પેટાચૂંટણીમાં ભાજપ માટે સ્થાનિક અસંતોષ અઘરો : પ્રાથમિક સર્વે

04 July 2020 05:29 PM
Rajkot Saurashtra
  • પેટાચૂંટણીમાં ભાજપ માટે સ્થાનિક અસંતોષ અઘરો : પ્રાથમિક સર્વે

પક્ષ દ્વારા જે સંકેત મેળવાયા તેમાં કોંગ્રેસના જ પૂર્વ ધારાસભ્ય જીતાડવા સામે કાર્યકર્તાઓ નારાજ હોવાનો સૂર : મોરબીમાં તો સોશિયલ મીડિયા ઝુંબેશ શરૂ પણ થઇ ગઇ

રાજકોટ,તા. 4
ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી પેટાચૂંટણી માટેની તૈયારી ભાજપે શરુ કરી છે અને પક્ષ દ્વારા જે આંતરિક સર્વેનો પ્રથમ રાઉન્ડ પુરો થયો છે તેમાં આઠમાંથી અનેક વિસ્તારોમાં પક્ષ માટે કપરા ચઢાણ હોવાના સંકેત મળતાં જ મોવડી મંડળ એલર્ટ થઇ ગયું છે.

ટોચના સુત્રોનાં જણાવ્યા મુજબ જે રીતે આઠે આઠ બેઠક કોંગ્રેસના ધારાસભ્યોએ ખાલી કરી અને હવે તેમાંથી પાંચથી વધુ પૂર્વ ધારાસભ્યોને રિપીટ કરીને ફરી ચૂંટણી લડાવાઈ રહ્યા છે તેની સામે સ્થાનિક સ્તરે ભાજપમાં વિરોધ છે અને એક વખત આ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો જીતી જશે તો 2022માં પણ સ્થાનિક ઉમેદવાોરનો ચાન્સ નહીં લાગે તે નિશ્ર્ચિત જણાતા અગાઉ રાધનપુર સહિતની ત્રણ બેઠકોમાં જે રીતે પક્ષને સહન કરવું પડ્યું તેવી સ્થિતિ થાય તેવી પણ ધારણા છે.

સુત્રોનાં જણાવ્યા મુજબ એક તરફ મોંઘવારી સહિતના મુદ્દાઓ છે અને લોકોને તે પરેશાન કરી જ રહ્યા છે. બીજી તરફ કોરોનાના કારણે આવકમાં મોટા ગાબડા પડ્યા છે અને તે પણ ચિંતા છે. પક્ષના કેટલાક ટોચના અસંતુષ્ઠો અને નેતાઓ આ પરિસ્થિતિનો લાભ ઉઠાવવા માગે છે જેથી પક્ષપલ્ટાનું દૂષણ જે દર રાજ્યસભા અને ધારાસભા ચૂંટણી સમયે ભાજપમાં હવે કાયમી થઇ ગયું છે તેને રોકી શકાય.

ગઇકાલે જ અબડાસામાં રાજ્યના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા કે જેઓ પ્રભારી છે તેને આવો અનુભવ થઇ ગયો હતો અને તેઓએ પણ કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ જાડેજા પ્રથમ પસંદગી છે તેવું કહેવાની સાથે અન્ય નામ પણ વિચારી શકાય છે તેવું જણાવી રોષ શાંત પાડવાનો પ્રયાસ કર્યો તો બીજી તરફ મોરબીમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની તરફેણમાં સોશ્યલ મીડિયામાં ‘પ્રજાએ નક્કી કરેલ ઉમેદવાર’ તરીકે ઝુંબેશ શરુ થઇ છે અને તેની નોંધ ગાંધીનગરમાં પણ લેવાઈ છે.

ગત વખતે કોંગ્રેસના ઉમેદવાર તરીકે બ્રિજેશ મેરજાએ કાંતિભાઈ અમૃતિયાને પરાજીત કર્યા હતા. અને હવે પક્ષે બ્રિજેશ મેરજાને જીતાડવાના છે તે કાર્યકર્તાઓને ગળે ન ઉતરે તેવું સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતું. આમ ભાજપને પક્ષનો અસંતોષ અને પ્રજાના પક્ષાંતર વિરોધ મૂડનો સામનો કરવો પડશે તેવું પક્ષના સૂત્રોએ મંતવ્ય વ્યક્ત કર્યું છે અને રિપોર્ટ ગાંધીનગર પહોંચી રહ્યો છે.


Related News

Loading...
Advertisement