રાજકોટ: આવતા અઠવાડિયાથી 115 બેડની ક્ષમતા સાથે ચાર નવી પ્રાઇવેટ કોવિડ હોસ્પિટલ

10 July 2020 05:46 PM
Rajkot Saurashtra
  • રાજકોટ: આવતા અઠવાડિયાથી 115 બેડની ક્ષમતા સાથે ચાર નવી પ્રાઇવેટ કોવિડ હોસ્પિટલ

રાજકોટમાં સતત વધતા કેસને લઇને સરકાર અને તંત્રમાં ભારે ચિંતા

*પરમ અને સ્ટાર હોસ્પિટલ ફુલ : ક્રાઇસ્ટમાં પણ સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ આવે છે રાજકોટ સિવિલમાં શહેર અને ગ્રામ્યના 195 દર્દીઓથી ભરાઈ ગઈ
*સોમવારથી ગોકુલ હોસ્પિટલ, મંગળવારથી મેડીસર્જ- સાર્થક - જીવનદીપ દ્વારા એક હોસ્પિટલ અને સ્ટર્લિંગ, ગુરુવારથી વોક હાર્ટ મળીને ચાર નવી હોસ્પિટલ હોસ્પિટલ કાર્યરત થશે
*શહેરની જૂની અથવા હાલ બંધ પડેલ હોસ્પિટલનું નવનિર્માણ કર્યા બાદ આધુનિક સાધનો અને ICMR ગાઈડ લાઈન મુજબ નવી કોવિડ હોસ્પિટલ શરૂ થશે જેનું સંચાલન શહેરની નામાંકિત હોસ્પિટલો કરશે

રાજકોટ તા.10
શહેર અને જિલ્લામાં સતત વધતા કેસને લઇને સરકાર અને તંત્રમાં દોડધામ મચી ગઇ છે. શહેરમાં ગઇકાલે 26 કેસ આવતા સાથે અત્યાર સુધીનો કુલ આંકડો 320 કેસે પહોંચ્યો છે જ્યારે શહેર અને ગ્રામ્ય સહિત રાજકોટ જિલ્લાનો આંકડો 500 ઉપર પહોંચી ગયો છે.

સતત વધતા કેસને કારણે રાજકોટની સિવિલ હોસ્પિટલ સહિત ત્રણ અન્ય પ્રાઇવેટ કોવિડ હોસ્પિટલ પણ કાર્યરત છે. સીનર્જી હોસ્પિટલ સંચાલિત સ્ટાર (40 બેડ), ગિરિરાજ હોસ્પિટલ સંચાલિત પરમ (30 બેડ) અને ક્રાઈસ્ત હોસ્પિટલ નો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લા સાથે સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, મોરબી ના પણ દર્દીઓ રાજકોટમાં સારવાર માટે આવે છે તેથી રાજકોટમાં હવે કોરોના હોસ્પિટલો ફુલ થઈ છે.

રાજકોટ જિલ્લા કલેકટરે તાકીદે બેઠક બોલાવી શહેરના ડોક્ટર્સ ને નવી કોવિડ હોસ્પિટલ ચાલુ કરવા કહ્યું જેથી આવતા અઠવાડિયાથી નવી ચાર કોવિડ હોસ્પિટલો શરૂ થશે.

1. મેડીસર્જ - જીવનદીપ - સાર્થક દ્વારા સંચાલિત શ્રેયસ કોવિડ હોસ્પિટલ (28 બેડ)
ડો.વલ્લભ કથીરીયા ની જૂની શ્રેયસ હોસ્પિટલ જે વિદ્યાનગર મેઈન રોડ પર આવેલ છે તે મેડિસર્જ - સાર્થક અને જીવનદીપ ગ્રુપ દ્વારા સંચાલન કરવામાં આવશે. શ્રેયસ કોવિડ હોસ્પિટલ 28 બેડ ની રહેશે. આ હોસ્પિટલ મંગવર થી શરૂ થશે. ડો.અંકુર વર્શાની, ડો.તુષાર પટેલ, ડો.અમિત પટેલ, ડો.અમિત વસાણી, ડો.રિતેશ મારડિયા , ડો.અમિત રૂપાલા અને ડો.પુનિત થોરિયા ની ટીમ હાજર રહેશે.

2. ગોકુલ હોસ્પિટલ દ્વારા સંચાલિત ઉદય ઓનકો હોસ્પિટલ (25 બેડ)
સોમવારથી શરૂ થશે. ડો.પ્રકાશ મોઢા ની ટીમ સતત કાર્યરત રહેશે. 25 બેડ ની હોસ્પિટલ. વિદ્યાનગર મેઈન રોડ અને રાષ્ટ્રીય શાળા પાસે આવેલ ઉદય ઓનકો હોસ્પિટલ ને કોવિડ હોસ્પિટલ તરીકે ચાલુ કરાશે.

3. સ્ટર્લિંગ દ્વારા સંચાલિત કર્મયોગ હોસ્પિટલ (32 બેડ)
મંગળવારથી વિદ્યાનગર મેઇન રોડ પર આવેલ ડો.વરસાણીની કર્મયોગ હોસ્પિટલને સ્ટર્લિંગ દ્વારા સંચાલન કરવામાં આવશે અને 32 બેડની કોવીડ હોસ્પિટલ બનશે. ડો.સંકલ્પ વણઝારા અને તેમની ટીમ અહી કાર્યરત રહેશે. કર્મયોગ હોસ્પિટલમાં ચાર આઇસીયુ અને 6 એચડીયુ સહિતના બેડ ઉપલબ્ધ રહેશે.

4. વોકહાર્ટ હોસ્પિટલ સંચાલિત મંગલમ હોસ્પિટલ (30 બેડ)
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર પીપલ્સ કો.ઓ.બેંકની બાજુમાં આવેલ મીની મંગલમ હોસ્પિટલને ગુરૂવારથી કોવીડ હોસ્પિટલ તરીકે શરૂ કરાશે. જેનું સંચાલક વોકહાર્ટ હોસ્પિટલ કરશે. આ હોસ્પિટલમાં 30 બેડની સુવિધા રહેશે. ડો.ચિરાગ માત્રાવાડીયા, ડો.ભૂમિ દવે, ડો.મિલન ભંડેરી તથા ડો.સમીર પ્રજાપતિ સહિતની અનુભવી ટીમ દ્વારા કોરોનાની સારવાર કરવામાં આવશે.

આ રીતે વધતા કોરોના કેસના કારણે શહેરમાં આવતા અઠવાડીયાથી 4 અલગ-અલગ હોસ્પિટલમાં કુલ મળીને 115 બેડની હોસ્પિટલ શરૂ થશે.


Related News

Loading...
Advertisement