માધાપરની ટીપી 38માં ‘મલાઈ’ ઉતારવા ચેતને ‘માનિતા’ને સલાહકાર બનાવી દીધા!

06 July 2020 05:16 PM
Rajkot Saurashtra
  • માધાપરની ટીપી 38માં ‘મલાઈ’ ઉતારવા ચેતને ‘માનિતા’ને સલાહકાર બનાવી દીધા!
  • માધાપરની ટીપી 38માં ‘મલાઈ’ ઉતારવા ચેતને ‘માનિતા’ને સલાહકાર બનાવી દીધા!

રૂડાના ચેરમેનને ઉઠા ભણાવી પોતાના ધાર્યા કામ કરાવવામાં ચેતનની ચાલાકી: સરકારના અડધો ડઝન ટાઉન પ્લાનીંગ ઓફિસરો હોવા છતાં રૂડાના સી.ઈ.ઓ.એ માધાપરની જ ટી.પી. કયા કારણોસર માનિતાને તાત્કાલીક અડધા લાખના પગારે નોકરીએ રાખ્યા? : અત્યારે જુદા-જુદા બે-ત્રણ ટી.પી.ઓ. અલગ-અલગ ટી.પી. સ્કીમ બનાવી રહ્યા છે; માધાપરની પણ ટી.પી. 28/1 તૈયાર થાય તેમ હતી જ છતાં પોતાના મળતીયા પાસે ટી.પી. ડ્રાફટ કરાવી લેતા ચકચાર

રાજકોટ તા.6
રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીની માધાપર ટીપી 38/1માં રૂડાના સીઈઓ ચેતન ગણાત્રાએ રાજકોટ શહેરમાં રાજય સરકારના જ અડધો ડઝનથી વધારે ટાઉન પ્લાનીંગ ઓફીસરો ફરજમાં હોવા છતાં પણ આઉટ સોર્સીંગથી ટીપીઓની સેવા લેવા માટે જાહેરાત બહાર પાડી પોતાના માનીતા અને નિવૃત થઈ ચૂકેલા એક ટીપીઓને મહિનો અડધો લાખ રૂપિયાનો બોજો ચડાવી તેની પાસે માધાપરની ટીપી 38/1માં પોતાને મનપડે તેવા ફેરફાર કરી ડ્રાફટ ફાઈનલ કરવા માટે કાર્યવાહી પૂર્ણ કરી દીધી હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. સલાહકારના નામે આટલા સરકારી ટીપીઓ હોવા છતાં પણ આઉટસોર્સીંગ કર્મચારીને શા માટે માત્ર માધાપર 38/1ની ટીપી માટે રોકવામાં આવ્યા તે પણ ચર્ચાનો વિષય બન્યો હોવાનું બહાર આવ્યું છે.

રૂડાના સીઈઓ ચેતન ગણાત્રાએ તાજેતરમાં અખબારમાં જાહેરાત આપી રૂડા વિસ્તારમાં અમલી કરનાર ટાઉન પ્લાનીંગ સ્કીમો બનાવવા અને આખરી કરવા આઉટ સોર્સીંગથી 30 વર્ષનો અનુભવ ધરાવતા તેમજ જુનીયર ટાઉન પ્લાનીંગ ઓફીસરનો દરજજા વાળી વ્યક્તિઓ માટે માસીક 50000ના પગારથી 11 માસના કરાર આધારીત હંગામી ધોરણે ભરતી કરવા માટે અરજીઓ મંગાવી હતી જેમાં રૂડામાં ફરજ બજાવી ચૂકેલા અગાઉના ઈન્ચાર્જ ટીપીઓને માધાપર 38/1ની ટીપીનું કામ કરાર આધારીત નોકરીએ રાખી ફાઈનલ કરાવી લીધુ છે.

ચેરમેન ઉદીત અગ્રવાલને આંખે પાટા બાંધી રૂડાના સીઈઓ ચેતન ગણાત્રાએ માધાપર 38/1 ટીપીને પોતાના માનીતા અને કહ્યાગરા ઈન્ચાર્જ અને કરાર આધારીત અધિકારી પાસે ડ્રાફટ તૈયાર કરાવી ફાઈનલ કરાવી લીધી છે.

