક બચ્ચને સ્વૈચ્છિક નિવૃતિ લઈને પોતાની બેઈજ્જતી થતી અટકાવવી જોઈએ. 50-50 મિનિટના ‘આર્યા’ના કુલ 9 એપિસોડ્સ જોવા માટે જાણે 9 મિનિટ લાગી હોય એવો અનુભવ થયો હતો, જ્યારે ‘બ્રીધ’ના 12 એપિસોડ જોઈને પાંડવોની માફક અજ્ઞાતવાસ પહેલાના 12 વર્ષનો ’ઓટીટી’વાસ ભોગવ્યો હોય એવું લાગી રહ્યું છે.

દિલ્હીના હાઇ-પ્રોફાઇલ સાયક્રિયાટિસ્ટ અવિનાશ સભરવાલ (અભિષેક બચ્ચન)ની દીકરી સિયા એક દિવસ સ્કૂલેથી કિડનેપ થઈ જાય છે. અપહરણકર્તા પૈસાને બદલે કેટલાક ખૂન કરાવવાની ઇચ્છા ધરાવે છે. બીજી બાજુ, મુંબઈથી દિલ્હી આવેલો કબીર સાવંત (અમિત સાધ) દિલ્હીમાં થનારી આ હત્યાઓની છાનબીનમાં જોડાઈ જાય છે. અવિનાશની પત્ની આભા (નિત્યા મેનન) પણ પોતાની દીકરી સિયાને બચાવવા માટે જમીના-આસમાન એક કરે છે. દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ સાથે મળીને ભૂતકાળમાં ઘણા કેસ ઉકેલી ચૂકેલા અવિનાશ માટે પડકાર એ છે કે પોલીસની નાક નીચે રહીને તેણે પોતાના ઈરાદાઓને અંજામ આપવાનો છે.

પહેલા તો એ જાણી લો કે, પહેલી અને બીજી સિઝન એકબીજા સાથે જરાકેય જોડાયેલી નથી. પહેલી સિઝન જોયા વગર જ બીજી જોઈ લેશો તો કશો વાંધો નહી આવે (જોકે, આ રિવ્યુ વાંચ્યા પછી તમે એવું નહી જ કરો એની ખાતરી છે!) થ્રીલર સીરિઝ માટે ‘સસ્પેન્સ’ સૌથી મહત્વનો શબ્દ છે. પ્રેક્ષકને અંદાજ આવી જાય, એ ધીરે ધીરે ખૂનીના પ્લાનને મમળાવવાનું અને ધારવાનું શરૂ કરે એ વખતે એમની તમામ માન્યતાઓનું ખંડન કરતું કંઈક જૂદું જ રહસ્ય પીરસવું એ આ પ્રકારની સ્ક્રિપ્ટની મૂળભૂત જરૂરિયાત હોય છે. એમાં પણ ચેલેન્જ ત્યારે વધી જાય છે જ્યારે તમે ખૂની કોણ છે એ પહેલેથી જ કહી દીધું હોય! ‘બ્રીધ’ના ટ્રેલર પરથી જ સ્પષ્ટ છે કે અભિષેક બચ્ચન એક ખૂનીનું પાત્ર નિભાવી રહ્યો છે.

અમિત અને અભિષેક વચ્ચેની ચૂહા-બિલ્લીની રમત અને આખા પ્લાનની પાછળ છુપાયેલા માસ્ટરમાઈન્ડ (અર્થાત કિડનેપર) સુધી પહોચવાની રમતને રોમાંચક બનાવવાની જરૂર હતી, જે નથી થઈ શક્યું. ડિરેક્ટર-રાઇટર મયંક શર્માએ આખી સીરીઝનો ભાર અભિષેક બચ્ચનના ખભે મૂકીને સૌથી મોટી ભૂલ કરી નાંખી છે. બોલિવૂડના ‘એક્સપ્રેશનલેસ’ અભિનેતાઓની યાદીમાં તે સલમાન ખાનને પણ ટક્કર આપી જાણે છે. તેના ઇન્ટરવ્યૂ જુઓ કે પછી આ સીરિઝમાં તેનું પાત્ર! બધુ સરખું જ છે સાહેબ! અમિત સાધને કારણે આ સહનીય છે. નિત્યા મેનનના પાત્ર સાથે ઘણું ખેડાણ શકી હતું, પરંતુ વાર્તા એને ન્યાય ન આપી શકી. બીજા-ત્રીજા એપિસોડમાં ખરેખર લાગ્યું હતું કે નિત્યા મેનનના પાત્રને આગળ જતાં જબરદસ્ત આકાર મળશે, પરંતુ એ શક્ય ન બન્યું. મુખ્ય કલાકારોની સરખામણીમાં તો રેશમ શ્રીવર્ધન, ઋષીકેશ જોશી, પ્લબિતા બોરઠાકુર, શ્રદ્ધા કૌળ દ્વારા કાબિલેદાદ કામ થયું છે.

જેમણે થોડા સમય પહેલા નેટફ્લિક્સ પર રીલીઝ થયેલી ‘ચોક્ડ’માં સૈયામી ખેરને જોયું હશે તે ‘બ્રીધ’માં તેને જોઈને દંગ રહી જવાના છે. વૈશ્યાના કિરદારમાં તેના ભાગે ખાસ કશું કરવાનું આવ્યું નથી. ક્લાયમેક્સમાં ત્રીજી સિઝન સાથે પરત આવવાનો ઈશારો મેકર્સ દ્વારા આપી દેવામાં આવ્યો છે. એના માટે સૈયામીના પાત્રને ઘડવામાં આવ્યું હોય એવું લાગ્યું. પરંતુ પહેલી સિઝનની સરખામણીમાં આ સિઝન અતિશય કંટાળાજનક છે. શરૂઆતના પાંચ એપિસોડ પછી તો રીતસરનો ત્રાસ વર્તાવાનું શરૂ થઈ જશે. પહેલી સિઝનના હીરો આર.માધવનના પર્ફોંમન્સનું એક ટકા પણ અગર અભિષેકે આપ્યું હોત તો આ સીરિઝ જોવાલાયક બની હોત! હજુ તો હોટસ્ટાર પર તેની ફિલ્મ ’બિગ બુલ’ પણ ટૂંક સમયમાં રીલીઝ થઈ રહી છે. ખબર નહી, આ માણસ હજુ બિચારા કેટલા ભોળા પ્રેક્ષકોનો જીવ ખાશે.

કેમ જોવી? : સાહસિક હો અને અભિષેક બચ્ચનનું ડિજિટલ ડેબ્યુ જોવાની ઇચ્છા ધરાવતા હો તો!
કેમ ન જોવી? : પહેલી સિઝનથી વધારે ચડિયાતી વાર્તા અને કોન્ટેન્ટ જોવાની ભ્રમણા ધરાવતા હોય તો!

: ક્લાયમેક્સ :
સોની લીવ પર ‘અન-દેખી’ જોઈ હોય તો કે’જો જરાક! કારણકે ’બ્રીધ’ જોયા પછી મેં હવે આવતા અઠવાડિયા સુધી ’ઓટીટી’ ઉપવાસ કરવાનો નિર્ણય કર્યો છે.

: સાંજસ્ટાર: બે ચોકલેટ
bhattparakh@yahoo.com


Related News

Loading...
Advertisement