પોઝીટીવ કેસમાં ચોથા નંબરે મૃત્યુમાં દેશમાં ત્રીજા નંબરે પણ ટેસ્ટ કરવામાં 10માં નંબરે

04 July 2020 04:44 PM
Ahmedabad Gujarat
  • પોઝીટીવ કેસમાં ચોથા નંબરે મૃત્યુમાં દેશમાં ત્રીજા નંબરે પણ ટેસ્ટ કરવામાં 10માં નંબરે

કોરોના વાયરસ સામેના જંગમાં ગુજરાત આરોગ્ય તંત્રની લોલંમલોલ

*ચોકાવનારા આંકડાથી ગુજરાતની તૈયારી સામે પ્રશ્ર્નાર્થ: અમદાવાદ સિવાયના બાકી જીલ્લાઓમાં તો સાવ નીચો ટેસ્ટીંગ રેશીયો
*એક સમયે દેશમાં નં.2 પર પહોંચેલુ ગુજરાત અચાનક ટેસ્ટીંગ ઓછુ કરતા નંબર 4 પર પહોંચ્યું: ઓછા ટેસ્ટ કરવાથી શું સંક્રમીતો ઓછા થયા હશે??
*આક્રમક ટેસ્ટીંગ પોલીસીથી જ કોરોનાની ચેઈન તૂટી શકે પરંતુ ગુજરાત આરોગ્ય તંત્રના મનમાં કંઈ જુદી જ રમત ચાલી રહી છે

રાજકોટ, તા. 4
ગુજરાતમાં અચાનક જ કોરોના સંક્રમણ અને ખાસ કરીને રાજય સરકાર અત્યાર સુધી ફકત અમદાવાદની ચિંતા કરતી હતી તે વચ્ચે સુરત અને સૌરાષ્ટ્રમાં જે કોરોના પોઝીટીવ કેસ વધ્યા તેનાથી એક તરફ અનલોક થઈને રોજગારીની ચિંતા કરી રહેલા લાખો-કરોડો ગુજરાતીઓ માટે ફરી સંક્રમણની ચિંતા વધી છે પણ આ પ્રકારની સ્થિતિ માટે કોરોના સામેની લડાઈ સરકારની વ્યુહરચના અને આરોગ્ય વિભાગમાં જે દિશાવિહીન સ્થિતિ છે તે આ માટે જવાબદાર છે અને આજે ગુજરાત પોઝીટીવ કેસમાં 34686 કેસ સાથે ચોથા નંબરે છે.

ગુજરાતમાં મૃતકોની સંખ્યા 1900થી વધી ગઈ છે અને કોરોનાના સંદર્ભમાં ગુજરાતમાં દેશમાં મૃત્યુઆંક એ એક તબકકે 6% જેવો ઉંચો ગયો હતો અને તે રાષ્ટ્રીય સરેરાશથી પણ લગભગ ત્રણ ગણો હતો.

તે સમયે રાજય સરકારે આ ઉંચા મૃત્યુદર માટે કો-મોર્બીલીટી એટલે કે દર્દીને કોરોનાના સંક્રમીત થયેલા વ્યક્તિને અન્ય બિમારી પણ હતી અને તેથી મૃત્યુ થયુ હતું તેવા કારણોથી ઉંચા મૃત્યુદર પાછળની ખરેખર ચિંતા અને કારણો છુપાવવા પ્રયાસ કર્યા હતા પણ વાસ્તવમાં ગુજરાતમાં કોરોનાના ફેલાવા માટે રાજય સરકારની ટેસ્ટીંગ વધારવાની નિષ્ફળતા કે પછી અનિચ્છાને જ જવાબદાર ગણાવાય છે. સંક્રમણ નિષ્ણાંતોએ આ અંગે રાજયના અને દેશના કોરોના સંક્રમણ અને ટેસ્ટીંગના આંકડાઓની સાથે નિરીક્ષણ વ્યકત કર્યુ હતું અને તેઓ ગુજરાતની કોરોના સામેની તૈયારીઓ સામે જ પ્રશ્ન ઉભો કર્યો છે.

રાજયમાં જયારે માર્ચ એપ્રીલ માસમાં કોરોના પ્રાથમીક તબકકે હતું તે સમયે પ્રથમ અમદાવાદ જે હોટસ્પોટ હતું ત્યાં પણ તબલીગી જમાતને દોષીત ઠેરવીને સરકારે ઓલવેલની જાહેરાતો કરી હતી અને અમદાવાદમાં પણ ટેસ્ટીંગ મુદે સરકાર અને ખાનગી તબીબો વચ્ચે જે વિવાદ થયો તે જાણીતો છે અને તેમાં છેક ગુજરાત હાઈકોર્ટને તેમાં વચ્ચે પડવું પડયું હતું અને ખાનગી તબીબો તથા ખાનગી લેબ પણ ટેસ્ટ કરી શકે તેવો આદેશ આપવો પડયો હતો.