રૂડાના સીઈઓ ચેતન ગણાત્રાએ માધાપર 38/1ની ટીપી માટે હવે 8 જુલાઈએ ઓનર્સ મીટીંગનો નાટક આદર્યુ છે જેમાં ગણ્યા ગાંઠયા 70 જેટલા આસામીઓને સુનાવણી માટે બોલાવવામાં આવ્યા છે. મળતી વિગત મુજબ આવા આસામીઓને આ ટીપીમાં કાંઈ લાગતુ વળગતુ ન હોવા છતાં પણ સીઈઓએ આવી કહેવાતી સુનાવણીનું નાટક કર્યુ છે. હકીકતમાં માધાપર 38/1 ટીપી રૂડાના સીઈઓ ચેતન ગણાત્રાએ ચાલાકી વાપરીને પોતાના માનીતા ઓફીસર પાસે તૈયાર કરાવી લીધી છે અને હવે ઓનર્સ હીયરીંગનું નાટક રચી પોતે ચોખ્ખા હોવાનો દાવો પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે.

દરમ્યાન જાણવા મળતી વિગત મુજબ રૂડાના સીઈઓ ચેતન ગણાત્રાએ માધાપર 38/1 ટીપીમાં પોતાને મન પડે તેવા અને મલાઈ ઉતરે તેવા ફેરફારો અગાઉથી જ કરી લીધા છે. માનીતા ઓફીસર પાસે 38/1 ટીપીનો ડ્રાફટ તૈયાર કરાવી લીધો છે. આ ડ્રાફટ સરકારમાં પરામર્શ માટે મોકલી આપવામાં આવશે. મોટાભાગે રાજય સરકાર જે ડ્રાફટ રજુ થાય છે તેમાં પરામર્શ સમયે કોઈ ફેરફાર કરવાનું વલણ ધરાવતી નથી. આ ડ્રાફટ મોટાભાગે ફાઈનલ થશે અને સીઈઓ ચેતન ગણાત્રા પોતાનું ધાર્યુ કરાવી લેશે અને આ ડ્રાફટ ટીપીમાં જે રજુ કર્યુ હશે તે મંજુર કરાવી મોટી મલાઈ તારવી લ્યે તેવા પણ સંકેતો જાણકાર વર્તુળો આપી રહ્યા છે.

સરકાર પાસે પોતાના ખુદના ટીપીઓ હોવા છતાં પણ સીઈઓ ચેતન ગણાત્રાએ ચેરમેન ઉદીત અગ્રવાલના આંખે પાટા બાંધી આઉટ સોર્સીંગ કર્મચારીને નોકરીએ રાખી માધાપર 38/1ની ટીપીનું કામ શા માટે સોંપ્યું. તદઉપરાંત ટીપીનો ડ્રાફટ તૈયાર કરી લેવામાં આવ્યો હોવા છતાં પણ જેને લાગતુ વળગતુ નથી તેવા 70 જેટલા ખેડુત ખાતેદારોને ઓનર્સ મીટીંગમાં બોલાવી શા માટે નાટક કરી રહ્યા છે તેવો પણ જાણકારો સવાલ ઉઠાવી રહ્યા છે. પોતાના માનીતા અધિકારીને નિવૃત થયા બાદ પણ રૂડા પાસે વિકાસકામો માટે પુરતુ ફંડ ન હોવા છતાં પણ રૂડા પર વર્ષે દહાડે છ લાખ રૂપિયાનો બોજો શા માટે રૂડાના સીઈઓ ચેતન ગણાત્રા લાદી રહ્યા છે.

આ પગારની રકમ સીઈઓ પાસેથી વસુલવી જોઈએ તેવી પણ કેટલીક વાત જાણકારો ઉચ્ચારી રહ્યા છે. આમ માધાપર ટીપી 38/1માં મોટી મલાઈ તારવવા રૂડાના સીઈઓ ચેતન ગણાત્રા પોતાની ચાલાકી વાપરી ઉંડી ચાલ ચાલી ચેરમેનના આંખે પાટા બાંધી પોતાના માનીતા કે જે હાલ નિવૃત થઈ ગયા છે તેને આઉટ સોર્સીંગથી 11 માસના કરારે નોકરીએ રાખ્યા છે તે મુદે પણ ભારે ચર્ચા ઉઠી હોવાનું જાણકારો પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે.

માધાપર-ઘંટેશ્વરમાં વિકાસકામો રૂડા પોતે કરશે તેવો દુરાગ્રહ શા માટે? કોન્ટ્રાકટરો પાસેથી મલાઈ ખાવી છે?
રાજકોટમાં નજીકના વિસ્તારોમાં આવેલા તેમજ આ અગાઉ રૂડામાં સમાવેશ કરવામાં આવેલા માધાપર, ઘંટેશ્વર, મોટામવા અને મુંજકાને રૂડામાંથી બાકાત કરી મહાનગરપાલિકામાં ભેળવી દેવા માટે રાજય સરકારે જાહેરનામુ બહાર પાડી દીધુ છે. તાજેતરમાં સીએમની ઉપરવટ જઈને રૂડાના સીઈઓએ જરૂરત ન હોવા છતાં પણ બોર્ડ બેઠક બોલાવી આ ચાર ગામને રૂડામાંથી બાકાત કરીને કોર્પોરેશનમાં ભેળવવાનો ઠરાવ કર્યો છે. આ વિસ્તારમાં રૂડાના અનેક કામો ચાલી રહ્યા છે ત્યારે આ કામો પણ મનપાને સોંપી દેવા જોઈએ પરંતુ માત્ર ગામ સોંપીને હાલમાં રૂડા દ્વારા ચાલી રહેલા આ ચાર ગામના વિકાસકામને રૂડાએ પોતા હસ્તક શા માટે રાખ્યા છે તે સવાલ વિચાર માંડી લ્યે તેવો મનાય છે.

