લૂંટો ભાઇ લૂંટો : 10 દિવસમાં પોલીસે 1.04 કરોડનો દંડ વસૂલ્યો

10 July 2020 06:06 PM
Rajkot Crime
  • લૂંટો ભાઇ લૂંટો : 10 દિવસમાં પોલીસે 1.04 કરોડનો દંડ વસૂલ્યો

જાહેર સ્થળોએ માસ્ક ન પહેરનાર અને જીંકનાર 52129 લોકો પોલીસ ઝપટે ચડયા : અનલોક-2માં 609 જાહેરનામા ભંગના ગુના નોંઘ્યા : 4652 વાહનો ડીટેઇન કર્યા : વારંવાર માસ્ક વગર નીકળતા 237 સામે ફોજદારી કાર્યવાહી : લોકડાઉનથી સામાન્ય લોકોના ધંધા-રોજગાર ઠપ્પ : સરકારી તિજોરીમાં જંગી આવક

રાજકોટ તા.10
લોકડાઉનના લીધે એક તરફ લોકોના ધંધા રોજગાર ઠપ છે.લોકોની આર્થિક સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે, કેટલાક હતાશાની ગર્તામાં ધકેલાઈ આપઘાતનો માર્ગ અપનાવતા થઈ ગયા છે.તો બીજી તરફ જાહેરમાં થુંકવા અને માસ્ક ન પહેરવા જેવા ગંભીર" ગુનાને પોલીસે કડક હાથે કામગીરી કરી માત્ર દશ દિવસમાં જ રૂ.1.04 કરોડ ખંખેરી લીધા છે.

આજરોજ પોલીસ દ્વાર અનલોક 2 દરમિયાન કરેલી કાર્યવાહીની આંકડાકીય વિગતો જાહેર કરવામાં આવી હતી જેમાં માસ્ક અને જાહેરમાં થુંકવા અંગેના કેસ અને તેના થકી પોલીસે ઉઘરાવેલા દંડની રકમ સૌ કોઈની આંખો ચાર કરી દે તેવી છે. સરકાર દ્વારા તા 1/7 થી અનલોક 2 જાહેર કરવામાં આવ્યું છે.જેને આજે દશ દિવસ થયા છે.આ દશ દિવસ દરમિયાન પોલીસે રાત્રી કરફયુ, જાહેરમાં માસ્ક ન પહેરવા તથા જાહેરમાં થુંકવા જેવી બાબતો અંગે કડક કાર્યવાહી કરી હતી.

પોલીસે અનલોક 2 દરમિયાન જાહેરનામાભંગના કુલ 609 કેસ કર્યા છે.જેમાં કુલ 4652 વાહનો ડિટેઇન કર્યા છે.તેમજ જાહેર સ્થળે માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થુંકનાર કુલ 52,229 લોકો પોલીસ ઝપટે ચડી ગયા હતાં.પોલીસે દશ દિવસમાં માસ્ક અને જાહેરમાં થુંકવા બદલ કુલ રૂ.1,04,45,800 નો દંડ વસુલ્યો છે.

આ ઉપરાંત સરકાર દ્વારા જાહેરમા કરવામાં આવેલી માર્ગદર્શિકાનો પોલીસ દ્વારા કડક અમલ કરાવવમાં આવી રહ્યો છે. જેમાં જાહેરમાં માસ્ક ન પહેરી વાંરવાર નિકળનારા 237 લોકો સામે પોલીસે ફોજદારી કાર્યવાહી કરી છે.તેમજ આગામી સમયમાં પણ જાહેરનામાંનું ચુસ્તતાપૂર્વક પાલન કરવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું છે.

નિયમનું પાલન કરાવવું એ પોલીસની ફરજ છે તેમાં કોઈ બેમત નથી પણ લોકોની સ્થિતિ સમજવાની વિવેકબુદ્ધિ રાખવી પણ તેટલી જ જરૂરી છે હાલના દિવસોમાં લોકો આર્થિક રીતે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તો સાથોસાથ કોરોનાના સતત વધતા કેસથી લોકો ભયભીત છે.આવી નાજુક સ્થિતિમાં પણ પોલીસ દ્વારા નિયમોનું અમલવારીના નામે ફક્ત દશ દિવસમાં કરોડનો દંડ વસૂલી લેવાઈ તે બાબત કેટલી હદે યોગ્ય છે તેવો શહેરના પ્રબુદ્ધ નાગરિકોમાં પ્રશ્ન ઉઠવા લાગ્યા છે.


Related News

Loading...
Advertisement