કોરોના કેસમાં ‘સરકારી ગોલમાલ’! રાજકોટના છેલ્લા પાંચ દિવસના 13 કેસ- 4 મોત રાજય સરકારના રેકોર્ડમાંથી ગાયબ

04 July 2020 04:51 PM
Rajkot Saurashtra
  • કોરોના કેસમાં ‘સરકારી ગોલમાલ’! રાજકોટના છેલ્લા પાંચ દિવસના 13 કેસ- 4 મોત રાજય સરકારના રેકોર્ડમાંથી ગાયબ

રાજકોટમાં ગુરુવારે પાંચ મોત થવા છતાં રાજય સરકારના રીપોર્ટમાં માત્ર એક જ મૃત્યુનો ઉલ્લેખ: તા.29 જૂનથી 3 જુલાઈ સુધીનાં પાંચ દિવસના રાજકોટના આરોગ્ય વિભાગના રીપોર્ટમાં 83 પોઝીટીવ, સ્ટેટ રીપોર્ટમાં માત્ર 70: ઓછા કેસ માટે ટેસ્ટ ઘટાડી નાખનાર રાજય સરકારે પોઝીટીવ સંખ્યામાં પણ ગોટાળા શરૂ કરી દીધાની શંકા: સ્ટેટ રીપોર્ટમાં પુરા આંકડા જ દેખાડાતા નથી?

રાજકોટ તા.4
રાજકોટ સહીત રાજયમાં કોરોનાના વધતા કહેર વચ્ચે સરકાર દ્વારા આંકડાકીય ગોલમાલ થતી હોવાની શંકા વધુ દ્દઢ બની હોય તેમ રાજકોટના છેલ્લા પાંચ દિવસના 83 પોઝીટીવમાંથી 13 કેસ રાજય સરકારના રેકોર્ડમાંથી ગાયબ હોવાનું બહાર આવ્યું છે એટલું જ નહીં. ગુરુવારે રાજકોટમાં પાંચ કોરોના દર્દીના મોત થયા હોવા છતાં રાજય સરકારના રેકોર્ડમાં માત્ર એક જ મોતની નોંધ છે.

ગુજરાતમાં કોરોનાના કહેરમાં પ્રારંભીક દિવસોમાં અમદાવાદ જેવા શહેરો હોટસ્પોટ બન્યા હતા અને ત્યારે જ આંકડાકીય ગોલમાલ થતી હોવાની અટકળો વ્યક્ત થવા લાગી હતી. કેટલાંક નિષ્ણાંતો-સમીક્ષકો ખુલ્લેઆમ એવુ કહેતા હતા કે સરકાર સાચા આંકડા જાહેર કરતી નથી છતાં સરકાર પોતાનો બચાવ કરતી રહી હતી. હવે રાજકોટ છેલ્લા પાંચ દિવસના આંકડાઓમાં રાજકોટના આરોગ્ય વિભાગ તથા રાજય સરકારના સતાવાર રીપોર્ટમાં વિરોધાભાસથી કોરોનાના આંકડાઓમાં મોટી ગોલમાલ થતી હોવાની શંકા વધુ દ્દઢ બની છે.

રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાતા ડેઈલી રીપોર્ટમાં 29 જૂનથી 3 જુલાઈ સુધીના પાંચ દિવસના આંકડા એવું સૂચવે છે કે રાજકોટ શહેર-જીલ્લામાં 83 કેસ થયા છે. આ જ રીતે રાજય સરકાર દ્વારા જારી કરાતા ડેઈલી રીપોર્ટમાં પાંચ દિવસના આંકડો માત્ર 70 જ સૂચવે છે.

રાજય સરકાર રોજ સાંજે 5 કે 6 વાગ્યા સુધીના પોઝીટીવ કેસના આંકડાને રીપોર્ટમાં સામેલ કરી લેતી હોય છે. રાજકોટના અમુક કેસ મોડા આવ્યા હોય તો પણ બીજા દિવસે તે બરાબર થઈ જવા જોઈએ. પરંતુ પાંચ દિવસના આંકડા ચકાસવામાં આવે તો કયાંય મેળ જ બેસતો નથી એટલે ગરબડ કરાતી હોવાની શંકા વધુ દ્દઢ બને છે.
પોઝીટીવ કેસ કરતા પણ વધુ આઘાતજનક બાબત એ છે કે ગુરુવારે રાજકોટમાં પાંચ કોરોના દર્દીઓ મોતને ભેયયા હતા.

સુરેન્દ્રનગરના દર્દીનું મોત ઉમેરવામાં આવે તો આંકડો 6નો થતો હતો. રાજય સરકારના રીપોર્ટમાં માત્ર એક જ મોતનો ઉલ્લેખ છે. રાજકોટના ચાર મોત ગાયબ છે. મોતને બે-બે દિવસ થવા છતાં સ્ટેટ રીપોર્ટમાં ઉલ્લેખ નથી. પાંચમાંથી ત્રણ મોત ગુરુવારે બપોરે ચાર વાગ્યા સુધીમાં જ થઈ ગયા હતા. સ્ટેટ રીપોર્ટમાં ગુરુવારે કોઈ ઉલ્લેખ ન થયો એટલુ જ નહીં શુક્રવારે પણ રાજકોટના મોત શૂન્ય જ દર્શાવાયા હતા.

અગત્યની બાબત એ પણ છે કે રાજકોટના આરોગ્ય વિભાગમાં રીપોર્ટમાં પણ મોત ચાર જ દેખાડવામાં આવી રહ્યા છે. અન્યતા કોર્પોરેશને સીટીના ચાર તથા જીલ્લા તંત્રે એક મોત જાહેર કર્યુ હતું છતાં સતાવાર રીપોર્ટમાં ચાર જ મોતની નોંધ છે.


Related News

Loading...
Advertisement