રૂડાના આ ચાર ગામો સતાવાર રીતે મહાનગરપાલિકામાં ભેળવી દેવામાં આવ્યા છે ત્યારે આ વિસ્તારમાં ચાલતા વિકાસ કામો પણ કોર્પોરેશને કરવા જોઈએ તેવુ કોર્પોરેશનના અધિકારીઓ પણ માને છે. મનપા પાસે પુરતો સ્ટાફ તેમજ તમામ સાધન સગવડતાઓ પણ છે. રૂડા કરતા અનેકગણી સુવિધા મહાનગરપાલિકા ધરાવે છે. સાથોસાથ રૂડા કરતા સારી રીતે આ ગામમાં વિકાસકામો જે ચાલી રહ્યા છે તે મહાનગરપાલિકા સારી રીતે પુરા કરી શકે તેમ છે ત્યારે રૂડા દ્વારા આ ચાર ગામમાં જે કામો ચાલી રહ્યા છે તે પુરા કરવા માટે રૂડા શા માટે દુરાગ્રહ રાખે છે તેવી ચર્ચા ઉઠી છે. સાથોસાથ એક એવી પણ વાત ઉઠી છે કે આ ચાર કામોમાં જે કામો ચાલી રહ્યા છે અને કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે તેની સાથે રૂડાના સીઈઓ તેમજ ચેરમેનનું કોઈ શેટીંગ છે કે કેમ અથવા તો આ કામોમાંથી કોન્ટ્રાકટર પાસેથી મલાઈ તારવવી છે કે કેમ તેની પણ ચર્ચા જાણકારોમાં ચર્ચાઈ રહી છે.

સામાકાંઠાના આગેવાન-વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલ કન્યા રાશિનો કલાકાર માધાપર ટી.પી. પાછળનો ભેજાબાજ હોવાની ચર્ચા
રાજકોટના સામાકાંઠા વિસ્તારના એક કન્યા રાશિના અને અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલ આગેવાન માધાપરની 38/1 નંબરની ટીપીમાં પોતાનું મનધાર્યુ કરાતુ હોવાનું ચોંકાવનારી વિગતો જાણકાર વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. આ આગેવાન પડદા પાછળ રહીને પોતાના હિતને આગળ ધરી અધિકારીઓ પર રોફ છાંટી માધાપરની ટીપીમાં પોતાના રસ્તા કરાવતો હોવાની પણ વિગત બહાર આવી છે.

રાજકોટ નજીકના અને મહાનગરપાલિકામાં ભેળવી દેવામાં આવેલા માધાપરની ટીપી 38/1માં રૂડાના સીઈઓ ચેતન ગણાત્રાએ ચેરમેનને આંખે પાટા બાંધીને આ ટીપીનું કામ પોતાની રીતે કરાવ્યું છે. પરંતુ આ ટીપી ફાઈનલ કરવા માટે સામાકાંઠા વિસ્તારનો એક ટોચનો આગેવાન અને જુદી જુદી સંસ્થાઓ સાથે સંકળાયેલો કન્યા રાશિનો યુવક મુખ્ય ભેજાબાજ હોવાનું બહાર આવ્યું છે. આ આગેવાનની આ વિસ્તારમાં ઘણી બધી જમીનો આવેલી છે અને આ જમીનમાં પોતાને મનપડે તેવા તેમજ આર્થિક લાભ થાય તેવા ફેરફાર કરાવી આ આગેવાને સીઈઓના ખંભે બંધૂક રાખી ફોડી લીધુ છે અને સીઈઓ પણ પોતાની નોકરી જોખમમાં મુકી આ આગેવાનની વાતમાં આવી જઈ માધાપરની 38/1 નંબરની ટીપીમાં આ આગેવાનના કહેવા મુજબ ડ્રાફટ તૈયાર કરાવી રહ્યા હોવાનું બહાર આવતા ભારે ચકચાર જાગી છે.


Related News

Loading...
Advertisement