બેરોજગારોનું આંદોલન નિષ્ફળ બનાવવા 3 જિલ્લાની પોલીસને ગાંધીનગરમાં ઉતારાઇ

06 July 2020 04:44 PM
Ahmedabad Gujarat
  • બેરોજગારોનું આંદોલન નિષ્ફળ બનાવવા 3 જિલ્લાની પોલીસને ગાંધીનગરમાં ઉતારાઇ
  • બેરોજગારોનું આંદોલન નિષ્ફળ બનાવવા 3 જિલ્લાની પોલીસને ગાંધીનગરમાં ઉતારાઇ

લોકશાહી અધિકાર છીનવવા પોલીસશાહીનો ઉપયોગ

ગાંધીનગર તા.6
રાજ્યના શિક્ષિત બેરોજગાર યુવાનોના આંદોલનના પગલે ગાંધીનગર પોલીસ દ્વારા થ્રિ લેયર સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી.એટલું જ નહીં ચુસ્ત બંદોબસ્ત વ્યવસ્થામાં 4 પોલીસ અધિક્ષક સહિત 3 જિલ્લાની પોલીસ ગાંધીનગરના હાર્દ સમા મુખ્ય પ્રવેશદ્વાર થી માંડીને સત્યાગ્રહ છાવણી સુધીના તમામ માર્ગો ઉપરાંત સચિવાલય ,વિધાનસભા સંકુલ ફરતે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

પરિણામે એક પણ આંદોલનકારી ગાંધીનગરમાં જોવા મળ્યા ન હતા. આજે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષિત બેરોજગારો બિન સચિવાલય ક્લાર્ક તેમજ એલ.આર.ડી.ની ભરતી પ્રક્રિયામાં પુરુષ ઉમેદવારો ની સંખ્યા વધારાની માગણી સાથે ગાંધીનગરમાં એકઠા થવા માટેનું સોશિયલ મીડિયામાં આહવાન કરવામાં આવ્યું હતું. જોકે આજે ગાંધીનગરમાં વિવિધ સંગઠનો દ્વારા શિક્ષિત બેરોજગારોનો જમાવડો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ના કારણે શક્ય બન્યું ન હતું.

નોંધનીય છે કે ગાંધીનગર ખાતે યુવા બેરોજગારો એકઠા થઇને સરકાર સામે મોરચો માંડવાના અહેવાલોના પગલે ગુજરાત સરકાર પણ ચેતી ગઇ હતી. કોવિડ 19 ની વર્તમાન સ્થિતિમાં ગાંધીનગર માં આંદોલનકારીઓએ ભેગા થઈ જાય નહીં તે માટે ગૃહ વિભાગને પણ સૂચના આપવામાં આવી હતી .જેના કારણે સમગ્ર ગાંધીનગરમાં અભેદ સુરક્ષા કવચ ઊભું કરી દેવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે વિવિધ માંગણીઓના સમર્થનમાં શિક્ષિત યુવા બેરોજગારો અને અન્ય સંગઠનો દ્વારા સરકાર વિરુદ્ધ વિવિધ મંગણીઓ માટે આજે આંદોલન કરવાનું હતું .પરંતુ રાજ્ય પોલીસ વડાએ તમામ જિલ્લાની પોલીસને આંદોલનકારીઓ ઉપર નજર રાખવાના આદેશ કર્યા હતા એટલું જ નહીં કેટલાક કિસ્સાઓમાં તો પોલીસે આંદોલનકારીઓના અગ્રણી નેતાઓ અને તેમના પરિવારજનોને પણ ગાંધીનગર એકઠા થઈને આંદોલન નહીં કરવા સમજાવ્યા હતા. તો બીજી તરફ ગઈકાલથી સમગ્ર ગાંધીનગરના પ્રવેશદ્વાર ઉપર ત્રણ જિલ્લાની પોલીસ ખડકી દેવામાં આવી હતી જેના કારણે સત્યાગ્રહ છાવણી ખાતે એક પણ આંદોલનકારી જોવા મળ્યા ન હતા.

સૂત્રો દ્વારા એવી પણ વિગતો મળી છે કે કોરોનાવાયરસ ની મહામારી વચ્ચે શિક્ષિત બેરોજગાર યુવાનો એકઠા થાય નહીં તે માટે પોલીસે તમામ તૈયારીઓ સાથે આંદોલનકારી વિરુદ્ધ ગુન્હો દાખલ કરવાની પણ સંપૂર્ણ તૈયારી દાખવી હતી .જેના કારણે એક પણ આંદોલનકારી પાટનગરમાં જોવા મળ્યા ન હતા. નોંધનીય છે કે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા ના કડક આદેશ થી અને વ્યૂહાત્મક આયોજનથી સમગ્ર જિલ્લામાંથી જ આંદોલનકારીઓ ગાંધીનગર જાય નહીં તે માટે જિલ્લા ઓ માં પોલીસ દ્વારા સતર્કતા દાખવવામાં આવી હતી. પરિણામે આજે શિક્ષિત બેરોજગારો નો જમાવડો થયો ન હતો અને સમગ્ર આંદોલનનો ફિયાસ્કો થઈ ચૂક્યો હતો.


Related News

Loading...
Advertisement