આ તકે આઈસીએમઆર એ પણ હવે જાહેર કરવું પડયું છે કે કોરોના ટેસ્ટ એ નાગરિક્નો અધિકાર છે અને તબીબના પ્રિસ્ક્રીપ્શન વગર પણ તે ખાનગી લેબમાં ટેસ્ટ કરાવી શકે છે. આમ કોરોના સંક્રમણમાં ટેસ્ટ જ રામબાણ ઈલાજ છે. તબીબી અને હવે કાનૂની સત્ય હોવા છતાં પણ ગુજરાતમાં ફકત કોરોના સંક્રમણને કૃત્રિમ રીતે ઘટાડવા કે દબાવવા માટે ટેસ્ટનું પ્રમાણ ઘટાડાયું હતું. જેનાથી ગુજરાતમાં કોરોના કાબુમાં છે આરોગ્ય તંત્ર એકશનમાં છે તેવા ઓલવેલના સંદેશા દિલ્હી પહોંચાડી શકાય. વાસ્તવમાં ટેસ્ટ-ટ્રેસ-ટ્રીટ આ ત્રણ સિદ્ધાંતો કોરોના સામે વૈશ્વિક છે. પરંતુ ગુજરાતમાં તેને સાવ એકબાજુ મુકીને અને ટેસ્ટથી જ સરકારે ઢીલાશ કરીને કોરોના માટે મોકળુ મેદાન સર્જયુ છે.

રાજય સરકારે કોરોના ટેસ્ટમાં દેશમાં 10મું સ્થાન મેળવ્યું. કુલ 6 કરોડ લોકોમાં ત્રણ માસ જેવા સમયમાં પણ આ જ દીન સુધીમાં 3,45,900 ટેસ્ટ થયા જેના કરતા દિલ્હીમાં વધુ ટેસ્ટ થયા. યુપીમાં પણ ટેસ્ટ 8 લાખ થયા. આંધ્રપ્રદેશ જે 4.95 કરોડની વસ્તી ધરાવે છે ત્યાં 9.71 લાખ ટેસ્ટ થયા. આમ ગુજરાતમાં ટેસ્ટ ન થવા અને છૂપા લક્ષણો ધરાવતા કોરોના પોઝીટીવે અમદાવાદમાં સંક્રમણ વધાર્યુ પછી રાજય સરકાર દોડી હતી પણ તે સમયે સુરત, વડોદરા, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના છૂપા પગલે આગળ વધતો હતો ત્યાં પણ નો ટેસ્ટ જેવી સ્થિતિ બનાવી એ છાપરે ચડેલું સત્ય છે કે ટેસ્ટ પછીની બીજી પ્રક્રિયા ટ્રેસીગની છે.

કોન્ટેક ટ્રેસીંગથી એક પોઝીટીવ કેટલાને મળ્યા તે જાણવામાં ગુજરાત નહીવત પોઝીટીવ હતા તે પછી સંક્રમણ વધતા ગુજરાત નં. ટુ પર પહોંચી ગયું છે. પરંતુ ટેસ્ટ ઘટાડીને કોરોના પોઝીટીવ ઘટાડાયા અને નંબર 4 પર ગુજરાત આજે છે પણ તેમાં સંતોષ લેવા જેવો નથી. ટેસ્ટ ન થવાને કારણે ગુજરાતમાં ઓછા કેસ છે જયારે હીડન પોઝીટીવ વધુ છે તે હવે બહાર આવી રહ્યુ છે. ટ્રેસીંગમાં પણ તેમાં ગુજરાત પાછળ છે.

મુંબઈમાં 1 પોઝીટીવ પાછળ 10 કોન્ટેકટ ચકાસાયા પણ ગુજરાતમાં તે 2-3 જ છે. અન્ય રાજયોમાં કેસ વધ્યા પણ ગુજરાતમાં ‘હીડન-પોઝીટીવ’ હતા અને તેથી જયારે ગુજરાત પોઝીટીવમાં નંબર ટુની નંબર ચાર પર પહોંચી ગયું પણ તેનો સંતોષ લેવા જેવો ન હતો તે આજે હવે ખબર પડે છે. જયારે સુરતથી લઈને સૌરાષ્ટ્રમાં કેસોમાં ધડાધડ વધારો થયો છે અને હવે તે કયાં પહોંચશે તે પ્રશ્ર્ન છે. શા માટે આક્રમક ટેસ્ટીંગ પોલીસી ન અપનાવાઈ. શા માટે કોન્ટેકટ ટ્રેસીંગમાં તંત્રને દોડાવાયું નહીં તે પ્રશ્ન છે.

અન્ય રાજય કરતા ગુજરાતમાં ઓછા કેસ છે તે સંતોષ શા માટે! શા માટે ગુજરાત મોડેલ નહી બને કેરાળા મોડેલ! શા માટે સુરત જેવા શહેરમાં બે ત્રણ માસ ધંધા રોજગાર બંધ રહ્યા પછી ફરી મીની લોકડાઉનની સ્થિતિ, આ પ્રશ્નોનો એક જ જવાબ છે. ટેસ્ટમાં નિષ્ફળતા અને તેના માઠા પરિણામ ગુજરાતની જનતા ભાગની રહી હોવાનું નિષ્ણાંતો કહે છે.


Related News

Loading...
Advertisement