રાજકોટમાં બપોર સુધીમાં નવા 19 કેસ: શંકાસ્પદ દર્દીનું મોત

10 July 2020 03:55 PM
Rajkot Saurashtra
  • રાજકોટમાં બપોર સુધીમાં નવા 19 કેસ: શંકાસ્પદ દર્દીનું મોત

રાજકોટ શહેરનાં 13 ઉપરાંત નવાગામ-મોટામવાના ત્રણ તથા ગોંડલ-પડધરી-લોધીકામાં એક-એક કેસ: રાજકોટ સીટીનાં કુલ કેસ 333 : ગાયત્રીનગરની મહિલાએ કોરોના રીપોર્ટ આવે તે પૂર્વે જ દમ તોડયો

રાજકોટ તા.10
રાજકોટમાં કોરોનાનાં પ્રકોપમાં કોઈ રાહત ન હોય તેમ આજે વધુ 13 કેસ નોંધાયા છે.સતાવાળાઓએ જોકે આડકતરી સેન્સરશીપ લાગુ પાડી દીધી હોવાથી નામ-સરનામા જાહેર કરવાનું ટાળવામાં આવે છે.માત્ર સાંજે એક જ વખત યાદી જાહેર કરવાનો નિયમ બનાવાયો છે.

શહેરમાં 13 ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ 6 કેસ નોંધાયા છે તેમાં ત્રણ રાજકોટ તાલુકાનાં જ અને શહેરની ભાગોળે આવેલા નવાગામ તથા મોટામવાનાં છે.જયારે અન્ય ત્રણ કેસ ગોંડલ-લોધીકા તથા પડધરીનાં છે. રાજકોટ ગ્રામ્યમાં કોરોના કેસની કુલ સંખ્યા 257 થઈ છે જયારે રાજકોટ શહેરનો આંક 333 પર પહોંચ્યો છે.

રાજકોટ શહેર ગ્રામ્યમમાં નવા 19 કેસ વચ્ચે એક શંકાસ્પદ દર્દીનું મોત પણ નિપજયુ હતું. ભકિતનગર સર્કલ પાસે ગાયત્રીનગરમાં રહેતા પુષ્પાબેન ધનજીભાઈ ગોહેલ નામક 65 વર્ષનાં મહિલાને શંકાસ્પદ લક્ષણો જણાતાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. પરંતુ તેમનો રીપોર્ટ આવ્યા પૂર્વે જ મોત નિપજયુ હતું. ગઈકાલે પણ શંકાસ્પદ વૃદ્ધનું રીપોર્ટ આવ્યા પૂર્વેજ મોત નિપજયુ હતું.

રાજકોટમાં કોરોનાનાં નવા કેસ તથા મોત ઢાંકવા માટે શાસકો-તંત્ર દ્વારા ઘણા ધમપછાડા કરવામાં આવી રહ્યા છે. નવા કેસની સંખ્યા એક જ વખત જાહેર કરવાનું નકકી કરાયુ છે જયારે કોરોના દર્દીનું મોત થવાનાં સંજોગોમાં તબીબી ઓડીટ બાદ જ તે જાહેર કરવાનું નકકી થયુ છે.

રાજકોટ શહેરનાં અત્યાર સુધીમાં 5304 ટેસ્ટ થયા છે. જીલ્લામાં ટેસ્ટનો આંકડો 5344 છે. રાજકોટ લેબમાં અત્યાર સુધીમાં કુલ 1154 ટેસ્ટ થયા છે તેમાં બીજા જીલ્લાનાં દર્દીઓનો પણ સમાવેશ થઈ જાય છે. રાજકોટ લેબ મારફત જાહેર થયેલા શહેર-જીલ્લાનાં અન્ય જીલ્લાનાં પોઝીટીવ કેસનો 703 નો થયો હતો.

કોરોના કેસની વધતી સંખ્યા વચ્ચે રાજકોટની કોવિડ હોસ્પીટલો પણ હાઉસફુલ થવા લાગી છે.એટલે સતાવાળાઓમાં નવી ફેસીલીટી શરૂ કરવાની દોડધામ છે. શહેરની પીડીયુ સરકારી હોસ્પીટલમાં આજે સવારની સ્થિતિએ 195 દર્દીઓ દાખલ હતા જયારે 24 શંકાસ્પદ દર્દી હતા.


Related News

Loading...
Advertisement