ગણપતિ કોના, ‘ભોંસલે’?

04 July 2020 10:50 AM
Entertainment
  • ગણપતિ કોના, ‘ભોંસલે’?
  • ગણપતિ કોના, ‘ભોંસલે’?

‘ભોંસલે’ બાબતે હું બહુ જ અસમંજસમાં હતો. ‘સોની લિવ’ એપ્લિકેશને નવો ડિજિટલ અવતાર ધારણ કર્યો એ પછી એમની પહેલીવહેલી વેબસીરિઝ ‘યોર ઑનર’માં ડબિંગના પણ કોઈ ઠેકાણાં નહોતાં, એટલે મને-કમને બે એપિસોડ્સ જોયા પછી પડતી મૂકી દેવી પડી. ‘ભોંસલે’ સાથે એકસમાન અનુભવ થાય એવી ઇચ્છા નહોતી. આમેય સિને‘મા’ના માનીતાં દીકરા મનોજ બાજપેઇની પ્રતિષ્ઠાને ખરડાતી જોવામાં જીવ ન હાલે! છતાંય મજબૂત મનોબળ સાથે ‘ભોંસલે’ શરૂ કરી. રિવ્યુ માટે આગળ વધતાં પહેલાં જ એક સિનેમેટિક વોર્નિંગ. આ ફિલ્મ લાગણીશીલ માણસને વિચારરૂપી બ્લેકહોલમાં ફેંકવા માટે સક્ષમ છે. ત્યાંથી બહાર નીકળવા માટે કલાકો વીતી શકે કદાચ દિવસો પણ વીતી જાય!

સામાન્ય મરીમસાલા કે આર્ટિસ્ટિક ફિલ્મોથી મુઠ્ઠીઉંચેરી છે, ભોંસલે! ધૈર્યવિહીન માણસનું કામ નહીં. સાંપ્રત સમયમાં નેપોટિઝમથી શરૂ કરીને જાતપાત, પ્રાંતવાદની જે બદી સામે આપણે અવાજ ઉઠાવી રહ્યા છે એનું કોકટેલ છે, ભોંસલે! મુંબઈની ચોલમાં રહેતો ગણપત ભોંસલે (મનોજ બાજપેઇ) હવલદાર તરીકેની નોકરીમાંથી નિવૃત્ત થાય છે. આ દ્રશ્યથી ફિલ્મ શરૂ થાય છે. ડિરેક્ટર દેવાશિષ મખીજાએ ભોંસલેની ચોલ અને તેની ખખડધજ ઓરડીને એટલી હદ્દે જીવંત દર્શાવી છે કે કોઈ ગરીબ માણસને પણ તેની સામે પોતાની ગરીબાઈ ઓછી લાગવા માંડે. મુંબઈના અંતરિયાળ વિસ્તારોની વાસ્તવિકતા શું છે, આંખમાં સપનાનું કાજળ આંજીને મુંબઈ આવેલાં પરપ્રાંતીયો કેવી સ્થિતિમાં જીવન વ્યતિત કરે છે એનું હ્રદયદ્રાવક નિરૂપણ છે, ભોંસલે!

રાજકારણમાં અવ્વલ બનવાના સપના જોતો વિલાસ (સંતોષ જુવેકર) મરાઠી ફિલ્મોનો નીવડેલો કલાકાર છે. બીજી બાજુ, બિહારથી મુંબઈ આવેલી સીતા (ઇપશિતા ચક્રવર્તી સિંઘ) અને તેનો ભાઈ લાલુ (વિરાટ વૈભવ) ભોંસલેની ચોલમાં આવતાંવેંત પ્રાંતવાદના શિકાર બને છે. બરાબર એ જ સમયે, ગણપતિ ઉત્સવ શરૂ થાય છે. કોઈ સસ્પેન્સ કે થ્રિલર વગરના આ પિક્ચરમાં સિનેમેટોગ્રાફર જિગ્મેટ વાંગ્ચુકની એસ્થેટિક બ્યુટી જોવા જેવી છે. ઑપનિંગ સીનથી લઈને ક્લાયમેક્સ સુધી સતત કરાંજતો કાગડો, ગંધાતી-બદબૂદાર ઓરડી, એમાંના ઠાલા વાસણો, ભોંસલેની દિનચર્યા અને રિટાયર થયા પછી પણ નોકરી લંબાવવા માટે પોલીસવડાને આજીજી કરતો ભોંસલે!

