બોલીવુડનું હાસ્ય વિલાયુ : દાયકાઓ સુધી હસાવનાર ‘સુરમા ભોપાલી’ જગદીપનું નિધન

09 July 2020 10:43 AM
Entertainment India
  • બોલીવુડનું હાસ્ય વિલાયુ : દાયકાઓ સુધી હસાવનાર ‘સુરમા ભોપાલી’ જગદીપનું નિધન

50ના દાયકામાં ‘અફસાના’, ‘આરપાર’માં બાળ કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર જગદીપે ‘ભાભી’ ફિલ્મમાં દર્શકોને ભાવુક કરેલા, ત્યાર બાદ વર્ષો સુધી કોમેડિયન તરીકે રાજ કરેલું : ‘હમ પંછી એક ડાલકે’ તેમના કામને તત્કાલીન પીએમ નહેરુએ પણ વખાણેલું : હિન્દી સિનેમાના એક પછી એક ખરતા જતા સિતારા

મુંબઇ તા. 9
બોલીવુડમાં દાયકાઓ સુધી દર્શકોને હસતા રાખનાર કોમેડિયન જગદીપનું ગઇકાલે રાત્રે 8-40 વાગ્યે તેમના જ નિવાસે 81 વર્ષની વયે નિધન થયું છે.

ખાસ કરીને મેગા હિટ શોલેમાં સુરમા ભોપાલીના પાત્રમાં અવિસ્મરણીય છાપ છોડી જનાર જગદીપે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બાળ કલાકારથી અભિનયની કારકિર્દી શરૂ કરી હતી. કેટલીક ફિલ્મોમાં હીરો પણ હતા ત્યાર બાદ સફળતમ હાસ્ય કલાકાર તરીકે લાંબો સમય રહયા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ નિવૃત હતા.

અસલી નામ સૈયદ ઇશ્તિયાક અહમદ જાફરી હતું. તેમનો જન્મ 1939માં 29મી માર્ચે અમૃતસરમાં થયો હતો. તેમણે 400 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે શોલેમાં સુરમા ભોપાલીના પાત્રમાં જીવ રેડયા બાદ પુરાના મંદિર, અંદાજ અપના અપનામાં દર્શકોને ભરપૂર મનોરંજન કર્યું હતું.

જગદીપે ખુદે એક ફિલ્મ સુરમા ભોપાલીનું નિર્માણ કર્યું હતું, જેનું નિર્દેશન પણ તેણે જ કર્યું હતું.
જગદીપે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 1951માં બી.આર. ચોપડાની ફિલ્મ અફસાનામાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. આ ઉપરાંત ગુરુદત્તની આરપાર અને મિસ્ટર એન્ડ મિસીસ-55 તેમજ બીમલ રોયની દો બીઘા જમીનમાં પણ તેણે બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી.

યુવા વયે પણ તેમણે ભાભા જેવી ફિલ્મોમાં ગંભીર ભૂમિકા ભજવી હતી. હમ પંછી એક ડાલકે તેના કામને લોકોએ વખાણ્યું હતું. દેશના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પણ જગદીપના કામના વખાણ કર્યા હતા.

જગદીપની કોમેડી હિન્દી ફિલ્મોમાં તેના જમાનામાં અનિવાર્ય બની ગઇ હતી, તેમણે 400થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતુ.

જગદીપના પરિવારમાં તેમના પુત્રો જાવેદ જાફરી અને નાવેદ જાફરી ફિલ્મ અને ટીવી અંગે જોડાયેલા છે. જગદીપે નસીમ બેગમ, સુધ્રા બેગર અને નઝીમા સાથે લગ્ન કર્યા હતા. તેમને જાવેદ અને નાવેદ ઉપરાંત હુસેન જાફરી પુત્રો અને પુત્રીઓ શકીરા સૈફી અને મુસ્કાન જાફરી છે. જગદીપના નિધનની ખબર તેમના પુત્ર જાવેદ જાફરીએ ટ્વીટ દ્વારા કરી હતી.


Related News

Loading...
Advertisement