અમેરિકી આંદોલનનો પ્રભાવ : ત્વચાને ગોરી કરતાં ક્રીમનો સૂર્યાસ્ત!

30 June 2020 10:40 AM
India
  • અમેરિકી આંદોલનનો પ્રભાવ : ત્વચાને ગોરી કરતાં ક્રીમનો સૂર્યાસ્ત!
  • અમેરિકી આંદોલનનો પ્રભાવ : ત્વચાને ગોરી કરતાં ક્રીમનો સૂર્યાસ્ત!

‘જોહ્નસન એન્ડ જોહ્નસન’, ‘હિન્દુસ્તાન યુનિલિવર’, ‘ન્યુટ્રોજિના ફાઇન ફેરનેસ’ અને ‘ક્લિન એન્ડ ક્લિયર’ જેવી કંપનીઓ હવે ત્વચાને ગોરી કરતી ક્રીમ એશિયામાં વેચવાનું બંધ કરશે એવી જાહેરાત કરવામાં આવી છે. વર્ષો સુધી આપણે ‘ફેર એન્ડ લવલી’ ક્રીમના તૂતથી પ્રભાવિત રહ્યા. પરંતુ ટૂંક સમયમાં એ ક્રીમ પણ બજારમાં મળતી બંધ થશે. અમેરિકામાં જ્યોર્જ ફ્લોઇડની ધોળા દા’ડે હત્યા બાદ ‘બ્લેક લાઇફ મેટર્સ’નું જે આંદોલન ચાલ્યું, તેનો આ પ્રભાવ છે. દુનિયાભરની કંપનીઓએ પોતપોતાની ફેરનેસ ક્રીમ માર્કેટમાંથી પાછી ખેંચી લેવી પડે એવી હાલત છે.

*‘ફેર એન્ડ લવલી’ લોશનના દૈનિક વપરાશથી સ્ત્રીની ત્વચા ગોરી થઈ જાય, તેની લઘુતાગ્રંથિ દૂર થઈ જાય અને તેને રાતોરાત સફળ મળી શકે છે એવા અઢળક ખોટા સપના ટીવી કમર્શિયલ થકી ભારતીય સમાજને દેખાડવામાં આવ્યા. કાળો રંગ ખરાબ અને ગોરી ત્વચા આકર્ષક, એવી માન્યતામાંથી હજુ પણ આપણે બહાર નથી નીકળી શક્યા એ સત્ય છે. પરંતુ તેના પર રોક લગાવવા માટે અમુક જ કલાકોમાં 11,000થી વધુ લોકોએ પિટિશન પર હસ્તાક્ષર કર્યા છે. પરિણામસ્વરૂપ, ત્વચાને ગોરી બનાવતી એકપણ ટીવી કમર્શિયલ જાહેરાતો અને ક્રીમ આગામી સમયમાં બજારોમાં જોવા નહીં મળે.

*ભારતમાં ફેરનેસ ક્રીમનું બજાર દર વર્ષે ઓછામાં ઓછી પાંચથી દસ હજાર કરોડની કમાણી કરે છે! પ્રત્યેક દશકામાં એકાદ વખત ‘મિસ વર્લ્ડ’ અથવા ‘મિસ યુનિવર્સ’નો ખિતાબ ભારતને ફાળે જાય છે, એની પાછળ પણ ક્યાંક ને ક્યાંક ઇન્ટરનેશનલ પોલિટિક્સ જવાબદાર છે. આપણે ત્યાં છેલ્લે માનુષી છિલ્લરે ‘મિસ વર્લ્ડ’નો ખિતાબ જીત્યો એ પછી ફેરનેસ ક્રીમના વેચાણમાં કરોડોનો ઉછાળો જોવા મળ્યો હતો! વાસ્તવમાં આ પ્રકારની સ્પર્ધા સુંદરતાના નામે ફક્ત બાહ્ય દેખાવને પ્રોત્સાહન આપે છે. અશ્વેતોની આંતરિક સમૃદ્ધિ જોવાની વાત આપણને ભૂલાવી દેવામાં આવી છે. કૃષ્ણ પોતે શ્યામવર્ણી હતાં, છતાં આપણે આપણા ધર્મ પરથી પણ અશ્વેત રંગને માન આપતાં નથી શીખી શક્યા, એનું દુ:ખ છે.

આલેખન- પરખ ભટ્ટ: કેટકેટલી કંપનીઓ હવે પોતપોતાના ફેરનેસ ક્રીમ બજારમાંથી પાછા ખેંચી રહી છે. જ્યોર્જ ફ્લોઇડને કારણે થયેલા અમેરિકાથી શરૂ થયેલાં આંદોલનની અસર સમગ્ર વિશ્વમાં થઈ છે. કાળા-ગોરાનો ભેદ મિટાવવા માટે સૌથી પ્રાથમિક જરૂરિયાત છે, ત્વચા ગોરી કરતા ક્રીમ હટાવવાની! ભારતમાં ઘણા લોકોએ આ અંગે ભૂતકાળમાં વાંધો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ અહીંની કંપનીઓ ટસની મસ થયા વગર ક્રીમ વેચતી રહી. શહેર અને ગામડાની છોકરીઓ હરખભેર ગોરા થવાના અરમાન સાથે ક્રીમ ખરીદતી રહી.

