પેન્ડેમિક દરમિયાન આપણે અજાણતાં જ એક સાપ ઉછેરી રહ્યા છીએ!

09 July 2020 11:44 AM
Health India
  • પેન્ડેમિક દરમિયાન આપણે અજાણતાં જ એક સાપ ઉછેરી રહ્યા છીએ!
  • પેન્ડેમિક દરમિયાન આપણે અજાણતાં જ એક સાપ ઉછેરી રહ્યા છીએ!
  • પેન્ડેમિક દરમિયાન આપણે અજાણતાં જ એક સાપ ઉછેરી રહ્યા છીએ!

કોરોના વાયરસ પર એન્ટિબેક્ટેરિયલ દવાઓની અસર નથી થતી, આપણે જાણીએ છીએ. પરંતુ એ અર્ધસત્ય છે. જ્યારે પણ વાયરલ ઇન્ફેક્શનની વાત આવે ત્યારે આપણે એન્ટિબેક્ટેરિયલ ડ્રગ્સને યાદ કરવા જ પડે. દરેક વાયરસ માનવશરીરની રોગપ્રતિકારક શક્તિને નબળી પાડવા માટે સક્ષમ છે. ઇન્ફેક્શનને કારણે બેક્ટેરિયાને પણ શરીરમાં ઘર કરવાની પરવાનગી મળી જાય છે. આથી ઊલમાંથી ચૂલમાં પડવા જેવુ ન થાય એ માટે ડોકટર્સ દર્દીને એન્ટિબેક્ટેરિયલ દવા આપે છે.

કોરોના પહેલાના સમયમાં આપણે દવાનો બેફામ ઉપયોગ કરી રહ્યા હતા. જેનાથી ટેવાઈ જવાને કારણે બેક્ટેરિયા પણ નિંભર બનવા લાગ્યા હતા. કોરોનાકાળમાં આ સમસ્યાને અનિચ્છાએ પણ જબરદસ્ત પ્રોત્સાહન મળ્યું છે. આગામી સમયમાં આપણે કદાચ કોરોનાની રસી તો શોધી લઈશું પણ એન્ટિબેક્ટેરિયલ દવાઓની નિરર્થક બનવાની પ્રક્રિયા વધુ ઝડપી બની જશે, જેને લીધે બેક્ટેરિયાને કારણે ફેલાવા જઈ રહેલા ‘સાયલન્ટ પેન્ડેમિક’નો ખતરો તલવારની માફક માનવજાત પર તોળાઈ રહ્યો છે.

2009ની સાલમાં ફેલાયેલા H1N1 ઇન્ફ્લુએન્ઝા વાયરસને કારણે થનારા મોતના આંકડા પર નજર કરીએ તો સમજાય કે, ઘણા ખરા (29 થી 55 ટકા) લોકોએ ઇન્ફેક્શનની સાથોસાથ લાગુ પડેલા બેક્ટેરિયલ ન્યુમોનિયાથી પ્રાણ ગુમાવ્યા હતાં. હાલ આપણે ફક્ત કોરોના સામે નથી ઝઝૂમી રહ્યા! કોરોના સંક્રમિત દર્દીને આપવામાં આવી રહેલી ભરપૂર દવા અને ઈંજેક્શન એમના શરીરને બેક્ટેરિયા સામેની જંગમા નબળું પાડવાનું કામ કરી રહ્યા છે. ભવિષ્યમાં આ પ્રકારના દર્દીઓ માટે નવી એન્ટિબેકટેરિયલ દવાની શોધ કરવી જરૂરી બની ગઈ છે.

કોરોનાકાળ માનવજાતને ઘણું શીખવીને જશે એ નક્કી છે. વિશ્વના પ્રત્યેક દેશો હાલ પીપીઈ કિટનો ઇસ્તેમાલ કરી રહ્યા છે, જે સમયની માંગ હોવાથી એમાં કશું ખોટું નથી. પરંતુ ક્યારેય એ વિચાર્યું છે કે આટઆટલા પ્લાસ્ટિકનો નિકાલ આપણે કઈ રીતે કરીશું? ધરતી પહેલેથી જ પ્લાસ્ટિકના પહાડો ઊભા થઈ ગયા છે. સમુદ્રના જીવો પણ એના કારણે મરી રહ્યા છે. કોરોનાનો ખતરો ટળી ગયા પછી તેની આફ્ટર-ઇફેક્ટ કુદરતને વધુ મલિન કરવાનું કામ ન કરે એ જોવાની જવાબદારી આપણા સૌની છે.

આલેખન-પરખ ભટ્ટ : એક સમય એવો હતો, જ્યારે આપણું માનવશરીર એવા ઘટકતત્વો ધરાવતું હતું જે બેક્ટેરિયા સામે લડવા માટે સક્ષમ હતું. નાના-મોટા કોઈપણ પ્રકારના ઇન્ફેક્શન સામે લડવા માટે દવા લેવાની જરૂરિયાત નહોતી. પાછલા કેટલાક દાયકાઓમાં આં ચિત્ર બદલાયું છે. રોગને મટાડવા કે પછી તાવ-શરદી જેવા સામાની દર્દમાથી બેઠા થવા માટે આપણે આડેધાડ દવાઓ લેવાનું શરૂ કર્યું. ફાર્માસ્યુટીકલ કંપનીઓને પણ જાણે છુટ્ટોદોર મળી ગયો. દરેક જીવ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઉત્ક્રાંતિ પામે છે. બેક્ટેરિયાએ પણ એમ જ કર્યું. ધીરે ધીરે દવાઓ સામે એમણે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાનું શીખી લીધું. આજે વિશ્વભરના વૈજ્ઞાનિકો સામે એ પ્રશ્ર્ન મોઢું ફાડીને ઊભો છે કે બેક્ટેરિયા સામે દવાની અસરકારકતા જ ખત્મ થઈ ગઈ તો શું કરીશું? તાત્કાલિક નવી દવા ક્યાંથી શોધીશું? મોટા જથ્થામાં એનું પ્રોડકશન કઈ રીતે કરીશું? એકસામટા અનેક રોગો માટેની દવા નિરર્થક બની ગઈ તો શું કરીશું?

આ ચિંતાનું મુખ્ય કારણ કોરોના છે. એવું નહોતું કે કોરોના પહેલા સંશોધકોને આ ચિંતા નહોતી સતાવતી. ચિકિત્સકો આ અંગે પહેલેથી જ ચિંતિત હતા. પરંતુ કોરોનાકાળની વખતે એમાં વધારો થયો. સંક્રમિત દર્દીને અપાતી પુષ્કળ દવા આની પાછળ જવાબદાર છે. પોતાના સૂટ વગર જેમ આયર્નમેનની સુરક્ષા અડધી થઈ જાય છે, એવી જ રીતે માનવશરીરની રોગો સામેની શક્તિ લગભગ અડધી થવા જઈ રહી છે. દવા સામેની પ્રતિરોધકતા ધરાવતા બેક્ટેરિયાનું પ્રમાણ વધ્યું છે. (જેને અંગ્રેજીમાં સુપરબગ કહે છે.) તેઓ સતત અપડેટ થઈ રહ્યા છે. કોરોના વાયરસે એમની આ પ્રક્રિયા વધુ વેગવંતી બનાવી છે.

હવેના સમયમાં બેક્ટેરિયા તમારા શરીરમાં પોતાનું ઘર બનાવી શકે એવી સંભાવના અતિશય વધારે છે. એમાં પણ ખાસ કોરોનાનો સામનો કરીને આવેલા લોકોમાં તો ખાસ! કોરોના સંક્રમિત લોકોને ડોક્ટર્સ જે પ્રકારે દવા આપી રહ્યા છે, એ ચિંતાજનક છે. આપણે કેટલીક દવા અલગથી રાખવાની જરૂરિયાત હતી, જે પાછળથી બેક્ટેરિયા સામે લડવા માટે શરીરના કામમાં આવી શકે.

