ખંભાળીયાના વડત્રા ગામે રમતા-રમતા પાણીમાં ગરક બે ભાઇના મોતથી અરેરાટી

29 June 2020 02:53 PM
Jamnagar
  • ખંભાળીયાના વડત્રા ગામે રમતા-રમતા પાણીમાં ગરક બે ભાઇના મોતથી અરેરાટી

આદિવાસી પરિવાર પર વ્રજઘાત : માતા-પિતા હતપ્રભ

જામખંભાળીયા તા.29
ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે શનિવારે સવારે પરપ્રાંતીય શ્રમિક પરિવારના બે સગા ભાઈઓ રમતા રમતા પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાના કારણે બન્નેના કરૂણ મૃત્યુ નિપજ્યા હતા.
ખંભાળિયા પંથકમાં અરેરાટી જગાવતા આ બનાવની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે રહેતા ગોવિંદભાઈ નામના એક આસામીની વાડીમાં રહી અને મજૂરીકામ કરતા મૂળ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ગામના વતની સુરેશ મંગાભાઈ નાયકા નામના ત્રીસ વર્ષના આદિવાસી યુવાન તેમના પત્ની નંદાબેન તથા બે બાળકો વિજય (ઉ. વ. 11) તથા સંજય (ઉ. વ. 7) સહિતના પરિવાર સાથે વાડીની બાજુમાં એક ઝુંપડું બાંધીને રહે છે.
શનિવારે સવારે સુરેશભાઈ તથા તેમના પત્ની તેમના બંને પુત્રો વિજય અને સંજયને ઘરે રાખીને નજીકની વાડીએ મજૂરી કામ કરવા ગયા હતા. બાદમાં 11 વાગ્યે સુરેશભાઈના પત્ની નંદાબેન ઘરે પાણી પીવા આવ્યા અને જોયું તો બંને સંતાનો ઘરમાં હાજર ન હતા. આથી હાંફળા ફાંફળા બની ગયેલા નંદાબેનએ તેમના પતિ સુરેશભાઈને જાણ કરતાં વાડી માલિક ગોવિંદભાઈ વિગેરે આ સ્થળે દોડી આવ્યા હતા.
શ્રમિક દંપતીની સાથે વાડી માલિક તથા આસપાસના રહીશોએ બન્ને બાળકો વિજય તથા સંજયની શોધખોળ કરતા તેઓ વાડીથી થોડે દૂર આવેલા તળાવ નજીક પહોંચ્યા હતા. ત્યાં ગારામાં ઉપરોક્ત બન્ને બાળકોના પગના નિશાન જોવા મળતા તેઓએ તળાવના ખાડામાં શોધખોળ કરી હતી. અને આ સ્થળે જતા તળાવના પાણીમાં ડૂબી ગયેલી હાલતના બન્ને સંતાનો મૂર્છિત હાલતમાં મળી આવ્યા હતા. જેથી બન્નેને પાણીમાંથી કાઢી, અને અહીંની હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આમ, શ્રમિક પરિવારના બન્ને સંતાનો એકસાથે અકાળે કાળનો કોળિયો બની જતા આ દંપતીનું કરૂણ આક્રંદ ભારે હૃદયદ્રાવક બની રહ્યું હતું.


Loading...
Advertisement