વિકાસ દુબે કાનપુર સુરક્ષિત નહીં પહુંચના ચાહીએ: પોલીસ અધિકારી

10 July 2020 06:42 PM
India
  • વિકાસ દુબે કાનપુર સુરક્ષિત નહીં પહુંચના ચાહીએ: પોલીસ અધિકારી
  • વિકાસ દુબે કાનપુર સુરક્ષિત નહીં પહુંચના ચાહીએ: પોલીસ અધિકારી
  • વિકાસ દુબે કાનપુર સુરક્ષિત નહીં પહુંચના ચાહીએ: પોલીસ અધિકારી

વિકાસનું એન્કાઉન્ટર પણ પ્રિપ્લાન્ડ? બહાર આવ્યો પોલીસ અધિકારીનો સનસનીખેજ વિડીયો : વીડિયોમાં એક પોલીસમેન પૂછે છે- વિકાસ દુબે કાનપુર તો પહોંચી જશે ને? જેના જવાબમાં પોલીસ અધિકારી હસતા હસતા કહે છે- આશા રાખીએ કે તે ન પહોંચે: ક્રાઈમ થ્રીલરને પણ ટકકર મારે તેવા ગેંગસ્ટર વિકાસ દુબેના શરણે થઈ જવાની ઘટનાથી માંડીને એન્કાઉન્ટર થઈ જવાની ઘટના પ્રિપ્લાન્ડ હોવાની ઉપસતી છાપ

કાનપુર તા.10
કયારેક કયારેક એવું લાગે કે સમાજ ફિલ્મથી પ્રભાવિત છે કે ફિલ્મો સમાજથી પ્રભાવિત છે? છેલ્લા કેટલાક દિવસથી ઉતરપ્રદેશના ગેંગસ્ટર વિકાસ દુબેના ચાલી રહેલા હાઈ વોલ્ટેજ ડ્રામાનો આજે દુબેના એન્કાઉન્ટર સાથે અંત આવ્યો છે, છેલ્લા કેટલાય દિવસથી બનેલી ઘટના કોઈ ક્રાઈમ થ્રીલરને પાછળ રાખે તેવી છે.

કેટલાક દિવસ પહેલા ઉતરપ્રદેશના કાનપુરમાં આઠ-આઠ પોલીસ જવાનો- અધિકારીઓની હત્યા કરનાર ઉતરપ્રદેશનો ગેંગસ્ટર તેમજ દરેક પક્ષના રાજકારણમાં સારો એવો પ્રભાવ ધરાવનાર વિકાસ દુબે છેલ્લા એક સપ્તાહથી ફરાર હતો. પોલીસ તેની તલાશમાં હતી. તેના સાગરિતોના એન્કાઉન્ટર થતા હતા પણ મુખ્ય સૂત્રધાર એવો વિકાસ દુબે ‘અકળ’ કારણોસર હાથમાં નહોતો આવતો ત્યારે ગઈકાલે મધ્યપ્રદેશના ઉજજૈનમાં મહાકાલ મંદિરે આ વિકાસ દુબે એકાએક પ્રગટ થયો હતો અને સામાન્ય સિકયોરીટી ગાર્ડે તેને ઝડપી લીધો હતો અને બાદમાં પોલીસને હવાલે કરાયો હતો.

આ સમયે વિકાસ દુબેએ કોઈપણ જાતનો ડર રાખ્યા વિના ડાયલોગ પણ ફિલ્મી સ્ટાઈલથી ફટકાર્યો હતો. મેં હું વિકાસ દુબે કાનપુર વાલે! વિકાસ એકાએક નાટકીય રીતે ઝડપાતા વિપક્ષોએ તેનીસામે સવાલો ઉઠાવતા આધરપકડને પ્રિપ્લાન્ડ સરેન્ડર ઓળખાવ્યું હતું ત્યારબાદ આજે વહેલી સવારે વિકાસ દુબેને ઉતરપ્રદેશ લઈ જવાતો હતો ત્યારે રસ્તામાં પોલીસ વાન પલ્ટી જતા પોલીસની પિસ્તોલ છીનવી ભાગી જવાનો પ્રયાસ કરતા વિકાસ દુબેને પોલીસે ઠાર માર્યો હોવાનું જાહેર થયું છે.

