ભાજપના સંગઠન માટે કેન્દ્રીય મંત્રીમંડળમાંથી ચહેરાઓને લેવા માટે ભાજપમાં દ્વીધા

10 July 2020 04:01 PM
India Politics
  • ભાજપના સંગઠન માટે કેન્દ્રીય મંત્રીમંડળમાંથી ચહેરાઓને લેવા માટે ભાજપમાં દ્વીધા

વાજપેયી અને મોદી વન સરકાર સમયે જે ટેલેન્ટની હારમાળા હતી તેનો હવે અભાવ : કોરોનાકાળમાં નાણામંત્રી નિર્મલા સીતારામન કોઈ ફર્ક પાડી શકયા નથી: વિદેશ મંત્રાલયમાં પણ કેરીયર ડીપ્લોમેટ પર જ આધાર : સંરક્ષણ મંત્રી તરીકે રાજનાથની ક્ષમતા મર્યાદીત: સંસદીય બાબતોમાં પણ અગાઉ જેટલી અને અનંથકુમાર બાજી સંભાળી લેતા હતા : જેટલી, સુષ્મા, અનંથકુમારની વિદાય અને વેંકૈયા નાયડુ ઉપરાષ્ટ્રપતિ બનતા સરકારમાં પીએમ, ગૃહમંત્રી બાદ મોટા શૂન્યાવકાશ જેવી સ્થિતિ : હાલ આખી સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર જ ચાલે છે : સંગઠનમાં નવા ચહેરા માટે સંઘ ભણી નજર: રાજયોમાંથી કેટલાક નેતાઓને કેન્દ્રીય સ્તરે અપગ્રેડ કરાશે

નવી દિલ્હી તા.10
કેન્દ્રની મોદી સરકાર અને ભારતીય જનતા પક્ષ કોરોના કાળમાંથી બહાર નીકળીને હવે લાંબા સમયથી પેન્ડીંગ રહેલા કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલ તથા ભાજપના સંગઠનમાં પણ બદલાવ માટે આગળ વધી રહેલા ભાજપમાં જો કે સરકારમાંથી કોઈને સંગઠનમાં લેવા કે કેમ તે અંગે નવો પ્રશ્ન સર્જાયો છે. એક તરફ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાએ હવે છેક જીલ્લાથી લઈને ઉપરી સ્તર સુધી યુવા નેતૃત્વ અને નવી કેડરને સ્થાન આપવા માટે જાહેરાત કરી છે અને એક સંકેત એવો આપ્યો હતો કે સરકારમાં બેસેલા કેટલાક લોકોને સંગઠનમાં સ્થાન આપી શકાય છે.

પરંતુ ભાજપના એક સીનીયર નેતાએ સ્પષ્ટ મંતવ્ય વ્યક્ત કરતા કહ્યું કે સરકારમાં એક તરફ કાબેલ અને ટેલેન્ટેડ લોકોની કમી છે અને તેમાં પણ જો કોઈ સીનીયરને સંગઠનમાં સ્થાન અપાય તો સરકાર માટે વધુ મુશ્કેલી સર્જાય તેમ છે. જયારે સંગઠનમાં પક્ષ જો યોગ્ય રીતે તપાસે તો સક્ષમ લોકો મળી શકે તેમ છે. કેન્દ્રમાં મોદી સરકારના આગમન પછી સરકારના ટ્રબલ શુટર રહેલા અરુણ જેટલી ઉપરાંત સુષ્મા સ્વરાજ તથા અનંથકુમાર જેવા કાબેલ વ્યક્તિઓ દીવંગત થતા તેમના સ્થાન ખાલી પડયા છે. ઉપરાંત વેંકૈયાનાયડુ ઉપરાષ્ટ્રપતિ બનતા સરકારમાં તેમના જેવા અનુભવી લોકોની પણ ખોટ વર્તાઈ રહી છે.