જેમ જેમ ફિલ્મમાં આગળ ધપતાં જાઓ એમ એમ ‘ભોંસલે’ તમને મહેબૂબાની જેમ પોતાની સાથે તાણી જાય છે. એક કુશળ હિપ્નોટિસ્ટની જેમ એ તમને સંમોહનમાં ડુબાડે છે, તમારા મન-મગજ-હ્રદય સાથે પુષ્કળ રમતો રમે છે અને છેલ્લે શેક્સપિયરની કરૂણાંતિકાની માફક અભાવની ઊંડી ખાઈમાં જોરથી ધક્કો મારીને તરફડવા માટે મજબૂર કરી દે છે. દેવાશિષ મખીજા રૂપકનો માણસ છે. એની પ્રત્યેક ફ્રેમ અર્થસભર છે. પ્રત્યેક શોટમાં મૌનરાગ છે. દેવાશિષ મખીજા દિગ્દર્શિત અને 2016માં યુટ્યુબ પર રીલિઝ થયેલી ‘તાંડવ’ નામની શોર્ટ ફિલ્મ યાદ છે? ન જોઈ હોય તો અચૂક જોજો. ‘ભોંસલે’નું મિનિ વર્ઝન છે એ! 2017માં સિંગાપોર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં વિજેતા બનેલી ‘અજ્જી’ પણ આર્ટિસ્ટિક ફિલ્મોના ચાહકો માટે મસ્ટ-વોચ ફિલ્મ છે, જેનું દિગ્દર્શન દેવાશિષ મખીજાએ કર્યુ છે.

બિહારી અને મરાઠી વચ્ચેનો વિવાદ ફિલ્મના કેન્દ્રસ્થાને છે. દર વર્ષે ગણપતિ આવે છે અને વિસર્જન પામે છે. ગણપતિ સ્થાપન મરાઠી કરશે કે પછી બિહારી? એ મુદ્દા પર શરૂ થયેલી ફિલ્મ વાસ્તવમાં એ સમજાવે છે કે લંબોદર માટે તો કોઈ ઊંચુ કે નીચું નથી, કોઈ વહાલું-દવલું નથી, કોઈ પારકું નથી, કોઈ પરપ્રાંતીય નથી!
મનોજ બાજપેઇએ ફિલ્મમાં માંડ 10-12 સંવાદો બોલ્યા છે. એમની આંખો, હાવ-ભાવ, હલનચલન, શ્વાસોચ્છવાસની ગતિ અને માથા પર ધોળા વાળને તેમણે જીવંત કરી દીધા છે. ભોંસલેના ફક્ત એક ઉચ્છવાસથી પ્રેક્ષકને એની તબિયત, એના ગમા-અણગમાનો ખ્યાલ આવી જાય એ કેટલી મોટી વાત છે! મનોજ બાજપેઇ જેવા અભિનેતા બોલિવૂડે ક્યારેય જોયા નથી અને આવનારા સમયમાં પણ એમની જગ્યા કોઈ નહીં લઈ શકે. ફક્ત બોડી-લેંગ્વેજના આધારે બે કલાક સુધી સિનેમા ચાહકને સ્વજન મહેસૂસ કરાવવાની અનોખી આવડત આ કલાકાર છે. હી ઇઝ અ મેન ઑફ આર્ટ! સલામ છે, ભોંસલેને!

રિવ્યુનો અંત કરતા પહેલાં ફરી એક વખત ચેતવણી આપી રહ્યો છું સાહેબ! લાગણીના પ્રવાહમાં આમથી તેમ ફંગોળાવાની અને ધડાકાભેર પછડાવાની ઇચ્છા હોય તો અને તો જ ‘ભોંસલે’ પર પસંદગી ઉતારજો. કારણકે અહીં દર્શાવાયેલા ખાલીપામાં એ તાકાત છે કે ફક્ત બે કલાકની ફિલ્મ જોયા બાદ તમને મુંબઈથી નફરત થઈ જશે!

કેમ જોવી? :
ચીલાચાલુ સિનેમાથી કશુંક હટકે, મર્મસભર જોવા માંગતા હોય તો!

કેમ ન જોવી? :
ફિલ્મ અત્યંત ધીમી ગતિએ આગળ વધે છે. મોટાભાગના લોકો અધવચ્ચે મૂકીને ચાલ્યા જાય એવી શક્યતા ખરી!

: ક્લાયમેક્સ :
આવતાં અઠવાડિયે એમેઝોન પ્રાઇમ પર અભિષેક બચ્ચન અને અમિત સાધ સ્ટારર ‘બ્રીધ’ની બીજી સિઝન આવી રહી છે. પહેલી સિઝન ન જોઈ હોય તો હજુ ઘણો સમય છે.

: સાંજસ્ટાર: સાડા ત્રણ ચોકલેટ
bhattparakh@yahoo.com


Related News

Loading...
Advertisement