પહેલા વિકાસ દુબેની ‘શરણાગતિ’ સામે સવાલ ઉઠાવનારાઓએ હવે વિકાસના ‘એન્કાઉન્ટર’ સામે સવાલ ઉઠાવ્યા છે ત્યારે એક સનસનીખેજ વીડીયો પોલીસ અધિકારીનો બહાર આવ્યો છે જેમાં આ પોલીસ ઓફીસર એમ કહેતા સંભળાય છે કે ‘ઉમ્મીદ હૈ વિકાસ દુબે કાનપુર ન પહુંચે....’ હવે એ સવાલો ઉઠયા છે કે શું વિકાસ દુબેનું એન્કાઉન્ટર પ્રિ પ્લાન્ડ હતું? એક ઓડીયો-વિડીયો બહાર આવ્યા બાદ આ સવાલો ઉઠી રહ્યા છે.

આ ઓડીયો-વીડીયોમાં એક પોલીસ અધિકારી બીજા પોલીસને એમ કહેતો સાંભળવા મળે છે કે આશા છે કે વિકાસ દુબે કાનપુર સુરક્ષિત ન પહોંચે. આ વિડીયો ઉજજૈનના એડીશ્નલ એસીપીનો બતાવવામાં આવી રહ્યો છે. જેમાં એક પોલીસમેન જ તેમને પૂછી રહ્યો છે કે વિકાસ દુબે કાનપુર તો પહોંચશે ને? જેના જવાબમાં પોલીસ અધિકારી હસીને કહે છે કે આશા છે કે તે ન પહોંચે. ઉલ્લેખનીય છે કે વિકાસનું એન્કાઉન્ટર કરતા પહેલા તેના એનક સાથીઓ સાગરીતોનું એન્કાઉન્ટર કરી ચૂકી છે.

વિકાસ દુબેના મૃતદેહનો કોરોના ટેસ્ટ થઈ શકે છે
કાનપુર: ગેંગસ્ટર વિકાસ દુબેનું આજે વહેલી સવારે એન્કાઉન્ટર થયા બાદ તેના મૃતદેહનો કોરોના ટેસ્ટ કરવામાં આવી શકે છે. હાલ દેશમાં કોરોના મહામારીનો કહેર છે ત્યારે વિકાસ દુબને પકડીને લઈ જઈ રહેલા પોલીસ કર્મીઓ સંક્રમણનો ભોગ નથી બન્યાને તે કારણે અને પોલીસ કર્મીઓની સુરક્ષા માટે વિકાસ દુબેના મૃતદેહનો કોરોના ટેસ્ટ થઈ શકે છે.

મીડિયાની ગાડી રોકવાનું રહસ્ય અકબંધ
એન્કાઉન્ટર સ્થળના 20 કી.મી. પહેલા મીડિયાની ગાડીઓ રોકી દેવાઈ
કાનપુર: વિકાસના એન્કાઉન્ટરને લઈને નવી નવી જાણકારીઓ બહાર આવી રહી છે. જે મુજબ મીડિયાની તે ગાડીઓ કે જે એસટીએફના કાફલાની પાછળ ચાલતી હતી તેને એન્કાઉન્ટરના ઘટના સ્થળથી 20 કિલોમીટર પહેલા જ શંકાસ્પદ રીતે રોકી દેવામાં આવી હતી, અલબત હજુ તેના કારણ બહાર નથી આવ્યું કે મીડિયાની ગાડીઓ શા માટે રોકવામાં આવી હતી. કારણ પૂછવાપરપોલીસે જવાબ પણ નહોતો આપ્યો. આ ઘટનાની 10-15 મિનીટ બાદ ખબર આવી કે વિકાસનું એન્કાઉન્ટર થઈ ગયું છે. આ પુરી ઘટના પોલીસ સામે અનેક સવાલો ઉઠાવે છે કે મીડિયાની ગાડી શા માટે રોકાઈ હતી?

વિકાસના મોત પહેલા ટોલપ્લાઝા પરનો શંકાસ્પદ વિડીયો જાહેર
કાનપુર: વિકાસ દુબેના મોત પહેલાનો એક વિડીયો બહાર આવ્યો છે. આ વિડિયોમાં વિકાસ ટોલ પ્લાઝા પર દેખાય છે. યુપી એસટીએફની ટીમ જે કારમાં વિકાસ દુબેને મધ્યપ્રદેશથી ઉતરપ્રદેશમાં લાવી રહી હતી તેને છેલ્લી વાર કાનપુરથી પહેલા મોટા ટોલ પ્લાઝા પરથી પસાર થતી કાર દેખાઈ હતી. વિડીયોમાં જોવા મળે છે કે ટોલ પ્લાઝા પર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત હતી. ટોલમાંથી પસાર થતા વાહનોની તલાશી લેવાતી હતી. ટોલ પ્લાઝા પર જયાંથી એસટીએફનો કાફલો પસાર થયો તે પુરી લાઈનને પોલીસે અગાઉથી જ ખાલી કરાવી હતી.