હિંદુસ્તાન યુનિલિવર જેવી કંપની કરોડો-અબજો રૂપિયા કમાતી રહી. આપણે ત્યાં સુંદરતા વેચવા માટે રીતસરની હોડ જામી છે, એમ કહીએ તો પણ અતિશયોક્તિ નહીં ગણાય. ટીવી કમર્શિયલ્સના માધ્યમથી લોકોના મગજમાં સતત એવું ઠસાવવામાં આવે છે કે કાળો રંગ ખરાબ છે. કાળી ત્વચા ધરાવતી વ્યક્તિ પાસે આત્મવિશ્વાસની કમી હોય છે, તે સફળ નથી થઈ શકતો અને તેને સમાજ ધુત્કારે છે વગેરે વગેરે જેવા ભ્રમ આપણા મગજમાં ઉભા કરવામાં આવ્યા. આજની તારીખે પણ એકબીજાને ઘરે છોકરો કે છોકરી જોવા જતાં પહેલાં આપણે તેની ત્વચાનો રંગ કેવો છે એ જોવાનું વધુ પસંદ કરીએ છીએ! ફક્ત ભારત નહીં, પરંતુ એશિયાના મોટાભાગના દેશોની આ વ્યાપક માન્યતા છે. અમેરિકામાં જ્યોર્જ ફ્લોઇડના કિસ્સાએ સુષુપ્ત રંગભેદની નીતિને ફરી બેઠી કરી અને રમખાણો ફાટી નીકળ્યા. લાખો લોકોએ રસ્તા પર ઉતરીને તેનો વિરોધ કર્યો.

આજે ફક્ત ક્રીમ જ નહીં, બેન્ડ-એડ્સમાં પરિવર્તનનો અવકાશ મળ્યો છે. 2005ની સાલમાં ‘જોહ્નસન એન્ડ જોહ્નસન’ કંપનીએ માણસની ત્વચાના રંગ પરથી અલગ અલગ સ્કીન-ટોન ધરાવતી બેન્ડ-એડ્સ માર્કેટમાં મૂકી હતી, પરંતુ તેની માંગ ઓછી હોવાને કારણે તેનું મેન્યુફેક્ચરિંગ બંધ કરી દેવામાં આવ્યું. આજે સ્થિતિ બદલાઈ છે. બેન્ડ-એડ્સ દ્વારા અલગ-અલગ રંગમાં તેમની પ્રોડક્ટ વેચવાની જાહેરાત થતાં જ લોકોએ ટવીટર પર તેને વધાવી લેવામાં આવી છે. 1 લાખ રિ-ટવીટ કરીને યુઝર્સે એ માટે પોતાનું સમર્થન નોંધાવ્યું છે. આગામી સમયમાં ત્રણ સ્કીન-ટોનમાં બેન્ડ-એડ્સ મળતી થશે.

હવે બ્યુટી પેજન્ટ પર આવીએ. આપણા દેશમાં ટેલેન્ટની કમી તો છે નહી! શેરી-ગલીએ ઉભરાતું આપણું યુવાધન પોતાના કૌશલ્યને બહાર લાવવા માટે રાત-દિવસ મહેનત કરે છે. કેટલાક સફળ થાય છે તો કેટલાક અસફળ. એમાં વળી સ્ત્રીઓ માટે તો આપણા સમાજે વધારાનું યુધ્ધમેદાન બનાવી રાખ્યું છે, જેમાં લડી લીધા બાદ જ સ્ત્રી પોતાની જાતને યોગ્ય પુરવાર કરી શકે છે. આદિકાળથી જ સ્ત્રીને સુંદરતા સાથે જોડી દેવાઈ છે. સ્ત્રીની વાત નીકળે એટલે સૌપ્રથમ બાહ્ય દેખાવને અગ્રતા આપવામાં આવે! (મહાભારત, રામાયણ કે પછી કાલિદાસ, ભાસનાં કાવ્યો જોઈ લો!) ન્યુયોર્ક ટાઈમ્સનાં કોલમનિસ્ટ કોર્ટની માર્ટિન પોતાનાં એક અંગ્રેજી આર્ટિકલમાં જણાવે છે કે, બ્યુટી પેજન્ટ્સ આજકાલ ફક્ત પૈસા રળી આપવા માટેનું સાધન બની ગયા છે.

સ્ત્રીની સ્ત્રી પ્રત્યેની અસુરક્ષિતતાનો હાથા તરીકે ઉપયોગ કરીને આયોજકો માલામાલ થઈ રહ્યા છે. સુંદરતા એ ખરેખર કોઈ સ્પર્ધાત્મક વસ્તુ નહી પરંતુ રચનાગત પ્રક્રિયા છે. તેનો બિઝનેસ બનાવી નાંખવો તે કેટલા અંશે વ્યાજબી છે?

