35 લાખના લાંચ કેસમાં મહિલા ફોજદાર શ્વેતા જાડેજાની અટકથી પોલીસ બેડામાં ખળભળાટ : નાણાં જામજોધપુર પહોંચાડ્યા હતાં

04 July 2020 02:43 PM
Ahmedabad Gujarat
  • 35 લાખના લાંચ કેસમાં મહિલા ફોજદાર શ્વેતા જાડેજાની અટકથી પોલીસ બેડામાં ખળભળાટ : નાણાં જામજોધપુર પહોંચાડ્યા હતાં

બળાત્કાર કેસમાં પાસા નહીં કરવા 35 લાખ માંગ્યા હતા : 20 લાખ જામજોધપુરનાં જયુભાને મોકલ્યા હતા : કોરોના ટેસ્ટ બાદ શ્વેતા જાડેજાની ધરપકડ થશે

અમદાવાદ, તા. 4
અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશનના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ના ફોજદાર શ્વેતા જાડેજાની 35 લાખની લાંચ માંગવાના કેસમાં અટક કરવામાં આવતા રાજ્યભરના પોલીસ તંત્રમાં ખળભળાટ સર્જાયો છે. જામજોધપુરનાં જયુભા નામના શખ્સ મારફત તેઓએ આ લાંચ મેળવી હોવાનું અને આંગડીયા મારફત નાણાં મોકલવામાં આવતાં હોવાનુું બહાર આવ્યું છે.

અમદાવાદના જીએસપી ક્રોપ નામની કંપનીના માલિક કેનલ શાહે ગત 26મી જૂનનાં રોજ ક્રાઈમ બ્રાંચમાં અરજી કરી હતી કે મહિલા પોલીસ સ્ટેશનનાં ફોજદાર શ્વેતા જાડેજાએ 35 લાખની લાંચ માંગી છે. પોતાના ભાઈ સામે પાસાની દરખાસ્ત નહીં કરવા માટે આ લાંચ માંગવામાં આવી હતી.

પોલીસના સુત્રોએ કહ્યું કે ફરિયાદીના ભાઈ વિરુધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની બે ફરિયાદો થઇ હતી તેને પાસામાં નહીં પુરવા માટે 35 લાખ આપવા મહિલા ફોજદારે ધમકી આપી હતી.
ફરિયાદીએ એમ કહ્યું કે અમદાવાદનાં સીજી રોડ પરની આંગડીયા પેઢી મારફત જામજોધપુરમાં જયુભાને 20 લાખ રુપિયા મોકલ્યા હતા અને બીજા 15 લાખ મોકલવા શ્વેતા જાડેજાએ કહ્યું હતું.

ગત ફેબ્રુઆરીમાં 20 લાખના આંગડીયા માટે યુવતિને મોકલવામાં આવી હતી તેનું નિવેદન લેવાયું છે. આ સિવાય બેંક ખાતામાંથી ઉપાડેલા નાણાં તથા આંગડીયા સ્લીપ પણ પુરાવા તરીકે પેશ કરવામાં આવી છે. શ્વેતા જાડેજાએ લાંચ માંગી તેના છ ફોન રેકોર્ડ તથા વોટ્સએપ મેસેજ પણ રજૂ કરવામાં આવ્યા હતાં. આંગડીયા પેઢીનાં કર્મચારીઓના પણ નિવેદન લેવાયા હતાં.

શ્વેતા જાડેજા વિરુધ્ધ લાંચ રુશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો દાખલ કરીને અટક કરવામાં આવેલ છે. કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડ કરવામાં આવશે.જીએસપી ક્રોપનાં વડા કેનાલ શાહ વિરુધ્ધ 2017માં મહિલા કર્મચારીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.આ કેસમાં જસાક્ષીને ધમકી આપવાનીબીજી ફરિયાદ પણ થઇ હતી.


Related News

Loading...
Advertisement