પહેલા તો બેક્ટેરિયા વિશે જરાક ઊંડાણમાં ઊતરીએ. વાયરસ પરોપજીવી છે. એટલે કે શરીરમાં પ્રવેશ્યા બાદ તે કોષોમાં ફેલાઈને શરીરમાં પોતાનું સ્થાન મજબૂત કરે છે. આપણું શરીર તેને માટે જીવતું જાગતું શ્વાસનતંત્ર છે. જ્યારે બેક્ટેરિયા પરોપજીવી નથી. આથી તેને અટકાવવા માટે, મારવા માટે દવાનો સહારો લેવામાં આવે છે. બીજી બાજુ, વાયરસને નાથવા માટે રસી એકમાત્ર ઉપાય છે. હવે કોરોનાકાળમાં શું થયું એના પર એક નજર કરીએ. જે લોકો વાયરસથી સંક્રમિત થતાં ગયા એમના જીવ બચાવવા માટે હોસ્પિટલ તરફથી ભરપૂર દવા આપવામાં આવી. કારણકે વાયરસ માણસના રોગપ્રતિકારક તંત્રને પણ નબળું પાડવાનું કામ કરે છે.

આથી જો દર્દીને દવા આપવામાં ન આવે તો વાયરસને કારણે નબળા પડેલા શરીરમાં બેક્ટેરિયલ હુમલો થવાની શક્યતા પણ વધી જાય છે. આથી ઊલમાથી ચૂલમાં પડ્યા જેવી સ્થિતિ સર્જાય છે. 2009ની સાલના સ્વાઇન ફ્લૂ વખતે સેક્ધડરી બેક્ટેરિયલ ન્યુમોનિયાને કારણે મૃત્યુ પામનારા લોકોની ટકાવારી 29 થી 55 જેટલી હતી!
પ્રિ-કોરોના યુગમાં ડોકટર્સની ચિંતામાં આ કારણોસર આજે વધારો થયો છે. કોરોનાની કોઈ ચોક્કસ સારવાર આપની પાસે ન હોવાથી ‘ટ્રાયલ અને એરર’ આધારે દર્દીને દવા આપવામાં આવી રહી છે. હોસ્પિટલનો પણ એક હેતુ છે : ગમે તે ભોગે દર્દીની જાન બચાવો! જોકે, સાંપ્રત સમયની જરૂરિયાત પણ આ જ છે. એમાં કશું ખોટું નથી. પરંતુ ભારત જેવા વિકાસશીલ દેશોમાં આ સમસ્યા વકરી રહી છે. આપણે ત્યાં તો આમ પણ લોકો પ્રિસ્ક્રીપ્શન વગર દવા લઈ લેતા હોય છે. કોરોનાથી બચવા માટે ઘણા લોકોએ જેમ ફાવે એમ તાવ-શરદી-ઉધરસ સામેની દવાનું સેવન કર્યું છે.

અજાણતા અને અનિચ્છાએ પણ આપણે એક રાક્ષસને જન્મ આપી રહ્યા છે. કોરોના વાયરસે આપણું જેટલું ધ્યાન ખેંચ્યું છે એમાથી અડધું પણ કદાચ આ સમસ્યા પરત્વે નથી દોરાયું. દવા સામે પ્રતિરોધક બેક્ટેરિયા સામે પનારો પડવાનો શરૂ થયો પછી એ ક્યાં જઈને અટકશે એની આપણને કોઈ ખબર નથી. કોરોનાની રસી તો ચાલો કાલે શોધાઈ જશે, પણ અનેક રોગો સામે ઇમ્યુનિટી પ્રાપ્ત કરી ચૂકેલા બેક્ટેરિયાના સંક્રમણને અટકાવવા માટે રાતોરાત ઢગલાબંધ રોગોની ઢગલાબંધ દવાઓ ક્યાથી લાવીશું? વિચાર કર્યો છે? કોરોના સંક્રમિત માનવશરીર પર થનારા દવાના પ્રયોગો તેમજ તેની માત્રાને નિયંત્રિત કરવાની જરૂર છે. નહીતર એ ભવિષ્ય દૂર નથી, જ્યારે આપણી સામે નવી મુશ્કેલી ઊભી હોય! જોકે, જરૂરિયાત જ શોધની જનની છે. આથી જોવાનું એ રહ્યું કે આ સમસ્યાથી હેમખેમ પાર ઉતરવા માટે વિજ્ઞાનજગત કઈ નવી શોધ લઈને આવે છે!
bhattparakh@yahoo.com


Related News

Loading...
Advertisement