સન્ની દેઓલની ફિલ્મ ‘અર્જુન પંડિત’થી ખૂબ જ પ્રભાવિત હતો વિકાસ દુબે
આ ફિલ્મમાંથી ‘પ્રેરણા’ લઈ તે પોતાને પણ પંડિત તરીકે ઓળખાવતો!
ગેંગસ્ટર વિકાસ દુબેની લાઈફ કોઈ ક્રાઈમ થ્રીલરથી કમ નહોતી.વિકાસ 1999માં આવેલી સન્ની દેઓલની ફિલ્મ ‘અર્જુન પંડિત’થી પ્રભાવિત હતો. આ ફિલ્મમાંથી ઘણી ‘પ્રેરણા’ વિકાસે મેળવી હતી. આ ફિલ્મમાંથી સાંકેતીક શબ્દ અપનાવ્યા બાદ વિકાસ દુબેમાંથી પંડિત બની ગયો હતો. તે તેના રાજનીતિક જૂથોમાં પણ પંડિતથી ઓળખાતો હતો. તેને પંડિત તરીકે ઓળખાવું ગમતું હતું. બોલીવુડની આ ફિલ્મમાં બતાવાયું હતું કે સની દેઓલ- અર્જુન પંડિત કેવી રીતે સતાધારી પક્ષની કઠપૂતળી બની ગયો હતો. વિકાસ દુબએ આ ફિલ્મ 100 વાર જોઈ હતી. આ બાબતની સ્થાનિક પત્રકારોએ માહિતી આપી હતી.

દુબેના સરેન્ડર પર પ્રશ્ર્નો પેદા કરનાર વિપક્ષે હવે એન્કાઉન્ટર પર સવાલો ઉઠાવ્યા
લોકોને શંકા જ હતી કે દુબેનું એન્કાઉન્ટર થશે: કોંગ્રેસ : ન્યાય દેવાનું કામ પોલીસનું નહી, અદાલતનું: ટીએમસી
કાનપુર: ગેંગસ્ટર વિકાસ દુબેના શરણાગતિ પર સવાલ ઉઠાવનાર વિપક્ષોએ હવે વિકાસ દુબેના એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવ્યા છે.
ઉતરપ્રદેશના પુર્વ સીએમ અખિલેશ યાદવે દુબેના એન્કાઉન્ટર પર એવો કટાક્ષ કર્યો હતો કે ખરેખર તો કાર નથી પલ્ટી પરંતુ રહસ્ય ખુલે તે પહેલા સરકારને પલટતી બચાવાઈ છે. વિકાસ દુબેના એન્કાઉન્ટર પર કોંગ્રેસે પૂછયું હતું કે દુબે ભાગવાનો જ હતો તો સરેન્ડર શા માટે કર્યું?
કોંગ્રેસના પ્રવકતા રણદીપસિંહ સુરજેવાલાએ જણાવ્યું હતું કે લોકોએ પહેલા જ આશંકા વ્યક્ત કરી હતી કે વિકાસ દુબેનું એન્કાઉન્ટર થશે. તેમણે ઉતરપ્રદેશ સરકાર અને પોલીસને કેટલાક સવાલો કર્યા છે. જયારે બસપા સુપ્રીમો માયાવતીએ વિકાસ દુબેના એન્કાઉન્ટરની સુપ્રીમ કોર્ટની નજર હેઠળ તપાસની માંગ કરી છે, જયારે ટીએમસીના લોકસભા સાંસદ પહુઆ મોઈત્રાએ જણાવ્યું હતું કે પોલીસનું કામ ન્યાય આપવાનું નથી.તેમણે જણાવ્યું હતું કે ભાજપ સરકાર બન્નેમાં ક્ધફયુઝ થઈ રહી છે. મધ્યપ્રદેશના કોંગ્રેસના રાજયસભા સાંસદ વિવેદ તનખાએ કહ્યું હતું કે વિકાસ મરવાને લાયક હતો પણ તેને અદાલતના આદેશ પર તેને ફાંસી થવી જોઈતી હતી. વરિષ્ઠ કોંગ્રેસ નેતા દિગ્વીજયસિંહે દુબેના એન્કાઉન્ટર પર ન્યાયિક તપાસની માંગ કરી હતી. જયારે કુમાર વિશ્ર્વાસે એન્કાઉન્ટરને ફિલ્મી સ્ક્રીપ્ટ ગણાવી હતી.


Related News

Loading...
Advertisement