જો કે બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહનું આગમન થતા વડાપ્રધાન માટે એક મોટી રાહત થઈ છે. પરંતુ અમીત શાહને સરકાર અને સંગઠન બંને બાજુ ચિંતા કરવી પડે તેમ છે. વર્તમાન પ્રમુખ જે.પી.નડ્ડાએ બીજા અમિત શાહ બનશે તેવી જે અપેક્ષા હતી તે ચાર માસમાં સફળ થઈ નથી અને અનેક રાજકીય નિર્ણયોમાં અમિત શાહને વારંવાર દરમ્યાનગીરી કરવી પડે છે તો બીજી તરફ સરકારમાં નાણામંત્રી નિર્મલા સીતારામનનું પર્ફોમન્સ 100 ટકાનું નથી અને ખાસ કરીને હાલ જયારે મંદી અને કોરોના જેવી કટોકટી છે તે સમયે અર્થતંત્રની ચિંતા વધુ છે અને તેમાં સીતારામનનો ચમકારો જોવા મળ્યો નથી અને તેથી જ વારંવાર આઈસીઆઈસીઆઈ બેન્કના પુર્વ વડા જે.વી.કામથનું નામ દેશના નવા નાણામંત્રી તરીકે ચર્ચવામાં આવે છે.

ભૂતકાળમાં સરકારમાંથી હાવર્ડના અનેક નિષ્ણાંતો એક બાદ એક છોડી ગયા અને સરકારે ઉર્જીત પટેલને પાછા બોલાવવા પડયા છે તો વિદેશ મંત્રાલયમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડોમીનેટ કરે છે. પરંતુ તેમની એક મર્યાદા છે અને તેથી જ કેરીયર ડીપ્લોમેટ એસ.જયશંકરને નવા વિદેશ મંત્રી બનાવવાની ફરજ પડી છે અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભલ પાડોશી દેશો સાથેના સંબંધોની ચિંતા કરે છે. વાજપેયી સરકારમાં ભાજપ પાસે ટેલેન્ટની જે હારમાળા હતી તે હાલ રહી નથી.

વાજપેયી ખુદ વિદેશી બાબતોના જાણકાર હતા તો ગૃહમંત્રી તરીકે એલ.કે.અડવાણીએ બાજી સંભાળી લીધી હતી પરંતુ વર્તમાન સરકારનો એજન્ડા જુદો છે અને તેથી જ ગૃહમંત્રાલયના નિર્ણયોનો જે વિવાદ થાય છે તેને અમીત શાહે સતત હેન્ડલ કરવો પડે છે. હવે મંત્રીમંડળમાં ફેરફારમાં જો સક્ષમ લોકોને સંગઠનમાં લઈ જવાય તો સરકાર માટે કોઈ કેરીયર પ્રોફેશનલને લેવા સિવાય વિકલ્પ રહેશે નહી.

જયોતિરાદીત્ય સિંધીયા રાજકીય કારણોસર કેબીનેટ મંત્રી બનશે તો બીજી તરફ સંગઠનમાં જે.પી.નડ્ડાને પોતાની ટીમ આરએસએસના આધારે પસંદ કરવી પડશે તેમ મનાય છે અને તેથી જ મોદી સરકારમાં ફેરફાર થશે તો પણ તે મર્યાદીત જ હશે તેવુ માનવામાં આવે છે. ભાજપને આગામી સમયમાં તેના પ્રચાર મીડીયાને પણ વધુ તેજ બનાવવું પડશે. ખાસ કરીને ચૂંટણીઓ આવી રહી છે અને વિપક્ષના હુમલા વધી ગયા છે.

દરેક સમયે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ પ્રતિભાવ આપે અને તેના બદલે પક્ષનું મીડીયા સેલ તેનું અસરકારક રીતે મુકાબલો કરે તે મહત્વનું બની રહેશે. પક્ષને સંગઠનમાં નવા ચહેરાની જરૂર છે અને તે માટે હવે રાજયકક્ષાએ જે સારા અને સક્ષમ સંગઠનકાર તરીકે ઉપસ્યા છે તેમાંથી કેટલાકને સાથે લે તેવી ધારણા છે.


Related News

Loading...
Advertisement