બેંક લોન એનપીએ 90ને બદલે 150 દિવસે થશે?

29 June 2020 05:29 PM
India
  • બેંક લોન એનપીએ 90ને બદલે 150 દિવસે થશે?

નવી દિલ્હી તા.29
કોરોના સંકટ-લોકડાઉનને કારણે વેપાર-ઉદ્યોગ-કોર્પોરેટ જગતમાં હતાશાનો માહોલ છે ત્યારે બેંક એનપીએ નિયમ 90 દિવસથી વધારીને 150 દિવસ કરવાની દિશામાં વિચારણા શરૂ થઈ છે. રિઝર્વ બેંકે આ દરખાસ્ત પર વિચારણા શરૂ કરી છે.

રિઝર્વ બેંકની બોર્ડ બેઠકના સતાવાર એજન્ડામાં ન હોવા છતાં આ દરખાસ્ત પર ચર્ચા થઈ હતી. નાણાંપ્રધાન નિર્મલા સીતારામને એક વખત લોન રીસ્ટ્રકચરીંગની છુટ્ટ આપવા વિશે બેંક નિયમનકાર સાથે વાટાઘાટો ચાલુ હોવાનો ઈશારો કર્યો હતો ત્યારે રિઝર્વ બેંકની બોર્ડ બેઠકમાં ચર્ચા મહત્વપૂર્ણ ગણાય છે. કોરોના મહામારીને કારણે આર્થિક રીતે વેપારધંધાની કમ્મર તૂટી ગઈ છે ત્યારે કેટલીક છૂટછાટો માટે વિચારણા થઈ રહી છે.

બોર્ડ મીટીંગમાં અમુક ડાયરેકટરોએ પણ એવો ગર્ભીત ઈશારો કર્યો હતો કે કોરોના મહામારી તથા લોકડાઉનથી વેપાર જગત પર તીવ્ર અસર છે. સરકારે બેંક લોનના હપ્તા ચુકવવામાં રાહત આપી હોવાથી અત્યારે આર્થિક દબાણ ભલે દેખાતુ ન હોય પરંતુ આવતા મહિનાઓમાં આર્થિક સંકટનો વિસ્ફોટ થઈ શકે છે. લોનના હપ્તા ચુકવવાની છુટ્ટ છતાં વ્યાજનું ચકકર ફરી જ રહ્યું છે. સેંકડો લોકો બેંક લોન ન ચુકવી શકે તેવી હાલત ઉભી થઈ શકે છે. હજુ ધંધાની ગાડી પાટે ચડી નથી, લોકો બીનજરૂરી ખરીદી ટાળી રહ્યા છે એટલે ડીમાંડ નબળી છે.

અમુક ડાયરેકટરોએ એવું સૂચવ્યું હતું કે અત્યારે લોનના હપ્તાની ચૂકવણી સતત 90 દિવસ ન થાય તો એનપીએ ગણવામાં આવે છે તે વધારીને 120 કે 150 દિવસ કરવી જોઈએ. રિઝર્વ બેંકના ગવર્નર શશીકાંત દાસે તેનું વિશ્ર્લેષણ કરવાનું જાહેર કર્યુ હતું. કોરોનાની અર્થતંત્ર પરની અસરનું સાચુ ચિત્ર મળતા 6થી9 મહિના લાગી જવાનો સૂર દર્શાવ્યો હતો.


Related News

Loading...
Advertisement