ગુજરાત અનલૉક 2 : દુકાનો-હોટલ-રેસ્ટોરાં હવે આ સમય સુધી ખુલ્લા રહી શકશે

30 June 2020 11:58 AM
Ahmedabad Gujarat
  • ગુજરાત અનલૉક 2 : દુકાનો-હોટલ-રેસ્ટોરાં હવે આ સમય સુધી ખુલ્લા રહી શકશે

કેન્દ્રની ગાઈડલાઈન બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો નિર્ણય : રાત્રિના 10 થી સવારના 5 સુધી કફર્યુ રહેશે : સમીક્ષા બેઠક બાદ જાહેરાત: અનલોક-2ની ગાઇડલાઈનમાં કોઇ વધુ છૂટછાટ નહીં : મનોરંજન પાર્ક, સિનેમા ઘરો, જીમ 31 જુલાઈ સુધી બંધ જ રહેશે : રાજકીય સહિતના સમારોહ પણ પ્રતિબંધીત

રાજકોટ,તા. 30
કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-2ની જાહેરાતને પગલે ગુજરાતમાં પણ હવે દુકાનો તથા રેસ્ટોરા સહિત વેપારમાં વધુ રાહત જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીએ એક તાત્કાલીક નિર્ણયમાં અનલોક-2માં આવતીકાલ તા. 1 જુલાઈથી રાજ્યભરમાં દુકાનો હાલ જે સાંજના સાત વાગ્યે બંધ કરવાની રહે છે તેમાં એક કલાકનો વધારો કરાયો છે અને રાત્રિનાં 8 સુધી દુકાનો અને વેપારી સંસ્થાનોમાં કામકાજ ચાલુ રાખી શકાશે જ્યારે હોટલ અને રેસ્ટોરામાં રાત્રિનાં 9 વાગ્યા સુધી ગ્રાહકોની સરભરા કરી શકાશે.

કેન્દ્ર સરકારની ગાઈડલાઈનના પગલે રાજ્ય સરકારે આ એક તાત્કાલીક નિર્ણય જાહેર કર્યો છે ને રાજ્યમાં કફર્યુનો અમલ રાત્રિનાં 10 થી સવારના 5 સુધી કરવાનો રહેશે. આમ કેન્દ્રની અનલોક-2ની ગાઈડલાઈનનો દેશભરમાં સૌ પ્રથમ અમલ રાજ્ય સરકારે કરી દીધો છે અને આવતીકાલથી હવે દુકાનદારો માટે રાત્રે 8 વાગ્યા સુધી તેમનો વ્યાપાર ચાલુ રાખી શકશે.

જ્યારે અન્ય જે કાંઇ છૂટછાટો હશે તે અંગે ગુજરાત સરકાર મોડેથી જાહેરાત કરે તેવી શક્યતા છે. જો કે કેન્દ્રની અનલોક-1ની જાહેરાત બાદ ગુજરાતમાં વ્યાપક છૂટછાટ આપવામાં આવી છે. અને અનલોક-2માં રાજ્ય સરકાર કેન્દ્ર દ્વારા જે કાંઇ પ્રતિબંધાત્મક આદેશો છે તેનો અમલ યથાવત રાખશે. મતલબ કે રાજ્યમાં જીમ, મનોરંજન પાર્ક, સિનેમા હોલ સહિતનાં સ્થળો હજુ બંધ જ રહેશે. ઉપરાંત ધાર્મિક તથા રાજકીય સહિતના સમારોહ પણ પ્રતિબંધીત રહે છે.

લગ્ન સમારોહમાં રાજ્ય સરકારે જે કાંઇ છૂટછાટ આપી છે તે યથાવત અને અગાઉની શરતો મુજબ જ ચાલુ રહે છે. અને કેન્દ્ર સરકારે પણ તેમાં કોઇ ફેરફાર કર્યો નથી તો બીજી તરફ રાજ્યમાં બસ સેવા પણ આવતીકાલથી વધુ વ્યાપક એટલે કે એક્સપ્રેસ સહિતની બસો દોડવા લાગશે. અને આંતરરાજ્ય પ્રવાસ પરનો પ્રતિબંધ પણ પૂર્ણ રીતે ઉઠી ગયો છે. જો કે ટ્રેન તથા વિમાની સેવાઓ જે કેન્દ્ર સરકાર હસ્તક છે તેમાં દિલ્હીના નિર્ણયો મુજબ રાજ્યમાં અમલ કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement