સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે મેઘરાજાની ધીંગી મહેર : નદીઓમાં પૂર

06 July 2020 05:28 PM
kutch Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે મેઘરાજાની ધીંગી મહેર : નદીઓમાં પૂર

અમરેલી, ભાવનગર, જામનગર, ગીર સોમનાથ જિલ્લામાં મેઘ મહેર અવિરત શરૂ : નદી-નાળા-તળાવો છલકાયા : ખેતરોમાં લહેરાતી મોલાતોને ફાયદો : હજુ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજકોટ તા.6
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મેઘમહેર સતત બીજા દિવસે શરૂ રહેતા નદી-નાળા ચેકડેમલો છલકાવા સાથે શહેરી-ગ્રામ્ય વિસ્તારના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. નદીઓ બે કાંઠે વહી રહી છે. વાવણી જોગ વરસાદ બાદ ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં વાવેતર બાદ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક એકથી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેરમાં ધોધમાર પાંચ ઇંચ ઉપરાંત વરસાદ નોંધાયો છે.

ગોંડલના પરબધામ, પરબવાવડી, દેવકી ગાલોલ, જેતપુર, વિરપુર પંથકમાં ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ઉપલેટા તાલુકામાં કોલકી, ભાયાવદર, ખીરસરા, મોજ ડેમ, વેણુ-2 ડેમ સાઇટ પર વરસાદ નોંધાયો હતો. કોલકી પોણો ઇંચ, મોટી પાનેલી બે ઇંચ, ખીરસરા ધેરીયા, દોઢ ઇંચ મોજ ડેમ પ મીમી વરસાદ વરસ્યો હતો. ઉપલેટા તાલુકામાં આજે સવારના 8 સુધીમાં 6 ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉપલેટા વેણુ-2 ડેમના 8 પાટીયા ખોલવામાં આવ્યા છે.

ધોરાજી, જસદણ, વિંછીયામાં સાર્વત્રિક-વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઇ છે. મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસતા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. વાંકાનેર તાલુકામાં પોણા ત્રણ ઇંચ, મોરબી તાલુકામાં પોણો ઇંચ, હળવદ અને માળીયા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વાંકાનેરમાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. ટંકારા તાલુકામાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો હતો.

રાણાવાવ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાણાવાવના ગોપાલપરા બરડા ડુંગર વિસ્તારમાં પાણી ભરાતા નીચાણવાળા મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. શહેરની નજીક આવેલી નદીમાં પૂર આવ્યું હતું.

ભાવનગર જિલ્લાનાં મહુવામાં ત્રણ ઇંચ, જેસરમાં એક ઇંચ, પાલીતાણા, તળાજા, ઉમરાળા, ગારીયાધાર, વલ્લભીપુર અને સિહોરમાં અડધાથી પોણો ઇંચ વરસાદ પડયો છે. ગોહિલવાડ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે ઝરમર ઝાપટાથી લઇ ત્રણ ઇંચ વરસાદ પડયો છે.

આજે સોમવારે સવારે છ વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાક દરમ્યાન જિલ્લાનાં ઉમરાળામાં 11 મીમી ગારીયાધારમાં 19 મીમી, ઘોઘામાં 3 મીમી, જેસરમાં 25 મીમી, તળાજામાં 10 મીમી ,પાલીતાણામાં 12 મીમી, ભાનગરમાં 1 મીમી , મહુવામાં 75 મીમી વલ્લભીપુરમાં 11 મીમી અને સિહોરમાં 16 મીમી વરસાદ નોંધાયો છે.

જયારે આજે સોમવારે સવારે 6 થી 8 બે કલાક દરમ્યાન ઉમરાળામાં 1 મીમી, ગારીયાધારમાં 11 મીમી ,ઘોઘામાં 4 મીમી, જેસરમાં 3 મીમી તળાજામાં 8 મીમી, પાલીતાણામાં 2 મીમી, ભાવનગરમાં 1 મીમી, મહુવામાં 7 મીમી વરસાદ નોંધાયો છે. હજુ પણ વરસાદી માહોલ હોય વધુ વરસાદની સંભાવના છે.
અમરેલી જિલ્લામાં રવિવારે સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓ સાથે દિવસ દરમ્યાન બે ઇંચથી લઇ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

ગઇકાલે રાત્રીનાં સમયે પણ ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ ચાલુ રહેવા પામ્યો હતો. આજે સવારે 6 વાગ્યે પૂરા થતાં છેલ્લા 24 કલાકમાં અમરેલીમાં 67 (318), ખાંભા 97(415), જાફરાબાદ 52 (255), ધારી 71(307), બગસરા 76(316), બાબરા 34(236), રાજુલા 63 (281), લાઠી 52(240), લીલીયા 47 (374), વડીયા 54(372) જયારે સાવરકુંડલા 58(296) મીમી વરસાદ નોંધાયો છે.

ગીર સોમનાથ જિલલામાં છ તાલુકાઓમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર અવિરત રહી છે. જિલ્લાના ગીર વિસ્તારોમાં પડેલા ભારે વરસાદથી નદી-નાળામાં નવા નીરની આવક થયેલ છે. આજે સવારે 6 સુધીમાં જિલ્લામાં ત્રણથી સાત ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સુત્રાપાડામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉના-ગીરગઢડા પંથકમાં 2 થી 3 ઇંચ વરસાદ વરસ્યો હતો.

રાવલ ડેમના 3 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે. મચ્છુન્દ્રી, રાવલ નદી, સાંગાવાડી નદી શાહી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. કોડીનાર પંથકમાં સતત ત્રીજા દિવસે પાંચ થી 6 ઇંચ વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા છે. નદી નાળા ચેકડેમોમાં નવા નીર આવ્યા છે.

જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જામજોધપુર સૌથી વધુ સવા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. કાલાવડ ચાર ઇંચ, ધ્રોલમાં સાડા ત્રણ ઇંચ, લાલપુર ત્રણ ઇંચ, જોડીયા પોણા બે ઇંચ, જામનગર દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રભરમાં સર્વત્ર વરસાદ નદી-નાળા તળાવો છલકાયા છે. સાથે નાના ચેકડેમો ઓવરફલો થયા છે. જળાશયોમાં નવા નીરની આવક થઇ રહી છે.


Related News

Loading...
Advertisement