આપણા દેશનાં બ્યુટી પેજન્ટ-મિસ ઈન્ડિયાની વાત કરીએ તો તેમાં ભાગ લેવા માટેની પહેલી શરત એ કે તમારી ઉંમર છવ્વીસ વર્ષથી નીચેની હોવી જરૂરી છે. કેમ? એથી વધુ ઉંમરની સ્ત્રી સુંદર નથી હોતી શું? લંડનની ઈમ્પિરિયલ કોલેજ દ્વારા કરવામાં એક રિસર્ચ મુજબ, ભારતીય સ્ત્રીઓની એવરેજ ઉંચાઈ પાંચ ફૂટ છે. જ્યારે આપણા બ્યુટી પેજન્ટમાં ભાગ લેનાર સ્પર્ધકની ઉંચાઈ પાંચ ફૂટ-પાંચ ઈંચ (5’5)થી વધારે હોવી જોઈએ, નહિતર સીધા ડિસ્ક્વોલિફાય! ત્રીજું, તમે અપરિણિત હોવા જોઈએ.

મિસ ઈન્ડિયાનાં ઓડિશન રાઉન્ડથી લઈને મિસ વર્લ્ડની સમાપ્તિ સુધી ગર્ભ ધારણ કરવાની છૂટ નથી હોતી. આવા નિયમો જ સાબિત કરે છે કે અત્યારનાં જમાનામાં બાહ્ય સુંદરતાનું કેટલું મહત્વ છે! લોકોની દ્રષ્ટિએ ઉંચો સપ્રમાણ બાંધો અને ગોરો દેખાવ જ સુંદરતાની પરિભાષા છે. સ્ત્રીનું મન કેટલુ શુધ્ધ અને પવિત્ર છે તે નક્કી કરવા માટે અહીં કોઈ માપદંડ રખાયા જ નથી. ’બ્યુટી વિથ અ પર્પઝ’ જેવા એકલદોકલ કાર્યો થકી માણસનાં ઋજુ હ્રદયની સાચી પરખ થઈ શકે ખરી?

2015ની સાલમાં મિસ યુનિવર્સ કોમ્પિટિશનનાં લાઈવ ટેલિકાસ્ટ દરમિયાન જ્યારે તેનાં હોસ્ટ સ્ટીવ હાર્વેથી વિજેતાનું નામ ખોટું ઉચ્ચારાયું હતુ એ વખતે, મશહૂર લેખક જેસિક વેલેન્ટીએ પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સ્ટીવ હાર્વેથી મિસ યુનિવર્સનાં નામ ઉચ્ચારણમાં ભૂલ થઈ એ ખરેખર ભૂલ છે જ નહી! 2015ની સાલમાં પણ સ્ત્રીને બિકીની પહેરાવી જે પ્રકારે પ્રદર્શનયાત્રામાં જોડવામાં આવે છે તે ખરા અર્થમાં અત્યંત શરમજનક છે. સ્ત્રીનાં બાહ્ય દેખાવ પરથી તેની આંતરિક સુંદરતાનો અંદાજ લગાવનાર આવા બ્યુટી પેજન્ટ વાસ્તવમાં ધૃણાસ્પદ છે.

બિકીની પહેરવામાં કશું જ ખોટું નથી પરંતુ તેને સ્ત્રીની સુંદરતાનો માપદંડ સમજી લેવો તે સ્વીકાર્ય નથી. કોમળ હ્રદય અને સ્ફટિક જેવું સાફ મન-સુંદર વ્યક્તિની ઓળખાણ છે. ફાઈનલ રાઉન્ડમાં માનુષીને પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો કે તેનાં મત પ્રમાણે કયો વ્યવસાય વધુમાં વધુ પગાર આપવાને લાયક છે? માનુષીનાં ટચૂકડા જવાબે ત્યાં બેઠેલા તમામનાં દિલ જીતી લીધા. તેણે કહ્યું કે માતાનાં સમર્પણભાવ અને બલિદાનની સામે વિશ્વનો દરેક વ્યવસાય ટૂંકો પડે! માં પોતાનાં સંતાન માટે જેટલું કરે છે તેની તુલના પૈસા સાથે નથી થઈ શકતી.

પ્રેમ અને આદર જ તેમની ખરી મૂડી છે. આથી જો સૌથી વધુ પગાર આપવાની વાત આવે તો દુનિયાની તમામ માતાઓને જ આ સન્માન પ્રાપ્ત થવું જોઈએ. વિશ્વસુંદરીનાં ખિતાબને આપણે ઉજવીએ એ બરાબર પરંતુ સાથોસાથ માનવતાનાં મૂલ્યોને જાળવી રાખીને સ્ત્રીની ગરિમા સચવાઈ રહે તેવા કાર્યો કરીએ તો કદાચ ભારત ફરી પોતાનું સન્માનીય સ્થાન પાછું મેળવી શકશે. બ્યુટી પેજન્ટ્સને ફક્ત બ્યુટી પૂરતાં જ સીમિત ન રહેવા દેતાં, સ્ત્રી પ્રત્યે આદર અને કરૂણા જન્માવનાર મુકામ બનાવીએ તો ભવિષ્ય વધુ ‘સુંદર’ બનશે!
bhattparakh@yahoo.com


Related News

Loading...
Advertisement