આવતીકાલથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ

02 July 2020 04:31 PM
Rajkot Saurashtra
  • આવતીકાલથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ

અરબી સમુદ્ર તથા દક્ષિણ ગુજરાત આસપાસ બે અપરએર સાયકલોનીક સરકર્યુલેશનથી લાભ મળશે. : જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી:50% વિસ્તારોમાં આગાહીના સમયગાળા દરમ્યાન 2 ઈંચ સુધી, બાકીના ભાગોમાં 2 થી 4 ઈંચ સુધી વરસાદની શકયતા: અમુક સ્થળોએ 8 ઈંચ સુધી વરસાદ ખાબકી શકે.

રાજકોટ તા.2
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આવતીકાલથી વરસાદનો સાર્વત્રીક રાઉન્ડ શરૂ થવાની આગાહી જાણીતા વેધર એનાલીસીસ અશોકભાઈ પટેલે કરી છે. જુદા જુદા વિસ્તારોમાં દોઢથી ચાર ઈંચ અને અમુક ભાગોમાં આઠ ઈંચ સુધી વરસાદ થઈ શકે તેમ હોવાનું તેઓએ આગાહીમાં કહ્યું છે.

તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં મોન્સુન ટ્રફ રાજસ્થાનનાં ગંગાનગરથી અલીગઢ, પટણા થઈને આસામ બાજુ જાય છે. આ સિવાય ઉતર મધ્ય અરબી સમુદ્રમાં 5.8 કિલોમીટરના સ્તરે અપરએર સરકર્યુલેશન છવાયેલુ છે. આ સરકર્યુલેશન ઘણુ બહોળુ છે અને સૌરાષ્ટ્ર-ગુજરાતની નજીક છે. આ ઉપરાંત બીજી એક અપરએર સાયકલોનિક સરકર્યુલેશન 3.1 કિલોમીટરથી પ.8 કિલોમીટરના લેવલે દ.ગુજરાત આસપાસનાં વિસ્તારોમાં છવાયેલુ છે. રાજયમાં બે સરકર્યુલેશન અસરકર્તા બને તેમ હોવાથી બહોળા સરકર્યુલેશનની સ્થિતિ ઉભી થઈ છે.

એક અન્ય અપરએર સાયકલોની સરકર્યુલેશન દ.ઓરીસ્સાના કિનારે 3.1 કિલોમીટરથી 5.8 કિલોમીટરના લેવલે મૌજુદ છે. આ સિવાય ઉતરીય કોંકણથી કર્ણાટકનાં દરીયા કિનારા સુધી ઓફશોર ટ્રફ સર્જાયેલો છે.આવતા દિવસોમાં ગુજરાત તથા આસપાસના વિસ્તારોમાં 3.1 કિલોમીટરથી 5.8 કિલોમીટરનું અપરએર સાયકલોનીક સરકર્યુલેશન અસરકર્તા રહેશે અને તેના બદલાવના આધારે લોકેશન મુજબ જુદાજુદા વિસ્તારોમાં વરસાદ વરસશે.4થી જુલાઈથી વરસાદનો વિસ્તાર વધશે.

તા.3 થી 10 જુલાઈની આગાહી કરતાં અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે સૌરાષ્ટ-કચ્છ-ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ સર્જાશે. આ રાઉન્ડમાં રાજયના 50 ટકા વિસ્તારોમાં આગાહીના સમયગાળા દરમ્યાન 30 થી 40 મીલીમીટર તથા બાકીના 50 ટકા વિસ્તારોમાં 50 થી 100 મીલીમીટર વરસાદ વરસવાની શકયતા છે. અમુક ચોકકસ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે અને ત્યાં 200 મીલીમીટર અર્થાત 8 ઈંચ સુધી વરસાદ થવાની શકયતા છે.

રાજયમાં નૈઋત્ય ચોમાસાનું આગમન વહેલુ થઈ ગયુ હતું પરંતુ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ હજુ આવ્યો ન હતો ત્યારે હવે જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે આવતીકાલથી તા.10 જુલાઈ સુધીમાં સાર્વત્રીક વરસાદનો રાઉન્ડ આવવાની આગાહી કરી છે.


Related News

Loading...
Advertisement