રાજકોટ: કારચાલકે ફિલ્મી સ્ટાઈલમાં પોલીસ સામે ત્રણ કલાક ધમાલ મચાવી

03 July 2020 11:41 AM
Rajkot Saurashtra
  • રાજકોટ: કારચાલકે ફિલ્મી સ્ટાઈલમાં પોલીસ સામે ત્રણ કલાક ધમાલ મચાવી
  • રાજકોટ: કારચાલકે ફિલ્મી સ્ટાઈલમાં પોલીસ સામે ત્રણ કલાક ધમાલ મચાવી
  • રાજકોટ: કારચાલકે ફિલ્મી સ્ટાઈલમાં પોલીસ સામે ત્રણ કલાક ધમાલ મચાવી

રાજકોટમાં ગોંડલ ચોકડી પાસેનો બનાવ: ફેન્સી નંબર પ્લેટ હોય દંડ ભરવાનું કહેતા કાર પર ચઢી ખેલ કરવા લાગ્યો : લોકોના ટોળેટોળા એકત્ર : પોલીસે આ શખ્સને માંડ નીચે ઉતાર્યો : ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો

રાજકોટ,તા. 3
શહેરના ગોંડલ રોડ ચોકડી પાસે એક શખ્સે દંડ ન ભરવા માટે પોલીસની સામે કાર પર ચડી ત્રણ કલાક ધમાલ મચાવતા રોડ પર ટ્રાફીક જામ થઇ ગયો હતો. બાદમાં પોલીસે માંડ આ શખ્સને કારની નીચે ઉતારી તેની સામે ફરજમાં રુકાવટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ શખ્સની કારમાં ફેન્સી નંબર પ્લેટ હોય તે બાબતે દંડ ભરવાનું કહેતા તેણે ધમાલ મચાવી હતી.

જાણવા મળતી વિગતો મુજબ ટ્રાફીક શાખાના પીએસઆઈ ગીરીશ કાનજીભાઈ રાજ્યગુરુ તથા અન્ય સ્ટાફ ગઇકાલ ગોંડલ ચોકડી પાસે ટ્રાફીક પોઇન્ટ પર ફરજ પર હતા. દરમિયાન સવારના 11-30 વાગ્યે ગોંડલ ચોકડી પર એક ઇનોવા ગોંડલ તરફથી આવતી હોય આ ઇનોવા નં. જીજે 3 ઇસી 1213માં ફેન્સી નંબર પ્લેટ હોવાથી કારને રોકી હતી.

કારમાં એક પુરુષ તથા તેની સાથે એક સ્ત્રી બેઠી હતી. પોલીસે કાર ચાલકને ફેન્સી નંબર પ્લેટ બાબતે હાજર દંડ ભરવાનું અન્યથા ઇ ચલણથી દંડ ભરવાનું કહ્યું હતું. અને તેનું નામ પૂછતા આ શખ્સે પોતાનું નામ ભુપતભાઈ પીઠાભાઈ કંટારીયા (રહે. આંબેડકનગર, શેરી નં.4, નાનામવા પાસે) હોવાનું જણાવ્યું હતું.

વાહનચાલકને રોકડ તથા ઇ-ચલણથી દંડ ભરવાનું કહેતા તેમજ ફોટો પાડવાની કોશિષ કરતાં આ શખ્સે ફોટો પાડવાની ના પાડી પોલીસ સાથે બોલાચાલી કરી પોતાની ઇનોવા કાર પર ચડી ગયો હતો. બાદમાં તેણે બેફામ વાણીવિલાસ શરુ કર્યો હતો. કાર પર ચડી આ શખ્સ ખેલ કરવા લાગતા અહીં લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. જેથી ટ્રાફીક જામ થયો હતો.

પોલીસે આ શખ્સને સમજાવવાના અનેક પ્રયત્નો કર્યા હતા પરંતુ તેમ છતાં આ શખ્સ સમજવા માટે તૈયાર ન હતો. ટ્રાફીકથી ધમધમતા એવા ગોંડલ રોડપર આ શખ્સે પોતાની કાર પર ચડી ત્રણેક કલાક ખેલ કર્યા બાદ પોલીસે માંડ આ શખ્સને નીચે ઉતાર્યો હતો. બાદમાં તેની સામે ફરજમાં રુકાવટ અને ધમકી આપવા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ શખ્સ ગઇકાલે જેતપુર ગયો હતો અને ત્યાંથી પત્ની સાથે પરત ફરી રહ્યો હતો દરમિયાન પોલીસે રોકતા તેણે ખેલ કર્યા હતાં. શખ્સ અગાઉ દારુના ગુનામાં પકડાઈ ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે.


Related News

Loading...
Advertisement